પડાણામાં ટેન્કર પર ચડેલા યુવાનને વીજ શોક લાગતા મોત

ગાંધીધામ : ગાંધીધામના પડાણા નજીક ટેન્કરમાં ચડેલા યુવાનનું મોત નીપજ્યું હતું. પડાણા પાસે આવેલી લક્ષ્મી એગ્રો ઈન્ડસ્ટ્રીઝના ગેટ પાસે ટેન્કરનું ઢાંકણું ખોલવા ઉપર ચડેલા સંજય સંતરામ યાદવ (ઉ.વ.ર૧)ને વીજ શોક લાગતા નીચે પટકાયો હતો. જેને રામબાગ હોસ્પિટલ લઈ જતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

દારૂના ગુનામાં ભાગેડુ બે આરોપીઓને પોલીસે પકડ્યો

મુંદરા : મુંદરા તાલુકાના મોખા ટોલનાકા પાસેથી મરીન પોલીસે દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપી અને તેના સાગરીતને કાર સાથે કુલ રૂા.રપ,૦પ,૩૩૦ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો. મુંદરા મરીન પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે અંજાર તરફથી આવતી કારની તલાસી લેતા તેમા લોખંડના પાઈપ મળી આવ્યા હતા. કારમાં સવાર શિવરાજસિંહ મદનસિંહ શેખાવત (ઉ.વ.૪૦) (રહે. ગાંધીધામ), બજરંગસિંહ હરિસિંહ રાઠોડ (ઉ.વ.૩પ) (રહે. રાજસ્થાન), મનસુખભાઈ ચમનભાઈ વાળંદ (ઉ.વ.૩૮) (રહે. ગળપાદર) ત્રણે યુવાનોની હથિયાર બંધી ધારા તળે અટકાયત કરી હતી. ઉપરાંત પૂછપરછ દરમ્યાન તેમની ઉપર સામખિયાળી પોલીસ મથકે પ્રોહિબીશનનો ગુનો નોંધાયેલો હોવાનું ખુલ્યું હતું. જેથી પોલીસે આરોપીઓના કબ્જામાંથી રપ લાખની કાર, પ૩૩૦ રૂપિયા રોકડા મળી કુલ રપ,૦પ,૩૩૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

અંજાર રેલ્વે કવાર્ટર નજીકથી બાઈકની ચોરી

અંજાર : અંજાર રેલ્વે સ્ટેશન નજીકથી બાઈકની ચોરી થતા પોલીસ ફરિયાદ કરાઈ હતી. અંજાર ગાયત્રી સોસાયટીમાં રહેતા સુરેશભાઈ કુમાવત પોતાના મજુરને બાઈક પર રેલવે સ્ટેશન નજીક આવેલા ઝુંપડા વિસ્તારમાં ગયા હતા. બાઈક રેલ્વે કવાર્ટર પાસે પાર્ક કરી હતી. પરત આવતા બાઈક ન મળતા શોધખોળના અંતે તેમણે અંજાર પોલીસ મથકે રૂા.ર૦,૦૦૦ની બાઈક ચોરીની ફરિયાદ કરી હતી. પોલીસે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

કાદિયાની યુવતીના થેલામાંથી ૧પ હજાર ચોરીનારી મહિલા નાસી ગઈ

નખત્રાણા : નખત્રાણા તાલુકા કાદિયા ગામની યુવતીના થેલામાંથી પંદર હજાર શેરવી જનારી મહિલા નાસી જતા નખત્રાણા પોલીસ મથકે ફરિયાદ કરાઈ હતી. કાદિયામાં રહેતા લક્ષ્મીબેન ધીરજલાલ બડીયા (ઉ.વ.૩૩)ની દિકરી ભૂમિકાબેન નખત્રાણામાં ખરીદી કરવા આવી હતી. તે મેઈન બજારમાં ઉભી હતી તે દરમ્યાન કોઈ અજાણી મહિલાએ ભૂમિકાબેનના હાથમાં રહેલ થેલામાંથી રૂપિયા પંદર હજાર શેરવી લીધા હતા ત્યારે મહિલા ચોરને રંગે હાથ પકડી તેના કબજામાંથી રૂપિયા પરત મેળવી લીધા હતા. તે દરમ્યાન તસ્કર મહિલા નાસી જતા ભોગ બનનારની માતએ નખત્રાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.