કોરોના ગયો નથી, સાવધાની નહીં રાખો તો શ્રાવણી તહેવારો બાદ ફરી સર્જાશે આફત

જિલ્લાના સત્તાધીશો પણ કોરોના ગાઈડલાઈનમાં બેદરકારી દાખવી રહ્યા હોઈ હાલમાં ‘યથા રાજા તથા પ્રજા’ જેવું કરૂણ ચિત્ર અત્ર – તત્ર – સર્વત્ર નજરે ચડે છે : સરકારી છૂટછાટથી લોકો પણ લાપરવાહ બન્યા જે લોકો માટે જ મુસીબત સર્જશે : કોવિડ ગાઈડલાઈનનું પાલન કરાવવા તંત્રની ટીમો અદ્રશ્ય થઈ : કોરોના કહેરના કારણે સરકારે ધો. ૧૦ અને ૧ર બોર્ડની અગત્યની પરીક્ષાઓ પણ રદ્‌ કરી માસ પ્રમોશન આપ્યું : પ્રજા જયાં સુધી જાગૃત નહીં થાય ત્યાં સુધી કોરોના કેડો નહીં મુકે : સૌ પહેલા વેક્સિન, માસ્ક, સામાજીક અંતર સહિતના નિર્ણયો પ્રજા માટે જ લાભદાયી છે : કારણ કે આખરે ભોગવવાનું તો લોકોને જ છે…

કોરોનાની બીજી લહેરમાં હોસ્પિટલમાં એક-એક બેડ માટે તરસવું, ઓક્સિજન વગર તરફડીયા મારીને કરૂણ મોતને ભેટવું, સ્મશાનોમાં મૃતદેહોની લાઈનો, સતત અગ્નિ સંસ્કારથી ચીમનીઓનું પીગળવું સહિતના દ્રશ્યોએ કચ્છવાસીઓને રીતસરના ધ્રુજાવી દીધા હતા : એપ્રિલ અને મે મહિનામાં તો પરિવારના પરિવાર કોરોનાના સંક્રમણમાં સપડાઈને પીડાયા હતા

(બ્યુરો દ્વારા)ભુજ : કોરોનાની બીજી લહેરમાં એપ્રિલ અને મે મહિનો કચ્છવાસીઓ માટે ભારે ખતરનાક નીવડયો હતો. પરિવારના પરિવાર કોરોનાના સંક્રમણમાં સપડાઈને પીડાયા હતા. બીજી લહેરે કેટલાક પરિવારો માટે આફતરૂપ રહી હતી તો કેટલાક વ્યક્તિઓ તો કોરોના સામે લાંબા સમય સુધી જંગ લડયા બાદ પણ જીતી ન શકતા અનેક પરિવારોને સ્વજન ગુમાવવાનો વારો આવ્યો હતો. હોસ્પિટલમાં એક એક બેડ માટે તરસવું, ઓક્સિજન, વેન્ટીલેટર, બાયપેપ વગર તરફડીયા મારીને કરૂણ મોતને ભેટવું, સ્મશાનોમાં મૃતદેહોના સતત અગ્નિ સંસ્કારથી ચીમનીઓનું પીગળવું વગેરે અનેક આઘાતજનક બાબતો આજે પણ લોકોને કંપાવી દે છે. કોરોનાનું નવું મ્યુટેશન ઝડપથી ચેપ ફેલાવતું હોઈ તેની બીજી લહેર ઘાતક નીવડી હતી. હવે કોરોનાના કેસ સતત ઘટતા જાય છે, પણ કોરોનાએ જિલ્લામાંથી હજુ વિદાય લીધી નથી. જો કે કમનશીબે સત્તાવાળાઓ અને તંત્ર ફરી કોરોના જતો રહ્યો હોય તેવું માનવા લાગ્યા છે. જિલ્લાના મુખ્ય શહેરોમાં આવેલા તંત્રના કાર્યાલયોમાં કે કચેરીઓમાં બેરોકટોક ભીડ જામે છે. માસ્ક પહેરવું ન પહેરવું તે લોકોની ઈચ્છા પર છોડાયું છે. બજારોમાં સોશિયલ ડિસ્ટન્સીંગના ભોગે રોનક પાછી આવી છે. બજારો, ઓફિસો વગેરેમાં કયાંય પણ હવે તંત્ર સમ ખાવા પુરતું પણ નજરે ચડતું નથી. હવે તો તંત્રને વેક્સિનેશન ફોર વિકટરી દેખાય છે. એટલે કોરોના પર જાણે કે જીત હાંસલ કરી હોય તેેવા ઠાઠમાં સત્તાધીશો રાચતા હોઈ શ્રાવણી તહેવારો બાદ કોરોનાની થર્ડ વેવની આફત સર્જાશે કે શું તેવી ભીતિ તબીબી આલમ અને પ્રબુદ્ધ નાગરીકો દ્વારા વ્યકત થઈ રહી છે. કોરોનાની બીજી લહેરના કારણે વિદ્યાર્થીઓના કારકીર્દી ઘડતર માટેની અગત્યની એવી ધો. ૧૦ અને ૧ર બોર્ડ ઉપરાંત ૧ થી ૯ અને ૧૧ માં ધોરણની પરીક્ષાઓ પણ રદ્‌ કરી માસ પ્રમોશન આપવાનો વારો આવ્યો હતો.આ અંગેની વિગતો કોરોનાની બીજી લહેરમાં નવું મ્યુટેશન ૭૦ ટકા ઝડપથી સંક્રમણ ફેલાવતું હોઈ સેકન્ડ વેવ ઘાતક નિવડી હતી. કોરોનાના એરોસોલ ૧૦ મીટર સુધી પ્રસરતા હોઈ તબીબો અને વૈજ્ઞાનિકો તો આજે પણ મ્યુટેડ વાઈરસને જોતા નવેમ્બર સુધીમાં દેશમાં થર્ડ વેવ આવે તેવી ચેતવણી આપી જ રહ્યા છે.જો કે, કચ્છમાં તો જે રીતે સત્તાવાળાઓએ કોરોનાની ફાઈલને અભેરાઈએ ચડાવી દીધી છે તેને જોતા દેશના અન્ય વિસ્તારોમાં કરતા કચ્છમાં ત્રીજી લહેર કદાચ વહેલી આવી શકે તેમ છે.આજે પણ કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે, પણ ફરક એટલો જ છે કે, આવા કેસ ખુણે ખાંચરે થતા હોઈ તંત્રના ચોપડે ચડતા નથી. કોરોના ફેલાતો અટકાવવા ટ્રેસ, ટેસ્ટ અને ટ્રીટમેન્ટ – એમ ત્રણ ટીની ફોર્મ્યુલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપી ચુકયા છે. અગાઉ તંત્ર સર્વેલન્સમાં ગંભીર હતું, પરંતુ બીજી લહેરમાં તો ત્રણ ટીનો સમુળગો છેદ જ ઉડી ગયો છે.અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારી છૂટછાટથી લોકો પણ લાપરવાહ બન્યા છે, પણ તેમની પાસે કોવિડ ગાઈડલાઈનનું પાલન કરાવવા તંત્રની ટીમો અદ્રશ્ય થઈ ગઈ છે. તંત્ર કોરોનાની ડયુટી નિભાવવાના બદલે નાના વેપારીઓની કનડગતની ફરિયાદો જ લાંબા સમયથી ઉઠી રહી છે. સત્તાવાળાઓએ તો લોકોને ખુલ્લંખુલ્લા હરવા – ફરવાની છૂટ આપી હોઈ કોરોનાનો નવો બ્લાસ્ટ થઈ શકે છે.જિલ્લાના સત્તાધીશો પણ કોરોના ગાઈડલાઈનમાં બેદરકારી દાખવી રહ્યા હોઈ હાલમાં ‘યથા રાજા તથા પ્રજા’ જેવું કરૂણ ચિત્ર અત્ર – તત્ર – સર્વત્ર નજરે ચડે છે. આવાને આવા હાલ રહ્યા તો પવિત્ર શ્રાવણના રક્ષાબંધન, જન્માષ્ટમી જેવા ધાર્મિક તહેવારોમાં કોરોના તીવ્રતાથી ફેલાઈ શકે છે.