ક્રાઈમ કોર્નર

ભુજના ચીટરોએ ચેન્નઈના શખ્સને ૩.પ૦ લાખના શીશામાં ઉતાર્યો

ભુજ : આ શહેરમાં સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપી ઠગાઈ કરતી ચીટર ટોળકી લાંબા સમયથી સક્રિય છે. તેવામાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે. તમિલનાડુના ચેન્નઈમાં રહેતા ર૯ વર્ષિય સાલીહ અબીલ અબ્દુલ કાદીરે એ ડિવિઝનમાં સંજોગનગરમાં રહેતા રિઝવાન ઉર્ફે ફેઝલ શેખ અને ૩૦થી ૩પ વર્ષના શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. બનાવ ગત ૩૦મી જાન્યુઆરીના બન્યો હતો. આરોપીઓએ ફરિયાદીને સસ્તા ભાવે સોનુ આપવાની લાલચ આપી ૪ લાખ રૂપિયા લીધા હતા. પરંતુ સોનું આપ્યું ન હતું. બાદમાં પ૦ હજાર રૂપિયા પરત આપ્યા હતા. બાકીના ૩.પ૦ લાખ ન આપતા ફરિયાદ નોંધાઈ છે.

માંડવીમાં યુવાનનો આપઘાત

માંડવી : આ શહેરમાં શીતલ ગેસ્ટ હાઉસ પાછળ રહેતા ૩૬ વર્ષિય યુવાન હરેશભાઈ બુધાભાઈ ડાભીએ અગમ્ય કારણોસર પોતાના રૂમમાં રસ્સા વડે ગળે ફાંસો ખાઈ જીદંગીનો અંત આણી લેતા પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. માંડવી પોલીસે અકસ્માત મોતનો ગુનો દર્જ કર્યો છે.

ગાંધીધામમાં રેલવે કર્મીના ખાતામાંથી દોઢ લાખ સેરવાયા

ગાંધીધામ : ઔદ્યોગીક પાટનગર એવા આ શહેરમાં ચીટરે રેલવે કોલોનીમાં રહેતા કર્મચારીને ફોન પર ટીમ વિવર એપ ડાઉનલોડ કરાવી તેના ખાતામાંથી દોઢ લાખ રૂપિયા ઉપાડી છેતરપિંડી કરી હતી. જે અંગે ૩૩ વર્ષિય અશોકકુમાર રામ ઈકબાલસિંગે ફોજદારી નોંધાવી હતી. ભોગ બનનારને મંગળવારે ફોન કોલ આવ્યો હતો. અને બેંકમાંથી બોલુ છુ તેવું કહી એપ ડાઉનલોડ કરાવી હતી. જો કે એપ ડાઉનલોડ કરાવી એસબીઆઈના ખાતામાંથી દોઢ લાખ ઉપાડી લેવાતા એ ડિવિઝન પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

સોમાણીવાંઢમાં યુવકને હાથમાં છરી ઝીંકાઈ

રાપર : તાલુકાના સોમાણીવાંઢમાં રહેતા ર૩ વર્ષિય મેરૂભાઈ જેસાભાઈ કોલી ગ્રામ પંચાયતની બાજુમાં આવેલી ગભાભાઈ રણમલભાઈની દુકાને બેઠા હતા. ત્યારે ગભાભાઈએ મારી દુકાન પાસે કેમ બેઠો છો તેવું કહી બોલાચાલી કરી મેરૂભાઈને બંને હાથમાં છરી મારી ઈજા પહોંચાડતા આડેસર પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે.

ધ્રંગમાં યુવાનને કુહાડીનો ઘા મરાયો

ભુજ : તાલુકાના ધ્રંગ ગામે લાકડા કાપી રહેલા યુવાનના માથામાં કુહાડીનો ઘા મરાતા સારવાર અર્થે જી.કે.માં ખસેડાયો હતો. લોડાઈમાં ડાંગરવાસમાં રહેતા મયૂરભાઈ વાલજીભાઈ ડાંગર નામનો યુવાન લાકડા કાપતો હતો. ત્યારે પાછળથી રજાક મંધરિયા નામના શખ્સે કુહાડીનો ઘા ઝીંકયો હતો. જે અંગે જી.કે. જનરલ હોસ્પિટલ ચોકીમાં જાણવા જોગ નોંધ કરાવાઈ હતી.