કોરોના કાળ વચ્ચે કચ્છમાં ૫૨ પ્રા.શાળાઓએ ફી વધારો માંગ્યો

ખાનગી સ્કૂલ સંચાલકોની નફ્ફટાઈ

ફી નિયમન કમિટી સમક્ષ દરખાસ્ત – એફીડેવિટ રજૂ કરવાનો આજે છેલ્લો દિવસ : ૩૩ર શાળા સંચાલકોએ એફિડેવીટ કર્યા : એકાદ – બે દિવસમાં સમગ્ર ચિત્ર થશે સ્પષ્ટ

ભુજ : રાજ્યની ખાનગી શાળાઓની ફી નક્કી કરવા માટે સ્કૂલો પાસેથી ૧પ એપ્રિલ સુધીમાં દરખાસ્તો મંગાવવામાં આવી હતી. કોરોના કાળ વચ્ચે શાળાઓ એક વર્ષથી બંધ સમાન હોઈ વિદ્યાર્થીઓને ઓનલાઈન પદ્ધતિના માધ્યમથી અભ્યાસ કરાવાઈ રહ્યો છે તેમ છતાં કચ્છના બાવન ખાનગી સ્કૂલ સંચાલકોએ ફી વધારો માંગી નફ્ફટાઈના દર્શન કરાવ્યા છે. આ અંગેની વિગતો મુજબ રાજયમાં શિક્ષણને કમાણીનું માધ્યમ બનાવી દેવાયું હોય તેમ બિલાડીના ટોપની જેમ ખુલ્લી રહેલી ખાનગી શાળાઓની સાથોસાથ મનમરજી મુજબની ફી ઉઘરાવી વાલીઓને આર્થિક બોજ તળે દબાવવાનો રીતસરનો ધીકતો ધંધો માંડી દેવાયો હતો. ફીના નામે ચલાવાતી મનમાની પર લગામ કસવા માટે રાજ્ય સરકાર દ્વારા ફી નિયમન વિધયક પસાર કરવામાં આવ્યો છે. જો કે આ વિધયકની પણ છટકબારીનો ઉપયોગ કરી સંચાલકો હજુય મનમાની ચલાવાઈ રહ્યા છે. શાળા સંચાલકોને જો ફીમાં વધારો કરવો હોય તો તે માટે ફી નિયમન કમિટી સમક્ષ દરખાસ્ત કરવાનો પણ મોકો આપવામાં આવે છે. રાજ્યની ખાનગી શાળાઓને ફી નક્કી કરવા માટે ૧પ એપ્રીલ સુધી દરખાસ્ત કરવાની મુદત આપવામાં આવી હતી. કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છમાં ૪૦પ ખાનગી શાળાઓ આવેલી છે. જેમાંથી પર શાળા સંચાલકોએ ફી વધારા માટે દરખાસ્ત કરી છે જ્યારે ૩૩ર શાળાઓ દ્વારા એફીડેવીટ રજૂ કરવામાં આવી છે. દરખાસ્ત કરવાનો આજે છેલ્લો દિવસ હોઈ આ આંકડામાં વધારો પણ થઈ શકે છે. આગામી બે ત્રણ દિવસમાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ જશે.