કોરોના સંક્રમિત સચિન તેંડુલકર હોસ્પિટલમાં થયા દાખલ

(જી.એન.એસ)મુંબઈ,ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. આ વાતની માહિતી તેમણે ટ્‌વીટ કરી આપી છે. સચિન તેંડુલકરે ટ્‌વીટ કરીને કહ્યું, ડૉકટરની સલાહ પર હું હોસ્પિટલમાં દાખલ થઇ ગયો છું. હું ટૂંક સમયમાં જ હોસ્પિટલમાંથી સ્વસ્થ થઇને પાછો આવી જઇશ. તમે તમામ લોકો મારા માટે પ્રાર્થના કરી રહ્યા છો તેના માટે તમારા બધાનો ધન્યવાદ.તેંડુલકરે ટ્‌વીટમાં કહ્યું, આજે આપણા વિશ્વ કપની ૧૦મી વર્ષગાંઠ પર બધા ભારતીયો અને મારા સાથીઓને શુભેચ્છા.આજના દિવસે જ ભારતે ૧૦ વર્ષ પહેલાં ૨૦૧૧માં બીજી વખત વર્લ્ડ કપ ખિતાબ પોતાના કબ્જે કર્યો હતો. ૧૯૮૩ બાદ આ દિવસે બીજી વખત ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપ ચેમ્પિયન બની હતી. ભારતીય ટીમે આ ખિતાબ ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરને સમર્પિત કર્યો હતો. ભારતની આ જીત બાદ આખા દેશમાં જશ્નનો માહોલ હતો.સચિન તેંડુલકર ૨૭મી માર્ચના રોજ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. તેમણે ટ્‌વીટ દ્વારા આ માહિતી આપી હતી. કોરોના પોઝિટિવ આવ્યા બાદ સચિન તેંડુલકરે કહ્યું હતું, પોતાને હોમ ક્વારેન્ટીન કરી લીધા છે. આ સિવાય તે મહામારીથી સંબંધિત તમામ જરૂરી પ્રોટોકોલ અને ડૉકટરની સલાહ પર અમલ કરી રહ્યા છે. સચિનના કોરોના પોઝિટિવ આવ્યા બાદ આખા પરિવારનો પણ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.