ક્રાઈમ કોર્નર

અંજારમાં આધેડે ગળે ફાંસો ખાધો

અંજાર : શહેરમાં ગુલાબ મીલ પાસેના નવાનગરમાં રહેતા પર વર્ષિય ખીમાભાઈ ભીખાભાઈ ગામોટે અગમ્ય કારણોસર પોતાના ઘરે સવારે ગળે ફાંસો ખાઈ જિંદગીનો અંત લાવી દેતા અંજાર પોલીસમાં અકસ્માત-મોતનો ગુનો દાખલ થયો છે.

ખડીર પોલીસે અમરાપરમાંથી ૭૦ હજારનો દારૂ પકડ્યો

રાપર : આ વિસ્તારમાં ખડીર પોલીસે બાતમીના આધારે અમરાપર ગામમાંથી પ્રો.હિ. મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. વોન્ટેડ આરોપી ગામના જ રમઝાન મીરખાન બલોચના કબજામાંથી ઈંગ્લિશ દારૂના ૬૬૪ ક્વાર્ટરિયા અને ૧૦ બોટલ મળી ૭૦ હજારનો મુદ્દામાલ તેમજ હ્યુન્ડાઈ કંપનીની કાર મળી ૧.૮૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. રેડ દરમિયાન આરોપી હાજર મળી આવ્યો ન હતો.

એલસીબીએ પાર્ક કારમાંથી ૩૧ હજારનો શરાબ જપ્ત કર્યો

ગાંધીધામ : પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. રાપરના અયોધ્યાપુરી ટાઉન શેરી નં.૩ મા સફેદ કલરની મારૂતી કાર જીજે૦૩-કે-૬૧૭૩ ઊભી હતી. તેમાંથી વિદેશી દારૂની પ૮ બોટલ અને બિયરના પ૧ ટીન તેમજ ૩પ હજારની કાર મળી કુલ રૂા.૬૬ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

ડગાળામાં શિક્ષકે છાત્રને જાતિ અપમાનિત કરતા ગુનો

ભુજ : તાલુકાના ડગાળા ગામે ૮મા ધોરણમાં ભણતો નરેન્દ્ર વેલજીભાઈ મેરિયા ગામમાં આવેલા ટ્યૂશન ક્લાસમાં શિક્ષક ભરત ખોડાભાઈ પ્રજાપતિને ત્યાં ભણવા માટે ગયો હતો. ત્યારે શિક્ષકે છાત્રો વચ્ચે બાળકને ઊભો કરી નામ પુછયું અને બાદમાં સંભળાવી દીધું કે, હું તમારી જ્ઞાતિના લોકોને ભણાવતો નથી. તમારી જ્ઞાતિના લોકોને અલગથી ભણાવીશ તેવું કહી બાળકને ઘરે મોકલી દેવાયો હતો. તેના માતા બીનાબેન ટ્યૂશન ક્લાસમાં ગયા, ત્યારે પણ શિક્ષકે આજ હઠ રાખી હતી. જેથી જાતિ અપમાનિત કરતા છાત્રની માતાએ શિક્ષક સામે પધ્ધર પોલીસમાં એટ્રોસિટીની કલમો તળે ગુનો નોંધાવ્યો છે.

કિશોરી પર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી દેવાઈ

ભુજ : નખત્રાણા તાલુકાના દેશલપર ગુંતલી ગામે લગ્નની લાલચ આપી સગીરા સાથે બળજબરી પૂર્વક દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી દેવાતા ભારે ચકચાર મચી ગઈ છે. ઘટના અંગે ભોગ બનનાર સગીરાની માતાએ આરોપી શક્તિ દેવજી કોલી સામે ફરિયાદ નોંધાવી છે. આરોપીએ એકમાસ સુધી સગીરાને અલગ અલગ જગ્યાએ લઈ બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. જે અંગે આરોપી સામે પોક્સો સહિતની કલમો તળે ગુનો નોંધાયો છે.