ક્રાઈમ કોર્નર

વિદ્યુત આંચકો લાગતા અંજારના આધેડનું મોત

અંજાર : શહેરના રામેશ્વરનગર વિસ્તારમાં રહેતા પ૯ વર્ષિય કિશોરભાઈ અમરસિંહ ચૌહાણ પોતાના ઘરે હતા. ત્યારે આરઓ પ્લાન્ટનું બટન દબાવવા જતા વીજ શોક લાગ્યો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા આધેડને સારવાર અર્થે લઈ જવાયા હતા. જો કે સારવાર કારગત નિવડે તે પૂર્વે તેમનું મોત નિપજતાં અંજાર પોલીસે એડી દાખલ કરી હતી.

પ્રોહીબીશનના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો

રાપર : આડેસર પોલીસે ઝડપેલા દારૂના કિસ્સામાં ફરાર આરોપીને બાલાસર પોલીસે ઝડપી પાડ્યો હતો. પેટ્રોલિંગના આધારે ગત ર૭મી જુલાઈના નોંધાયેલા દારૂના ગુનામાં ફરાર મોટી રવના યશપાલસિંહ બળવંતસિંહ જાડેજાને પોલીસે પકડી આડેસર પોલીસને સુપરત કર્યો હતો.

સગીરાને ગર્ભવતી બનાવનાર શખ્સ સામે પોક્સોની ફરિયાદ

માંડવી : તાલુકાના મોટી મઉં ગામે સગીરા પર છરીની અણીએ દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર શખ્સ સામે પોક્સો સહિતની ક્લમો તળે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ગઢશીશા પોલીસ મથકે સગીરાની માસીએ ગામના જગદીશ ઓલા મહેશ્વરી સામે ફરિયાદ નોંધાવી હતી. સગીરા તેની માસીના ઘરે ગાંધીધામ રોકવા ગઈ ત્યારે બેભાન થઈ જતાં હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જયાં તબીબોએ સગીરને પાંચ માસનો ગર્ભ હોવાની હક્કિત જણાવતા પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. સગીરા જયારે ઘરમાં એકલી હતી ત્યારે છરીની અણીએ આરોપી અવાર નવાર ઘરમાં ઘુસી આવી બળજબરી પૂર્વક બળાત્કાર કરતો હોવાની કેફીયત સગીરાએ આપી હતી. પોલીસે ગુનો દાખલ કરી આરોપીને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

એસીડ ગટગટાવી આધેડે જીવનલીલા સંકેલી

અંજાર : શહેરની વેરાસર સોસાયટીમાં રહેતા પરસોત્તમ માલસતાર નામના પ૯ વર્ષિય આધેડે અગમ્ય કારણોસર પોતાના ઘરે એસીડ ગટગટાવી આપઘાત કર્યો હતો. હતભાગીને ગંભીર હાલતમાં આદિપુરની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. પરંતુ સારવાર દરમિયાન આધેડે અંતિમ શ્વાસ લેતા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો હતો.