ક્યુબામાં બે વર્ષથી નાની વયના બાળકોને રસી અપાઈ

જે વેક્સિન અપાઈ રહી છે તે દેશમાં જ બનેલી છે પણ તેને વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને હજી મંજૂરી આપી નથી

(સંપૂર્ણ સમાચાર સેવા)નવી દિલ્હી, દુનિયામાં હજી બાળકો માટેની કોરોના વેક્સીન પર રિસર્ચ ચાલી રહ્યુ છે. આ માટે આખી દુનિયામાં ટ્રાયલ ચાલી રહી છે ત્યારે ટચૂકડા દેશ ક્યુબાએ બે વર્ષથી વધારે વયના બાળકોને કોરોના વેક્સીન આપવાનુ શરૂ કરી દીધુ છે. આમ ક્યુબા બાળકોને કોરોના વેક્સીન આપનાર પહેલો દેશ બન્યો છે. ચોંકાવનારી વાત એ છે કે, આ સામ્યવાદી દેશમાં જે વેક્સીન અપાઈ રહી છે તે દેશમાં જ બનેલી છે પણ તેને વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને હજી મંજૂરી આપી નથી. ૧.૧૨ કરોડની વસતી ધરાવતા દેશમાં સરકાર સ્કૂલો ખુલે તે પહેલા બાળકોને વેક્સીન આપવા માંગે છે. કયુબામાં હજી પણ દેશના ઘણા ખરા હિસ્સામાં ઈન્ટરનેટ ઉપલબ્ધ નહીં હોવાના કારણે બાળકોને ટીવી થકી અભ્યાસ કરવાનો વારો આવી રહ્યો છે. જેના પગલે સરકાર વહેલી તકે સ્કૂલો ખોલવા માંગે છે. સરકારે જે બે રસી બાળકોને મુકવા માટે મંજૂરી આપી છે તેનુ નામ અબ્દાલા અને સોબેરેના છે. શુક્રવારથી રસી આપવાનુ શરૂ પણ કરી દેવાયુ છે. જેમાં સૌથી પહેલા ૧૨ વર્ષ કે તેથી વધારે વયના બાળકોને અને સોમવારથી બે વર્ષ થી ૧૧ વર્ષના બાળકોને પણ વેક્સીન મુકવાનુ શરૂ કરી દેવાયુ છે. આગામી દિવસોમાં ચીન, યુએઈ, વેનેઝુએલા પણ બાળકોને વેક્સીન આપવાનુ શરૂ કરે તેવી શક્યતા છે.