કોવીડ-૧૯થી માતાપિતાની છત્રછાયા ગુમાવનારનું છત્ર બનશે સરકાર : આવક મર્યાદા વગર વિવિધ સહાયોથી બાળકોના સર્વાંગી વિકાસ માટે તત્પર સરકાર

માર્ચ-૨૦૨૦થી કોરોના મહામારીના અંત સુધી આ યોજનાનો લાભ મળવાપાત્ર

કોવીડ-૧૯ વૈશ્વિક મહામારી માર્ચ-૨૦૨૦થી ગંભીર રીતે ફેલાયેલ છે. કોરોના કાળ દરમ્યાન ૦ થી ૧૮ વર્ષ સુધીની વય જુથના જે બાળકોના માતા અને પિતા બંનેનું કોરોના સમયગાળા દરમ્યાન અવસાન થયું હોય તેવા બાળકોને તેમજ કોરોના કાળ અગાઉ જે બાળકના માતાપિતા અવસાન પામેલ તેવા તેમજ જે બાળકના માતા કે પિતા કોઇ એક કોરોના પહેલાં અને બીજા વાલી કોરોનામાં મૃત્યુ પામ્યા હોય તેવા બાળકોને આવક મર્યાદા જોયા વગર રાજય સરકારની વિવિધ ૧૩ ઉપરાંત યોજનાઓને આવરી લેતી મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ મળવાપાત્ર છે.

આવા અનાથ બાળકના ભરણપોષણ, શિક્ષણ અને આરોગ્ય, સ્વરોજગારી માટે તાલીમ, લોન અને સહાય આપવા સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગ હેઠળ બાળક ૧૮ વર્ષનું થાય ત્યાં સુધી પ્રતિ માસ રૂ.૪ હજારની સહાય બાળક અનાથ થયું તે માસથી પ્રારંભ કરાશે.

૧૮ વર્ષ પછી જે બાળકનો અભ્યાસ ચાલુ હોય તેને રાજય સરકારની આફટર કેર યોજનાનો લાભ ૨૧ વર્ષની ઉંમર સુધી મળવાપાત્ર થશે. ૨૧ વર્ષ પૂર્ણ કર્યા બાદ પણ જે યુવક/યુવતિઓએ માન્ય અભ્યાસ ચાલુ રાખેલ હશે તો તેમને અભ્યાસ પૂર્ણ થાય અથવા ૨૪ વર્ષની ઉંમર પુરી થાય એ બેંમાથી જે વહેલું હશે ત્યાં સુધી તેને આફટર કેર યોજના હેઠળ લાભ આપવામાં આવશે. કોઇપણ પ્રવાહના માન્ય અભ્યાસક્રમના સર્ટીફિકેટ, ડિપ્લોમા, સ્નાતક, અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો પાત્ર ગણવામાં આવશે. વધુમાં સરકાર માન્ય ધોરણોથી આપવામાં આવતી કૌશલ્યવર્ધન તાલીમ (Skil Development Traning) પણ પાત્ર ગણાશે. નિરાધાર થયેલા બાળકોને શિક્ષણ માટે કેન્દ્ર/રાજય સરકાર સંચાલિત કસ્તુરબા ગાંધી બાલિકા વિધાલય (ફકત કન્યાઓ માટે), નિવાસી શાળાઓ, સમરસ હોસ્ટેલો/સરકારી હોસ્ટેલોમાં, જે તે વિભાગની નિયમાનુસારની પ્રક્રિયામાં અગ્રતા આપી, પ્રવેશ આપવામાં આવશે. આ સમયગાળા દરમ્યાન નિરાધાર થયેલ કન્યાઓને લગ્ન માટે કુંવરબાઇનું મામેરું યોજનાનો લાભ આવક મર્યાદાના બાધ

સિવાય મળવાપાત્ર થશે. અનુસૂચિત જાતિ (SC), સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ (SEBC), વિચરતી/વિમુકત જાતિ (NT/DNT) અને આર્થિક પછાત (EWS) ના બાળકોને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અને અનુસૂચિત જનજાતિ (ST) ના બાળકોને આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા નિયત શિષ્યવૃતિ અગ્રતાના ધોરણે મંજુર કરવામાં આવશે. સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ અને આદિજાતિ વિકાસ વિભાગના તમામ નિગમોના તમામ યોજનાઓનો લાભ અગ્રતાના ધોરણે આપવામાં આવશે. અભ્યાસ માટેની શૈક્ષણિક લોન તેમજ વિદેશ અભ્યાસની લોન આવક મર્યાદા ધ્યાનમાં લીધા સિવાય જે તે વિભાગ દ્વારા અગ્રતાના ધોરણે આપવામાં આવશે.

જયારે શિક્ષણ વિભાગમાં ઉચ્ચશિક્ષણ માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના (MYSY) નો લાભ અગ્રતાના ધોરણે અપાશે. શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ૧૪ વર્ષથી ઉપરના બાળકોને વોકેશનલ તાલીમ અને ૧૮ વર્ષથી ઉપરના બાળકોને સ્કીલ ડેવલપમેન્ટ તાલીમ અગ્રતાના ધોરણે આપવામાં આવશે. અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ દ્વારા અનાથ બાળકોના પાલક વાલીઓને રાષ્ટ્રીય ખાધ સુરક્ષા અધિનિયમ દ્વારા અગ્રતાના ધોરણે લાભ આપવામાં આવશે. આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ દ્વારા મુખ્યમંત્રી અમૃતમ (MA) કાર્ડ યોજનાનો લાભ અગ્રતાના ધોરણે અપાશે. “મુખ્યમંત્રી બાળ યોજના” ના અમલીકરણ માટે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગે નોડલ વિભાગ તરીકે કાર્યવાહી કરવાની રહેશે. માર્ચ-૨૦૨૦થી કોરોના મહામારીના અંત સુધી આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. જે અનાથ બાળકનું કુટુંબ ગુજરાતનું મુળ વતની હોય અથવા ગુજરાતમાં છેલ્લા દસ વર્ષથી કાયમી વસવાટ કરતું હોય તો તેવા બાળકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. ૧૦ વર્ષથી મોટી ઉંમરના બાળકના કેસમાં, બાળકના નામનું અલગ બેંક ખાતું ખોલાવીને તે ખાતામાં જ ડાયરેકટ બેનીફીટ ટ્રાન્સફર (DBT) થી માસિક સહાયની રકમ જમા કરવામાં આવશે.

જયારે ૧૦ વર્ષ કે તેથી નાની ઉંમરના બાળકના કેસમાં, અનાથ બાળકના ઉછેરની જવાબદારી જે વ્યકિતએ ઉપાડી હોય તે વ્યકિતના પોતાના એકલાના નામે જ બેંક ખાતું (Bank A/C in single name) ખોલાવીને તે ખાતામાં ડાયરેકટ બેનીફીટ ટ્રાન્સફર (DBT) થી માસિક સહાયની રકમ જમા કરવામાં કરવામાં આવશે. ૧૦ વર્ષ કે તેથી નાની ઉંમરના બાળક જયારે ૧૦ વર્ષથી વધુ ઉંમરનું થાય ત્યારે તે બાળકના નામનું અલગ બેંક ખાતું ખોલાવીને તે ખાતામાં ડાયરેકટ બેનીફીટ ટ્રાન્સફર (DBT) થી જમા કરવામાં આવશે. જો આ યોજના હેઠળ સહાય મેળવતું બાળક શાળાએ જવાની ઉંમર ધરાવતું હોય તો જયાં સુધી તેનું શાળાકીય શિક્ષણ ચાલુ હશે ત્યાં સુધી જ સહાય મળવાપાત્ર રહેશે. સબંધિત જિલ્લાની Sponsorship & Foster Care Approval Committee (SFCAC) એ અરજી મળ્યા તારીખથી સાત દિવસથી અંદર અરજી મંજુર/નામંજુર કરવાનો નિર્ણય લેવાનો રહેશે. આ યોજનાનો લાભ લેવા માટે નિયત કરેલ અરજી પત્રકમાં જિલ્લા બાળ સુરક્ષા એકમને નિયત કરેલ દસ્તાવેજો સાથે ઓનલાઇન અથવા ઓફલાઇન અરજી કરવાની રહેશે.

કચ્છ જિલ્લામાં હાલે ૨૬ બાળકોને મુખ્યમંત્રી બાળસેવા યોજના હેઠળ લાભાન્વિત કરાશે. તેમજ તેમને પ્રતિ માસ રૂ.૪૦૦૦/- ની સહાય કરવામાં આવશે એમ બાળ સુરક્ષા અધિકારી વિપુલ ડોડિયા કહે છે. આ યોજના માટે જિલ્લા બાળ સુરક્ષા એકમ-૪૦૨, બહુમાળીભવન, ત્રીજો માળ, ભુજનો સંપર્ક કરવો અથવા કચેરીના ફોન નં.૦૨૮૩૨-૨૫૨૬૧૩ પર સંપર્ક સાધવો. ઉલ્લેખનીય છે કે, આ યોજનાના લાભાર્થી બાળકની ઓળખ નામ, શાળા, ઉંમર, સરનામું વગેરે જાહેર ના થાય તે બાબતની તકેદારી રાખવાની હોય છે.