કોરોના મહામારીમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવેલા બાળકોના સ્વર્ણિમ ભવિષ્ય માટે સરકાર કટિબધ્ધ- મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી

જિલ્લામાં આ યોજનામાં ૪૫ બાળકો આવરી લેવાશે : મુખ્યમંત્રી બાળ સેવા યોજના ઓનલાઇન પેમેન્ટ લોન્ચિંગ કાર્યક્રમ

આજરોજ કલેકટર કચેરી ખાતે યોજાયેલા મુખ્યમંત્રી બાળ સેવા યોજના ઓનલાઇન પેમેન્ટ લોન્ચિંગ કાર્યક્રમ અન્વયે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બાળકોને ડાયરેકટ બેનિફિટ ટ્રાન્સફર ડી.બી.ડી.ના માધ્યમથી રૂ.૩૧ લાખનું પેમેન્ટ કર્યુ હતું. જેમાં કચ્છના ૩૧ બાળકોનો પણ સમાવેશ થાય છે.

બાળકોની સુરક્ષા, અધિકાર અને સર્વાંગી વિકાસ માટે કોરોના મહામારીથી નિરાધાર બનેલા બાળકોનો આધાર બનવા તેમની સુરક્ષા માટે સરકારશ્રી દ્વારા મુખ્યમંત્રી બાળ સેવા યોજના અમલી બનાવવામાં આવી છે. જેમાં બાળકોને ૧૮ વર્ષથી ઉપર કોઇપણ આવક મર્યાદા વગર મહિને રૂ.૪૦૦૦ સીધા તેમના ખાતામાં જમા કરાવવામાં આવે છે. ઉપરાંત તેઓ આગળ અભ્યાસ ચાલુ રાખે તો આફટર કેર યોજના હેઠળ દર માસે રૂ.૬૦૦૦ તેમના ખાતામાં જમા કરવામાં આવશે.

કચ્છમાં બાળ સુરક્ષા એકમ દ્વારા આવા ૪૫ બાળકો આજ સુધીમાં આવરી લેવામાં આવ્યા છે. જેમાંના ૩૧ બાળકોને મુખ્યમંત્રીશ્રી દ્વારા ઓનલાઇન પેમેન્ટ લોન્ચિંગ કાર્યક્રમમાં લાભાન્વિત કરવામાં આવ્યા છે.

આ તકે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, બાળ સેવા યોજના ખરા અર્થમાં આધાર બની છે. સરકાર આવા બાળકોની માતા-પિતાની જેમ ચિંતા કરી રહી છે. આવા બાળકોને પાલક પાસે કોઇ મુશ્કેલી ન પડે તેમજ સુરક્ષાનું વાતાવરણ મળી રહે અને તેમનો સર્વાગી વિકાસ થઇ શકે તે માટે સરકારની વિવિધ વિભાગોની મળવાપાત્ર યોજનાઓ જેવી કે આયુષ્માન ભારત, મા અમૃતમ કાર્ડ, કુંવરબાઇનું મામેરૂ, વગેરે યોજનો લાભ આવક-મર્યાદા વિના મળી શકશે. આવા બાળકો અભ્યાસ માટે જયારે કોલેજમાં એડમિશન મેળવે તો તેમની પ૦ ટકા ફી નો બોજો પણ સરકાર ઉઠાવશે.

મુખ્યમંત્રીશ્રીએ આ તકે લાભાર્થી બાળકોને શુભાષિશ પાઠવતા તેમના પાલકોને જણાવ્યું હતું કે, ભગવાને સોપેલી જવાબદારીમાં ઉણપ ના આવે અને તેમનું ભવિષ્ય સોનેરી બની રહે તે માટે સંકળાયેલા તમામ ચિંતા કરીશું. આ તકે પાલક માતાપિતાને અભિનંદન અને ધન્યવાદ પાઠવતાં મુખ્યમંત્રીશ્રીએ સૌ સાથે મળીને ભારતના આ ભવિષ્યને ઉજળું બનાવવા અનુરોધ કર્યો હતો.

આ તકે જિલ્લા કક્ષાએ લાભાર્થી બાળકોને કીટ અને ગીફટ તથા તેમના પાલકોને યોજનાના હુકમ પત્રોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં અબડાસા ધારાસભ્યશ્રી પ્રધ્યુમનસિંહ જાડેજા, કલેકટરશ્રી પ્રવિણા ડી.કે., જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી એ.પી.રોહડીયા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી વિપુલ ડોરીયા, નાયબ માહિતી નિયામકશ્રી મિતેશ મોડાસીયા, બાળ કલ્યાણ સમિતિના ચેરમેનશ્રી દિપાબેન લાલકા, બાળ કલ્યાણ સમિતિના સભ્યશ્રી જે.પી.જાડેજા અને ડો.દેવજયોત શર્મા, જે.જે.બી.ના સભ્યશ્રી શિલ્પાબેન ગોર તેમજ પાલક માતા-પિતા અને લાભાર્થીઓ, બાળકો ઉપસ્થિત રહયા હતા.