કોવીડ-૧૯ તાલુકા હેલ્થ વેકસીનેશન કેમ્પ મારવાડી યુવા મંચ ખાતે મંત્રીશ્રીની પ્રેરક મુલાકાત

ગાંધીધામ ખાતે તાલુકા હેલ્થ સેન્ટરના ખાસ કોવીડ-૧૯ના વેકસીનેશનનો કેમ્પ ૧લી એપ્રિલથી ૩૦મી એપ્રિલ સુધી મારવાડી યુવા મંચ પરિવાર સંસ્થા દ્વારા મારવાડી ભવન ખાતે ચાલી રહયો છે. રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે આ તકે મારવાડી સમાજના આ સ્તુત્યકાર્યને બિરદાવવા આ સેન્ટરની મુલાકાત લીધી હતી. રસી લેનારા અને સમાજના ઉપસ્થિતોને સામાજિક શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રીશ્રીએ આ તકે જણાવ્યું હતું કે, “ આખું વિશ્વ કોરોના મહામારીથી લડી રહયું છે ત્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના સ્વપ્નને સાકાર કરવા સૌનો સાથ સૌનો સહકારને તમારા જેવી સંસ્થાઓ સાકાર કરી રહી છે.
કોરોના કોવીડ-૧૯ ને નાથવા સૌએ સહયોગ દાખવ્યો છે જેમાં એનજીઓનો સહયોગ મહત્વપૂર્ણ છે. સૌનો સાથ સૌનો સહકાર અનુરૂપ મારવાડી યુવા મંચ જેવી સંસ્થાના સહયોગથી તાલુકા વેકસીન સેન્ટર શરૂ કર્યુ છે. આ સમગ્ર ટીમને રાજય સરકાર વતી અભિનંદન, આજના યુગમાં યુવાઓના આ સામાજિક ઉતરદાયિત્વ પ્રસંશનીય છે. આ સમાજની સમાજ સેવા પણ પ્રસંશનીય છે. સૌના સહયોગ અને સહકારની કોરોનાની જંગ જીતાશે એમ પણ મંત્રીશ્રીએ આ તકે સૌને જણાવ્યું હતું.
મારવાડી યુવા મંચ ગાંધીધામના ટ્રસ્ટીશ્રી જીતેન્દ્ર જૈને આ તકે કોવીડ-૧૯માં સંસ્થા દ્વારા કરાયેલ કામગીરીની ઉપસ્થિતોને વિગતો જણાવી હતી. રાજયમંત્રીશ્રીએ રસી લેનારની શુભેચ્છા મુલાકાત કરી હતી.
આ તકે રાજયમંત્રીશ્રી સાથે ગાંધીધામ ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરી, સંસ્થાના સર્વશ્રી સંદીપ બાગરેજા નંદુ ગોપાલ, અગ્રણી હરેશ મુલચંદાની, કમલેશ પરિયાણી, હિરેન શેઠીયા, પરમાનંદ ક્રિપલાણી અને પ્રાંતશ્રી વી.કે.જોશી, ટીએચઓ ડો.સુતરીયા, મામલતદારશ્રી અંજાર, ડેપ્યુટી એસ.પી.શ્રી વાઘેલા તેમજ તાલુકા આરોગ્ય અને વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ અને રસી લેનાર નાગરિકો મંત્રીશ્રીના પ્રેરક ઉદબોધન માટે ઉપસ્થિત રહયા હતા.