કોરોના કાળ વચ્ચે પશ્ચિમ કચ્છ ખાણ ખનિજની આવકમાં વધારો

ર૦૧૯-ર૦માં ૧૬૯.૧૪ કરોડની આવક થઈ હતી જ્યારે ર૦ર૦-ર૧માં ૧૭૭.૪૧ કરોડ તિજોરીમાં થયા જમા : ર૪૮ કેસોમાંથી ૩.૬૪ કરોડની કરાઈ વસૂલાત

પશ્ચિમ કચ્છ જિલ્લામાં ર૦૧૯-ર૦ અને ર૦ર૦-ર૧ દરમ્યાન કરેલ કેસ અને વસુલાત

(બ્યુરો દ્વારા)ભુજ : વૈશ્વિક મહામારી કોરોનાના કારણે વેપાર – ધંધાઓ પર વિપરીત અસર પડી હોઈ અર્થતંત્રની ગતિ પણ ધીમી પડી છે. જો કે, કોરોના વચ્ચે પણ કેટલાક ક્ષેત્રોમાં તેજીનો ચમકારો જ જોવા મળી રહ્યો છે, જેમાનું એક ખાણ ખનિજ ક્ષેત્ર પણ છે. કોરોનાકાળમાં પણ પશ્ચિમ કચ્છ ખાણ ખનિજ વિભાગની આવકમાં વધારો જોવા
મળ્યો છે. આ અંગેની વિગતો મુજબ આગવી ભૌગોલિક વિશેષતા ધરાવતા કચ્છ જિલ્લાના પેટાળમાં વિપુલ પ્રમાણમાં કિંમતી ખનિજ સંપદાનો જથ્થો ધરબાયેલો છે. જિલ્લામાં મુખ્ય ખનિજ તરીકે લાઈમસ્ટોન, બોકસાઈટ, લિગ્નાઈટ જ્યારે ગૌણ ખનિજ તરીકે વ્હાઈટ કલે, ચાઈનાકલે, સીલીકાસેન્ડ, જીપ્સમ, બોલકલે, લેટેરાઈટ, બેન્ટોનાઈટ, બ્લેકટ્રેપ, સેન્ડસ્ટ્રોન, લાઈમસ્ટોન, સાદી માટી, મુરમ, ડોલેરાઈટ, પોઝો કલે અને રેતી મળી આવે છે. પશ્ચિમ કચ્છ ખાણ ખનિજ વિભાગને નાણાકીય વર્ષ ર૦૧૯-ર૦ દરમ્યાન ૧૬૯.૧૪ કરોડની આવક થઈ હતી, જ્યારે ર૦ર૦-ર૧ દરમ્યાન ૧૭૭.૪૧ કરોડની તિજોરીમાં જમા થઈ હતી. ર૦૧૯-ર૦ દરમ્યાન ૧૬૪ કેસોમાંથી ર૮૧.રર લાખની વસુલાત કરાઈ હતી. તો ર૦ર૦-ર૧માં ર૪૮ કેસોમાંથી ૩૬૪.૭૯ લાખની વસુુલાત કરાઈ હતી.અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના કાળના પગલે તમામ ક્ષેત્રે મંદીનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે કચ્છના ખાણ ખનિજ ઉદ્યોગમાં તેજીનો ઘોડો દોડી રહ્યો હોઈ ખનિજ કારોબારીઓની સાથોસાથ ખાણ ખનિજ વિભાગને પણ ચાંદી થઈ ગઈ છે.