કોરોના કેરઃ રાજકોટના તમામ બ્રિજ રાત્રે ૯થી સવારના ૬ સુધી બંધ રહેશે

(જી.એન.એસ.)રાજકોટ,રાજ્યમાં કોરોના વિસ્ફોટ વચ્ચે રાજકોટમાં પોલીસ કમિશનરે એક જાહેરનામું બહાર પાડ્યું છે. જેથી હવે રાજકોટવાસીઓ ખુલ્લેઆમ ફરી શકશે નહીં. કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નિયમોનુ ચુસ્તપણે પાલન થાય તે માટે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી હતી. ત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. રાજકોટમાં પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડીને આજે રાત્રેથી ૯ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી શહેરના તમામ બ્રિજ, ઓવરબ્રિજ, અંડરબ્રિજ બંધ રાખવાનો નિર્ણય લીધો છે. ઈમરજન્સી અવરજવર માટે એક બ્રિજ, એક અંડરબ્રિજ ખુલ્લા રહેશે. જેમાં રાજકોટના કેસરીપુલ બ્રિજ અને મહિલા કોલેજ અંડરબ્રિજ ચાલુ રહેશે. પરંતુ ૧૫૦ ફૂટ રિંગ રોડ પરના તમામ ઓવરબ્રિજ બંધ કરવાનો નિર્ણય કરાયો છે.
કોરોના મહામારી અટકાવવા માટે ગુજરાત સરકાર દ્વારા અનલોક-૧૧ તારીખ ૧ એપ્રિલથી ૩૦ એપ્રિલ સુધી જાહેરનામું જાહેર કરવામાં આવ્યું છે. ૧ એપ્રિલથી ૧૫ એપ્રિલ સુધી રાત્રિ કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યું છે. રાત્રિના ૯ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી પોલીસ દ્વારા કડક અમલવારી કરાવવામાં આવશે. જેમાં ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરશે. આ માટે પોલીસ કમિશનર દ્વારા રાજકોટના મહિલા કોલેજ અંડરબ્રિજ અને કેસરી હિન્દ પુલ, બાદ કરતાં તમામ અન્ડરબ્રિજ અને ઓવરબ્રિજ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. અનલોક-૧૧માં રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ઠરાવ મુજબ જાહરેમા માસ્ક ન પહરેવા બદલ રૂપિયા ૧૦૦૦ દંડ તથા જાહેરમાં થુંકવા બદલ રૂપિયા ૫૦૦ દંડને પાત્ર જાહેર કર્યા છે.