બાઈક સ્લીપ થવાથી ઘવાયેલા યુવકે દમ તોડ્યો

ભુજ : શહેરમાં કેમ્પ વિસ્તારમાં રહેતા રપ વર્ષિય આસિફ મામદ લુહાર આત્મારામ સર્કલથી ભુજિયા રીંગ રોડ જતા હતા. તે દરમિયાન બાઈક સ્લીપ થઈ જતાં યુવાન ગંભીર રીતે ઘવાયો હતો. જેને જી.કે.માં પ્રાથમિક સારવાર આપ્યા બાદ રાજકોટ લઈ જવાયો હતો. પરંતુ સારવાર દરમિયાન યુવકનું મોત થતાં ગમગીની ફેલાઈ જવા પામી હતી. હતભાગીના છ મહિના પહેલા જ લગ્ન થયા હતા.

લૂંટ – પ્રોહીબીશનના ગુનામાં ફરાર ડાભુંડાનો શખ્સ ઝડપાયો

રાપર : અહીંના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા લૂંટ તથા પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપી ડાભુંડાના સ્વરૂપસિંહ સવાઈસિંહ સોઢાને ગોવિંદપરથી બાદરગઢ તરફ જતાં રસ્તા પરથી પોલીસે ઝડપી પાડ્યો હતો.

સરકારી જમીન પર મકાનો બનાવનાર પદ્ધરના શખ્સ સામે લેન્ડ ગ્રેબીંગ

ભુજ : ભુજ – ભચાઉ વાયા દુધઈ માર્ગે પદ્ધર નજીક સરકારી જમીન પર ગેરકાયદે દબાણ કરી ૧૦ જેટલી ઓરડીઓ બનાવી ભાડે આપવાની પ્રવૃત્તિ કરતા પદ્ધરના દબાણકાર ડાયાભાઈ વેલજીભાઈ કોઠિવાર સામે લેન્ડ ગ્રેબીંગ એકટ તળે ગુનો દાખલ કરાયો છે. જે તે સમયે પ્રાંત અધિકારી મનીષ ગુરવાનીએ આ સ્થળ પર ૭૦ ઓરડીઓ પર બૂલડોઝર ફરાવ્યું હતું. તે જ જમીન પર ૧૦ ઓરડી બનાવી જમીન પચાવનાર આ શખ્સ સામે સર્કલ ઓફિસર રામસિંહ વણવીર રાજપૂત દ્વારા ફરિયાદ નોંધાવાઈ છે. આરોપીએ સરકારી ટાવર્સની સર્વે નંબર ૭૪૧ પૈકીની જમીન પર ગેરકાયદે કબ્જો કર્યો હતો.

ભુજના સ્વામિનારાયણ નગરમાં પરિણીતાનો આપઘાત

ભુજ : શહેરના રાવલવાડી રિલોકેશન વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણનગર-૧માં રહેતા ૩૦ વર્ષિય રીનાબેન જીગરભાઈ મહેશ્વરી નામની પરિણીતાએ સવારના સમયે પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારજનોમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. બનાવ અંગે એ ડિવિઝન પીએસઆઈ વી.એસ. ચૌહાણે આગળની તપાસ હાથ ધરી છે.

દવાના પાર્સલમાંથી માંડવી પોલીસે હરિયાણાનો દારૂ ઝડપ્યો

માંડવી : મેડિકલ દવાના પાર્સલની આડમાં કચ્છ હાઈવે ટ્રાન્સપોર્ટ મારફતે હરિયાણાથી માંડવી આવતો લાખ રૂપિયાનો શરાબ માંડવી પોલીસે ઝડપી પાડ્યો હતો. માંડવી પોલીસને મેડિકલ દવાના બોક્સની આડમાં શંકાસ્પદ વસ્તુ આવતી હોવાની અરજી મળી હતી. જેથી કચ્છ હાઈવે ટ્રાન્સપોર્ટની ઓફિસે પાર્સલના બોક્સ ખોલાવી તપાસ કરતાં દવાની આડમાં વિવિધ બ્રાન્ડ ૧૪૪ બોટલો મળી આવી હતી. જેથી લાખ રૂપિયાના શરાબ જપ્ત કરાયો હતો. આ માલ પાંચોટીયાના મહેન્દ્ર ગઢવીએ મંગાવ્યો હોવાનું જાણવા મળતાં તેને ઝડપી પાડવા ચક્રોગતિમાન કરાયા છે.

ભચાઉના વેપારીએ આર્થિક કારણોથી દવા પીધી

ભચાઉ : અહીંની મેઈન બજારમાં મશીનરી સ્પેરપાર્ટની દુકાન ધરાવતા ૬ર વર્ષિય બિપિનભાઈ ભવાનજી ઠક્કર નામના વેપારીએ ઝેરી દવા પી લેતા પ્રથમ સરકારી હોસ્પિટલ બાદ સામખિયાળીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ચર્ચાતી વાતો પ્રમાણે વ્યાજ ખોરોના ત્રાસથી આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.

સણોસરા, મુંદરા, તોરણિયામાં સગીરાનું અપહરણ

ભુજ : તાલુકાના સણોસરા ગામે ૧પ વર્ષની સગીરાનું લાલા નરપત કોહિયા નામના આરોપીએ અપહરણ કરતાં માનકૂવા પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. તો મુંદરામાં સુભમ પેટ્રોલપંપ પાસેથી ૧૬ વર્ષની કન્યાનું અજાણ્યા ઈસમે અપહરણ કરતાં પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. ભચાઉના તોરણીયા ગામે ૧૭ વર્ષની સગીરાનું આધોઈના મહેશ નાગજી કોલીએ અપહરણ કર્યું હોવાની ફરિયાદ દર્જ થઈ છે.