ક્રાઈમ કોર્નર

ફતેહગઢ અને વણોઈવાંઢમાં આપઘાતના બે બનાવ

રાપર : તાલુકાના ફતેહગઢ અને વણોઈવાંઢમાં પરિણીતા અને યુવતીએ અગમ્ય કારણોસર આપઘાત કર્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ફતેહગઢમાં રહેતી ર૦ વર્ષિય પરિણીતા અનિષાબા મહેન્દ્રસિંહ જાડેજાએ પોતાના ઘેર અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. તો રાપરના વણોઈવાંઢમાં ર૪ વર્ષિય ધનબાઈ ઓસ્માણ નોડેએ કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. બન્ને બનાવોને પગલે રાપર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

નારાણપરનો બુકી આંકડા લખતા ઝડપાયો

ભુજ : ભુજ તાલુકાના બળદિયા ગામે નારાણપરના બુકીને આંકડા લખતા પકડી પાડ્યો હતો. બળદિયાની મિલન અને કલ્યાણ બજારમાં આંકડાનું બુકીંગ લેતા નારાણપરના રહેવાસી અરવિંદ દેવજી ફફલને માનકુવા પોલીસે પકડી પાડીને ગુનો દાખલ કર્યો હતો. બાતમીના આધારે પડેલા દરોડામાં તેની પાસેથી રૂા.પ૧૦૦ રોકડા અને સાહિત્ય કબ્જે કરાયું તેવું પોલીસે જણાવ્યું હતું.

માધાપરમાં દબાણ મુદ્દે વેપારીને ધમકી અપાઈ

ભુજ : ભુજ તાલુકાના માધાપર ગામે પ્લોટ બાબતે વેપારીને ધમકી આપવામાં આવતા પોલીસ ફરિયાદ કરાઈ છે. માધાપરની હદમાં આવતા હિરાણીનગરમાં રહેતા અને મિનરલ વોટરનો વ્યવસાય કરતા વેપારી જયેશભાઈ શિવજીભાઈ પૂજારાએ લખાવેલી ફરિયાદ મુજબ આરોપી લતીફ સમા (રહે. હંગામી આવાસ-ભુજ)એ અગાઉ પ્લોટ ઉપર દબાણની પેરવી કરી હતી. જે બાબતે તેને ના પાડી હતી જે બાબતે ફોન ઉપર અપશબ્દો બોલી ધમકી આપી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મુંદરામાં સ્નેચરો મહિલાનો મોબાઈલ ફોન છીનવી ગયા

મુંદરા : મુંદરામાં સ્નેચરો વોક પર નીકળેલી મહિલાનો રૂા.૧ર,૦૦૦નો મોબાઈલ છીનવી ગયા હતા. ફરિયાદી હસીનાબીબી તૈયબશા સૈયદ (ઉ.વ.૩૪) (રહે. મહેશનગર-મુંદરા)ની ફરિયાદને ટાંકીને અહેવાલ મુજબ બનાવ બન્યો હતો. તેઓ પોતાની ભત્રીજી નાઝબીબી સાથે વોક પર નીકળ્યા હતા ત્યારે બીએડ કોલેજ રોડ પર કાળી મોટર સાયકલ પર બે અજાણ્યા ઈસમો નાઝબીબીના હાથમાં રહેલ મોબાઈલ ફોન કિંમત રૂપિયા ૧ર,૦૦૦ છીનવી નાસી ગયા હતા.

ભાડિયા પાસેથી ચોરી કેસનો આરોપી પકડાયો

ભુજ : સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના ચલાલા પોલીસ મથકમાં દાખલ થયેલા ચોરી વિશેના કેસમાં છેલ્લા સાત વર્ષથી નાસતા ફરતા આરોપી કાળુ ભીખાભાઈ ઉર્ફે ભાકુભાઈ વાઘેલીયાને પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લાની સ્થાનિક ગુના શોધક શાખાએ ઝડપી પાડ્યો હતો. આ ભાગેડુ આરોપી માંડવી તાલુકાના મોટા ભાડિયાથી શેખાઈ બાગ તરફ જતા માર્ગ ઉપર ઝુંપડામાં રહેતો હોવાની બાતમીના આધારે એલસીબીએ ત્યાં ધસી જઈ તેને પકડી લીધો હતો.

સુવઈમાં બનેવીના ભાઈઓએ યુવાનને માર્યો માર

રાપર : તાલુકાના સુવઈ ગામે હોળી નિમિતે બહેનના ઘેર હાયડો આપવા ભાઈ પર બનેવીના ભાઈએ હુમલો કર્યો હતો. ભચાઉ તાલુકાના નેર ગામે રહેતા પ૭ વર્ષિય ભુરાભાઈ રાજાભાઈ ફફલ સુવઈ વાડી વિસ્તારમાં તેમની બહેનના ઘેર હોળી આપવા ગયા હતા. ત્યારે તેની બહેનના બે દિયરો દિનેશ દેશરા વાઘેલા અને નાનજી વાઘેલાએ તુ તારી બહેનનું ઉપરાણું લેવા કેમ આવ્યો છે તેવું કહીને લોખંડના પાઈપ ફટકારી ફ્રેકચર સહિતની ઈજાઓ પહોંચાડી હતી.