કોરોના બેકાબૂ, રેલ્વેએ અનેક સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ રોક્યું

(જી.એન.એસ.) ન્યુ દિલ્હી, કોરોના મહામારી જે રીતે વિકરાળ બની રહી છે તે જોતા ભારતીય રેલવેએ વધુ એક મોટો નિર્ણય લીધો છે. જે મુજબ અનેક સ્ટેશનો પર તત્કાળ પ્રભાવથી પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ રોકવામાં આવ્યું છે. રેલવેએ આ પગલું કોરોનાના ઝડપથી વધતા કેસ વચ્ચે સ્ટેશન પર ભીડભાડને કંટ્રોલ કરવા માટે લીધો છે. ANI ના જણાવ્યાં મુજબ સેન્ટ્રલ રેલવેના લોકમાન્ય તિલક ટર્મિનલ, કલ્યાણ, થાણા, દાદર, પનવેલ, છત્રપતિ શિવાજી ટર્મિનસ પર ૯ એપ્રિલથી પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર રોક લગાવી છે. આ અગાઉ ભારતીય રેલવેએ ટ્રેન નંબર ૮૨૫૦૧ /૮૨૫૦૨ લખનઉ-નવી દિલ્હી- લખનઉ તેજસ એક્સપ્રેસની સેવાઓને ૯ એપ્રિલથી આગામી આદેશ સુધી કેન્સલ કરી છે. તેજ એક્સપ્રેસ દેશની પહેલી કોર્પોરેટ ટ્રેન તરીકે ઓળખાય છે. આ ટ્રેનને IRCTC તરફથી દોડાવવામાં આવે છે.
કોરોના મહામારીના કારણે લાગેલા લોકડાઉન બાદ IRCTC એ તેજસ એક્સપ્રેસને ૧૪ ફેબ્રુઆરીથી દિલ્હી-લખનઉ વચ્ચે એકવાર ફરીથી દોડાવવાનો નિર્ણય લેવાયો હતો. લખનઉ-નવી દિલ્હી-લખનઉ તેજસ એક્સપ્રેસ પણ સપ્તાહમાં ૪ દિવસ, શુક્રવાર, શનિવાર, રવિવાર અને સોમવારે દોડતી હતી. હાલમાં જ ડિમાન્ડ જોતા ભારતીય રેલવેએ ૪ શતાબ્દી એક્સપ્રેસ અને એક દુરન્તો એક્સપ્રેસ ટ્રેનોની સર્વિસને ફરીથી ચાલુ કરવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેનોની સર્વિસ ૧૦ એપ્રિલથી ૧૫ એપ્રિલ વચ્ચે શરૂ કરાશે. આ ટ્રેનોથી મુસાફરોની યાત્રા સરળ રહેશે.