કોરોના સંકટ વચ્ચે યુપીની પંચાયત ચૂંટણીમાં ૧૩૫ શિક્ષકોના મોત

(જી.એન.એસ)અલ્હાબાદ,ઉત્તર પ્રદેશમાં કોરોના સંક્રમણના કેસ સતત વધી રહ્યાં છે. કોરોના સંકટ વચ્ચે પંચાયત ચૂંટણી ડ્યૂટીમાં લાગેલા ૧૩૫ શિક્ષકોના મોતની ઘટના સામે આવી છે. આ મુદ્દે ઈલ્હાબાદ હાઈકોર્ટે રાજ્ય ચૂંટણી પંચને નોટિસ ફટકારી છે. આ સાથે જ હાઈકોર્ટે ચૂંટણી પંચને કહ્યું કે, કોરોના પ્રોટોકોલ્સ લાગુ ના કરવા બદલ અધિકારીઓ વિરુદ્ધ શા માટે કાર્યવાહી ના કરવામા આવે.એક રિપોર્ટમાં પંચાયત ચૂંટણીમાં ડ્યૂટી કરનાર ૧૩૫ શિક્ષક, શિક્ષા મિત્ર અને અન્ય કર્મીઓના મોત થયા હતા. આ ઉપરાંત ત્રણેય તબક્કાના મતદાન અને ટ્રેનિંગ દરમિયાન હજારો શિક્ષકો, શિક્ષા મિત્રો સહિતના લોકો કોરોના સંક્રમિત થયા હતા. રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને તાત્કાલિક ચૂંટણી સ્થગિત કરવા અને સંક્રમિતોની નિઃશુલ્ક સારવાર કરવાની માગ કરી હતી. આ સાથે મૃતકોના પરિવારજનોને ૫૦ લાખનું વળતર તથા પરિવારજનોને નોકરી આપવાની માંગ કરવામા આવી હતી.