ક્રાઈમ કોર્નર

નાની ચીરઈ પાસે ટ્રક ટેન્કરમાં ભટકાતા ૧નું મોત

ભચાઉ : ગાંધીધામ – ભચાઉ ધોરી માર્ગ પર નાની ચીરઈ નજીક અકસ્માતની ઘટના બની હતી. ગાંધીધામથી ટેન્કરમાં ખાધ તેલ ભરી ચાલક નિકળ્યો હતો. ત્યારે પાછળથી આવતા ટ્રકના ચાલકે ટેન્કરમાં વાહન ભટકાવ્યું હતું, જેથી ટ્રકનો ચાલક ખેતારામ પ્રહલાદરામ ચૌધરી કેબીનમાં દબાઈ જતાં ગંભીર ઈજાઓથી મોત થયું હતું. ટ્રક ટેન્કરમાં ભટકાતા તિરાડ પડી ગઈ હતી. જેથી લીક થતું ખાદ્યતેલ ભરવા મધરાત્રે પડાપડી થઈ હતી.

અંજારમાં ચોરાઉ બાઈક પરત ન આપતાં ગુનો

અંજાર : શહેરના વિજયનગરમાં રહેતા દિગ્વિજયસિંહ મહેન્દ્રસિંહ પરમારે પોતાના ઘર પાસે બાઈક પાર્ક કર્યું હતું. પરંતુ બીજા દિવસે તે જોવા મળી ન હતી. ત્રણ દિવસ બાદ સવારે સોસાયટીમાં રહેતા શાન્તાબેન કરશનભાઈ મહેશ્વરીએ આ બાઈક સપનાનગરમાં મહેશ મોતીલાલ ઠાકોર ચલાવતો હોવાનું જોતા શાન્તાબેને બૂમ પાડી તેને રોકાવ્યો હતો. પરંતુ આરોપી ભાગી ગયો હતો. ફરિયાદીએ મહેશને પોતાનું બાઈક પરત આપી દેવા કહ્યું હતું, પરંતુ બાઈક પાછી ન આપતા તેની સામે અંજારમાં ગુનો દાખલ કરાવાયો છે.

ભારાપરમાં વૃદ્ધાએ બિમારીથી કંટાળી જીદંગી ટૂંકાવી

ભુજ : તાલુકાના ભારાપર ગામે રહેતા ૬પ વર્ષિય હીરબાઈ અર્જુનભાઈ મહેશ્વરીએ માનસિક બિમારીથી કંટાળીને પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા માનકૂવા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો હતો.

ગાંધીધામ પોલીસે બે બાઈક ચોર ઝડપ્યા

ગાંધીધામ : શહેરના જુદા જુદા વિસ્તારમાં થયેલી બાઈક ચોરીના બે બનાવોનો પોલીસે ભેદ ઉકેલ્યો હતો. જેમાં એ ડિવિઝન પોલીસે મહેશ્વરીનગર પાસેથી આરોપી ૧૯ વર્ષિય મનીષ ઉર્ફે મનજી મીઠુભાઈ મહેશ્વરીની ધરપકડ કરી હતી. તેની સ્પેન્ડર+ બાઈક નંબર જી.જે. ૧ર ડીપી પ૧પર કબ્જે કરાઈ હતી. તો બી ડિવિઝન પોલીસે કિડાણાના મિંયાણીવાસમાં રહેતા આરોપી સિદિક જુમા ચાવડાની અટકાયત કરી તેની પાસેથી સ્પેન્ડર બાઈક નંબર જી.જે. ૧ર સીએસ ૬રર૧ કબ્જે કર્યું હતું.

વ્યાજના રૂપિયા મુદ્દે થયેલા ડખ્ખામાં સામસામે ફરિયાદ

ભુજ : શહેરના હોસ્પિટલ રોડ પર ભાદરકા હોસ્પિટલ સામેની સોસાયટીમાં રહેતા અને જથ્થાબંધ બજારમાં ઘીનો વેપાર કરતા મોનિલ કમલેશ શાહે આરોપી નિર્ભય જયપ્રકાશ આહીર પાસેથી ૧૦ ટકાના વ્યાજે રૂપિયા ર લાખ લીધા હતા. જે ત્રણ ટુકડે ચુકવવા છતાં આરોપી નિર્ભય અને તેની સાથેના બે શખ્સોએ ઘરે આવી વ્યાજના રૂપિયા પર અલગથી પેનલટી લગાવી ફરિયાદી અને તેના પિતા માર માર્યો હોવાની ફરિયાદ મોનિલ શાહે નોધાવી હતી. જયારે પ્રતિ ફરિયાદમાં નાણાં ધીરનાર નિર્ભયએ જણાવ્યું કે, મોનિલ પાસે રૂપિયાની માંગણી કરવા જતાં પિતા- પુત્ર દ્વારા લાકડી માર મરાયો હતો. જેથી બી ડિવિઝન પોલીસે સામસામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.