કોરોના હળવો થતાં કચ્છ જિલ્લા પંચાયતમાં સમિતિઓની વરણી માટે કાવાદાવા તેજ

image description

પ્રદેશ ભાજપ સંગઠન અને સરકારની સૂચના આવ્યા બાદ વરણી થશે : જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ

નગરપાલિકાઓ અને તાલુકા પંચાયતોમાં સમિતિના અધ્યક્ષ બનવા લોબીંગ શરૂ : સંભવતઃ જુન મહિનામાં વરણી થાય તેવી શકયતા

 

ભુજ : તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજવામાં આવી હતી. કચ્છમાં પણ જિલ્લા પંચાયત, ૧૦ તાલુકા પંચાયત અને ૭ નગરપાલિકાની ચૂંટણી સંપન્ન થયા બાદ પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોએ કામકાજ સંભાળી લીધું છે. પણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જુદી જુદી સમિતિઓ પણ આવેલી હોય છે. બાંધકામ સમિતિ, શિક્ષણ સમિતિ, આરોગ્ય સમિતિ, સામાજિક ન્યાય સમિતિ સહિતની સમિતિઓમાં અધ્યક્ષ તરીકે ચૂંટાયેલા સદ્દસ્યને નિમણુક અપાયા છે. જે લોકોના ચાન્સ પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનમાં લાગ્યા નથી તેઓ દ્વારા સમિતિઓના અધ્યક્ષ બનવા કાવાદાવા શરૂ કરી
દેવાયા છે.
અગાઉ પ્રમુખ ઉપપ્રમુખની વરણી સાથે સમિતિના અધ્યક્ષની વરણી થવાની હતી, પરંતુ કોરોનાની બીજી લહેરે ઘાતક રૂપ ધારણ કરતાં લોકોના મોત થવા લાગ્યા આ સંજાેગોમાં સરકારે તમામ પ્રકારની રાજકીય – સામાજિક મેળાવડાઓ પર પ્રતિબંધ લગાવ્યો છે. જાે કે કોરોનાના કેસો ઓછા થતા ફરી સમિતિઓના અધ્યક્ષોની વરણી માટે ચર્ચાઓનો દોર ફરી જામ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓનલાઈન સામાન્ય સભાઓ પણ યોજાઈ ચુકી છે, ત્યારે ટુંક સમયમાં જિલ્લા પંચાયત, ૧૦ તાલુકા પંચાયત અને ૭ નગરપાલિકામાં વિવિધ સમિતિઓમાં અધ્યક્ષની નિમણુક કરી ચૂંટાયેલા સદ્દસ્યોને સાચવી લેવા કાવાદાવા તેજ થયા છે. સંભવતઃ જુન મહિનામાં અધ્યક્ષોની વરણી થાય તેવી સંભાવના છે. હાલની સ્થિતિ જાેતા ઓનલાઈન નિમણુકો થાય તો પણ નવાઈ નહીં.
જાે કે કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલને પુછતાં તેઓએ કહ્યું કે, કેસો ભલે ઘટ્યા હોય પણ હજુ બિમારી ગઈ નથી. હાલમાં સમિતિઓના અધ્યક્ષોની વરણી માટે કોઈ પ્રક્રિયા શરૂ થઈ નથી. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને જિલ્લા સંગઠનમાં પ્રદેશ ભાજપ અને ગુજરાત સરકારના મોવડી મંડળની સૂચના બાદ જ આ કામગીરી શરૂ થશે. હજુ સુધી કોઈ સૂચના આવી નથી.