કોરોના મહામારીમાં રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા કચ્છમાં મુખ્ય તબીબી અધિકારીની નિમણૂકમાં રમાતી ખો-ખો

બિમારીના સમયગાળામાં આરોગ્ય વિભાગનું માળખું પૂર્ણ હોવાને બદલે કચ્છમાં મુખ્ય અધિકારીથી લઈ સરકારી દવાખાનાઓ ઇન્ચાર્જના હવાલે :સુકાનીની વરણીમાં કચ્છ સાથે થતો અન્યાય : ટુંકા ગાળામાં ત્રણ-ત્રણ વખત સિવિલ સર્જનો બદલાયા

 

ભુજ : હાલ કચ્છમાં કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાયો છે, પરંતુ જિલ્લાના આરોગ્ય વિભાગમાં ઈન્ચાર્જનું ગાડું આજે પણ ગબડી રહ્યું છે. આરોગ્ય વિભાગમાં સુકાની જ ઈન્ચાર્જ હોય તેવામાં અન્ય તબીબી સ્ટાફ મહામારી સામે કેવી રીતે આગળ લડાઈ લડી શકે.? ભુજની જી.કે. જનરલમાં સિવિલ સર્જનની પોસ્ટ આવેલી છે પરંતુ સમયના ટુંકા ગાળામાં ત્રણ ત્રણ વખત સિવિલ સર્જન બદલાયા છે. કોરોના કાળ દરમ્યાન જી.કે. જનરલ હોસ્પિટલના સિવિલ સર્જનનો ચાર્જ જાણે ખો-ખો રમત સમાન બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. આ અંગેની વિગતો મુજબ જી.કે. જનરલ હોસ્પિટલ અદાણીને સોંપવામાં આવી ત્યારે ડૉ. જીજ્ઞાબેન દવેને ચાર્જ સોંપાયો હતો. ત્યારબાદ ડૉ. કશ્યપ બુચને પાલારા ખાસ જેલના ફિઝીશિયન ઉપરાંત વધારોનો હવાલો સોંપાયો હતો. ડો. બુચ દ્વારા સીવીલ સર્જનની જવાબદારી ખુબ સુપેરે નિભાવવામાં આવી હતી. દર્દીઓને દાખલ કરવા હોય કે રેમડેસિવીરના ઈન્જેક્શનનું વિતરણ તે સહિતની કામગીરી તેઓ દ્વારા ખુબ બખુબી નિભાવવામાં આવી હતી. જાે કે, આરોગ્ય વિભાગે કચ્છના સિનિયર તબીબની ૧પ દિવસમાં ત્રણ બદલી કરી તેમનું મોરલ ડાઉન કરી નાખ્યું હતું. ગત ૧૯ એપ્રીલના સીવીલ સર્જનનું ચાર્જ સંભાળતા ડો. બુચની મોરબી કોવિડ હોસ્પિટલમાં બે માસ માટે પ્રતિનિયુક્તિ પર જવાબદારી સોંપાઈ હતી. જેઓનો મુંદરા સીએચસીના અધિક્ષક ડો. એસ. કે. દામાણીને સોંપાયો. જાે કે તેઓ મેડિકલ રજામાં હોતા ફરી ડો. જિજ્ઞાબેનને સિવિલ સર્જન બનાવાયા હતા. ડો. બુચને મોરબી તો ન મોકલાયા પણ ભુજની સમરસ હોસ્પિટલમાં નોડલ ઓફિસર તરીકે તેમને જવાબદારી સોંપી દેવાઈ હતી. હાલમાં ડો. એસ. કે. દામાણીએ સિવિલ સર્જનનો ચાર્જ સંભાળી લીધો છે. પરંતુ તેઓ ઈન્ચાર્જ મુખ્ય જિલ્લા તબીબી અધિકારી છે. કોરોનાના કાળમાં આરોગ્ય વિભાગનું માળખું સુદ્રઢ હોવું જાેઈએ તેના બદલે ઈન્ચાર્જના હવાલે મુખ્ય તબીબી અધિકારીઓનું ગાડું ગબડાવાતું હોય તો આગામી સમયમાં કેવી બલિહારી હશે. ઈન્ચાર્જના કારણે અમુક નીતિ વિષયક નિર્ણયો અને અમુક કાર્યો બંધનના કારણે થઈ શકતા નથી. કચ્છના મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જનની જગ્યા વર્ષોથી ઈન્ચાર્જના હવાલે મૂકાતી રહી છે ત્યારે કાયમી નિમણૂંક ક્યારે થશે ? તેવો સવાલ પણ ઉઠવા પામ્યો છે.  કોરોનાની બીજી લહેર અતિ ગંભીર બની હતી ત્યારે તંત્રએે અચાનક સિવિલ સર્જનની બદલી કરતા અનેક પ્રશ્નો ઉભા થયા હતા. ત્રણ-ત્રણ વાર ડોક્ટરોની બદલી કરાતા તે દર્શાવે છે કે સરકારી તંત્ર ખાડે ગયું છે. કચ્છની રાજ્ય સરકાર દ્વારા અવગણના કરાતી હોવાની લાગણી ફરી એકવાર લોકોમાં જાગી છે. રાજ્ય સરકાર દ્વારા હંંમેશા કચ્છ પ્રત્યે અન્યાય કરવામાં આવતો હોય છે. કચ્છને કાયમી સિવિલ સર્જન મળે તો કચ્છ આવી કપરી પરિસ્થિતિમાંથી પણ બેઠું થઈ શકશે.