ક્રાઇમ કોર્નર

ભચાઉ હાઈવે પર ટ્રેઈલર-બાઈકના અકસ્માતમાં એકનું મોત

ભચાઉ : રાપર તાલુકાના ફતેહગઢના વતની અને હાલે અંજારમાં રહેતા રમેશભાઈ વિભાભાઈ સુથાર, નારાણભાઈ હરીભાઈ સુથાર સાથે નારણસરી ગામે દર્શન કરવા ગયા હતા. ત્યારે પરત ફરતી વખતે વાગડ વેલફેર હોસ્પિટલ સામે પુલિયા પર પહોંચતા પાછળથી આવતા ટ્રેઈલરે ઓવરટેક કરી બાઈકને ટક્કર મારતા રમેશભાઈનું ગંભીર ઈજાઓથી મોત નિપજયું હતું. જયારે નારણભાઈને ઈજાઓ પહોંચી હતી.

ગાંધીધામમાં કારમાંથી ૧.૩પ લાખનો શરાબ ઝડપાયો

ગાંધીધામ : શહેરના પારેખ સર્કલ પાસે ઓમ સિનેમાની બાજુમાં બાવળની ઝાડીમાં ઉભેલી સ્કોર્પીઓ કારમાં પોલીસે તપાસ કરતાં તેમાંથી દારૂના ૭ર૦ ક્વાટરિયા અને ૧૮૦ બોટલ મળી કુલ રૂપિયા ૧.૩પ લાખનો દારૂ મળી આવ્યો હતો. આ સંદર્ભે કાર ચાલક રાપરના પરબત બાબુ ભરવાડ સામે પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

માંડવીમાં બે દુકાનોમાંથી તસ્કરો ખાદ્ય સામગ્રી ચોરી ગયા

માંડવી : શહેરમાં કાંઠા વિસ્તારમાં આવેલી કરિયાણાની બે દુકાનના તાળા તોડી તસ્કરો સીગતેલના બે ડબ્બા, દેશી ઘીનો ડબ્બો, પાંચ કિલો ચા, કોલગેટ, ખાંડની બોરી તેમજ પરચુરણ રોકડ સહિતનો મુદ્દામાલ ચોરી ગયા હતા. આ બનાવને પગલે વેપારી આલમમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

નખત્રાણા અને બેરૂમાંથી કેબલોની ચોરી

નખત્રાણા : અહીની ગ્રામ પંચાયતના બેરૂ રોડ પર આવેલા ૪ બોરમાંથી ૩ બોરમાં લગાવેલા ૧પ૦ ફૂટ કેબલો તસ્કરો ચોરી જતાં પાણી વ્યવસ્થા ખોરવાઈ હતી. દરમિયાન આજ વિસ્તારમાં ૪ ખેડૂતોની વાડીઓમાંથી પણ ૪૮૧ ફૂટ કેબલ વાયર ચોરાઈ જવા પામ્યો હતો. જેમાં ધનજી વાલજી રૈયાણી, સુરેશ શિવજી કેશરાણી, અર્જુન શિવજી નાથાણી, જીવરાજ કરશન લિમ્બાણીની વાડીમાંથી તસ્કરો કેબલ કાપી જતાં નખત્રાણા પોલીસમાં અરજી કરવામાં આવી હતી.

રાપરમાં ઝડપાયેલો ગોળ અખાદ્ય નિકળતાં ગુનો

રાપર : અહીની પોલીસે ર૭મી જુલાઈના બાતમીના આધારે અલજીબાપુ વાસ પાસે આવેલી આરોપી ભાવીનકુમાર ઉર્ફે નારણભાઈ નરેન્દ્રભાઈ ઠક્કરની ભાવિન ટ્રેડર્સ નામની પેઢીમાં દરોડો પાડી દેશી દારૂ બનાવવા માટે વપરાતો ૩.૮૬ લાખનો ગોળ ઝડપી પાડ્યો હતો. જેના નમુના એફએસએલમાં મોકલાયા હતા. જેના રિપોર્ટમાં આ ગોળ અખાદ્ય હોવાનું સામે આવતા રાપર પોલીસમાં વિધિવત ફોજદારી દાખલ કરવામાં આવી છે.

નાના કપાયામાં યુવાનનો આપઘાત

મુંદરા : તાલુકાના નાના કપાયા ગામે કૃષ્ણનગરમાં રહેતા મૂળ ઓરિસ્સાના ૩૬ વર્ષિય વિશ્વજીત વાસુદેવ પરાલ નામના યુવાને સોમવારે બપોરે પોતાના ઘરમાં પંખા પર શાલ બાંધીને આપઘાત કરી લીધો હતો. હતભાગીના છુટાછેડા થયા હોવાથી મનમાં લાગી આવતા આ પગલું ભર્યું હતું.