કોરોના વેક્સિન ઘટી રહી છે, મૃત્યુ વધી રહ્યા છેઃ રાહુલ ગાંધી

ન્યુ દિલ્હી,તા.૧૯ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બુધવારે વધુ એક વખત કોરોના વેક્સિનના મુદ્દે કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યો છે. કોંગ્રેસના સાંસદે જણાવ્યું કે કોરોનાને પગલે મોતમાં વધારો થઈ રહ્યો છે જ્યારે વેક્સિનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. કેન્દ્ર સરકાર કોરોના વેક્સિનમાં ઘટાડાને છૂપાવવા લોકોનું ધ્યાન ભટકાવી રહી છે તેવો આક્ષેપ રાહુલ ગાંધીએ કર્યો હતો. કેન્દ્ર સરકારની નીતિ છે કે, ધ્યાન બીજે દોરો, જુઠ્ઠાણા ચલાવો અને બૂમબરાડા કરીને સત્યને છુપાવી દો. રાહુલ ગાંધીએ પોતાના દાવાને પુરવાર કરવા એક ગ્રાફ પણ ટ્‌વીટ કર્યો હતો જેમાં કોવિડ -૧૯થી મોતમાં વધારો અને કોરોના સામે રક્ષણ આપવા માટેના રસીકરણમાં ઘટાડાના આંકડા દર્શાવવામાં આવ્યા હતા. રાહુલ ગાંધીએ લખ્યું હતું કે વેક્સિન ઘટી રહી છે અને કોરોનાથી મોત વધી રહ્યા છે. લોકોનું ધ્યાન ભટકાવવું, અસત્ય ફેલાવવું અને દેકારો કરીને તથ્યોને છૂપાવવા તે કેન્દ્રની નીતિ છે.