કોરોના કોવીડના બીજા તબકકામાં તકેદારી રાખો સુરક્ષિત રહો, સ્વ અને સ્વજનો માટે કોવીડ-૧૯ને હરાવવા કમર કસીએ

ભુજ  : કોરોના કોવીડના બીજા તબકકામાં તકેદારી રાખો અને સુરક્ષિત રહો. ઈતિહાસ અને અવલોકનમાં જોવા મળ્યું છે કે કોઇપણ વૈશ્વિક બિમારીનો બીજા તબકકો થોડો વધુ જોખમી સાબિત થતો રહયો છે. દા.ત. ૧૯૧૭ થી ૧૯૧૯ દરમ્યાન સ્પેનીશ ફલુ…… મોટી સંખ્યામાં માણસો આ તબકકામાં મોતને ભેટયા હતા. ગભરાવવાની કે ડરાવવાની વાત નથી પણ સાવચેતી અને સલામતી આપણી સુરક્ષાની પ્રથમ શરત છે. કોવીડ-૧૯ એ વૈશ્વિક મહામારી છે. લગભગ ૧ વર્ષ પૂર્ણ થવામાં છે ત્યારે નોવેલ વાયરસ કોરોના કોવીડ-૧૯ એ ફરી પોતાનું માથું ઉચકયું છે. કેન્દ્ર અને રાજય સરકારે પ્રતિદિન વધી રહેલા કોવીડ-૧૯ના કેસો જોતા પરિસ્થિતિને ધ્યાને લઇ જરૂર પડે ત્યાં માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન અને કરફર્યુ લાદવાનું પગલું ભર્યુ છે જે જાહેર જીવનની અને માનવજીવન માટે અનિવાર્ય છે. કોરોનાની બહાર પાડેલી ગાઇડલાઇનને ચુસ્તપણે અનુસરવા તેમજ કોરોનાને હરાવવા સહકાર માટે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ પણ ગુજરાતવાસીઓને અપીલ કરી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કોવીડ-૧૯ સંક્રમણના પગલે રાજયોના મુખ્યમંત્રીશ્રીઓ સાથે કરેલી ચર્ચા બાદ તેમણે વ્યકત કરેલી ચિંતા અને આપેલા માર્ગદર્શનના પગલે મુખ્યમંત્રીશ્રીએ રાજય સરકારે લીધેલા સુરક્ષિતતાના પગલાંઓમાં વધારો કર્યો છે. સરકારી હોસ્પિટલો, ટ્રીટમેન્ટની વ્યાપકતા, ટેસ્ટિંગ, ટ્રેસીંગ, રસીકરણ અને જનતાને કોવીડ-૧૯ની ગાઇડલાઇન અનુસરવા જણાવ્યું છે. ધ ગુજરાત એપેડેમીક ડિસીઝ કોવીડ-૧૯ રેગ્યુલેશન ૨૦૨૦ હેઠળ કોવીડ-૧૯ અટકાયત અને નિયંત્રણ ત્વરીત અમલમાં આવે તે માટે અપાયેલ સુચનોનો કડકાઇથી અમલ કરવો જ રહયો. મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલની અધ્યક્ષતા હેઠળ મળેલી કોર કમિટીમાં કોરોના વેકસીનના વધુ સેન્ટરો ખોલવા તેમજ વેકસીન સેન્ટરનો સમય રાત્રે ૯ વાગ્યા સુધી રાખવાના પણ સૂચનો કરેલા છે. રોજના હવેથી ત્રણ લાખનું વેકસીનેશન કરાશે એમ પણ તેમણે કહયું હતું. સમગ્ર રાજયમાં કોવીડ-૧૯ ના નિયમોના ભંગ બદલ ગૃહ વિભાગ કડક કાર્યવાહી કરી શકે છે એમ પણ તેમણે જણાવ્યું હતું. રાજયના ચાર મહાનગરો અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા સહિત કન્ટેન્મેન્ટ ઝોનમાં ચોકકસ નિયંત્રણ લાદી દવાઇ ભી ઓર કડાઇ ભી ના સૂત્રને આત્મસાત કરી મુખ્યમંત્રીશ્રીએ જનતા જનાર્દન પાસે ગુજરાત જીતશે કોરોના હારશે ને સાર્થક કરવા સહકાર માંગ્યો છે ત્યારે આપણે સૌએ બિનજરૂરી બહાર જવાનું ટાળવું જોઇએ. મોં પર અચૂક માસ્ક પહેરીએ. બે-ગજની દુરી અને સલામત અંતર જાળવી જીવન વ્યવહારમાં તેને અમલી બનાવીએ. કેન્દ્ર અને રાજય સરકાર અને આરોગ્ય વિભાગ કે કોરોના વોરિયર્સો દ્વારા અપાતી સુચનાઓનું પાલન કરીએ. સ્વ અને સ્વજનો માટે કોવીડ-૧૯ને હરાવવા કમર કસીએ. આથી જ સુરક્ષિત રહીએ સાવચેત રહીશે. માસ્ક અચૂક પહેરીએ અને છ ફુટનું સામાજિક અંતર રાખી સ્વને અને સ્વજનોને કોવીડ-૧૯ થી સુરક્ષિત કરીએ.