કૌભાંડી નીરવ મુદ્દે જેટલીનો ધડાકો

નવી દિલ્હી : લોકસભામાં ગઈકાલે નાણામંત્રી અરુણ જેટલીએ ધડાકો કર્યો છે. તેમણે મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે પંજાબ નેશનલ બેંક કાંડના મુખ્ય આરોપી નીરવ મોદીને ૨૦૧૧માં સૌપ્રથમ વખત મુંબઈની બરેદિ હાઉસ શાખામાંથી બનાવટી લોન ગેરંટી આપવામાં આવી હતી અને તે પછી ૧૪ મહિના સુધી સતત આવી બારસો બાર બેન્ક ગેરંટી આપવામાં આવેલી. રાજયસભામાં એક લેખિત જવાબમાં જેટલીએ કહ્યું કે નીરવ મોદી સાથે સંકળાયેલ કંપનીઓને એક દિવસમાં પાંચથી વધુ લેટર ઓફ અન્ડરટેકિંગ આપવામાં આવેલ છે. જેનો ઉપયોગ વિદેશમાં રહેલા ભારતીય બેંકોની બ્રાન્ચોમાંથી લોન લેવા માટે કરવામાં આવેલ. ભારતની બીજા નંબરની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેન્કના કર્મચારીઓની મિલીભગતથી આ શકય બન્યું હતું. જેટલીએ જવાબમાં વધુમાં જણાવેલ કે નીરવ મોદીની કંપનીને છેલ્લો બનાવટી એલ.ઓ.યુ ૩૦ મે ૨૦૧૭ના રોજ આપવામાં આવેલ. તેમણે કહ્યુ કે છ વર્ષ દરમિયાન આરોપી નીરવ મોદીની કંપનીને ૫૩ જેટલા વ્યાજબી એલઓયુ પણ આપવામાં આવેલ. જે બનાવટી લેટર ઓફ અન્ડરટેકિંગ આપવામાં આવેલ તેની મુદત એક વર્ષની હતી. નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોકસી સાથે જોડાયેલી કંપનીઓ ઉપર ૧૩,૬૦૦ કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ છે. આ કૌભાંડમાં મેહુલ ચોકસીની ગીતાંજલિ ગ્રુપ ઓફ કંપની ઉપર ૭૦૮૦ કરોડ રૂપિયાના કૌભાંડનો પણ આરોપ છે.