કોરોના કાળમાં કચ્છમાં ૬૦ જેટલા બાળકોએ માતા અથવા પિતાની ગુમાવી છત્રછાયા

પ્રથમ લહેરના રર અને બીજી લહેરના ૪ બાળકો મળી કુલ ર૬ વ્હાલસોયાને ગુજરાત સરકાર આર્થિક હુંફ આપશે : હજુ પણ આવા બાળકોને નોંધણી ચાલુ : આવા બાળકોને અન્ય સહાયોનો પણ અગ્રતાના ધોરણે લાભ અપાશે : ર૬ બાળકો બન્યા અનાથ, સરકાર દર મહિને ૪ હજારની સહાય આપશે :કેન્દ્ર સરકાર પણ સહાય માટે આગળ આવી : અન્ય યોજનાઓનો આવા બાળકોને લાભ મળશે

એક અપીલ કચ્છીજનોને, આપની આસપાસ આવા બાળકો હોય ત્વરીત જિલ્લા બાળ સુરક્ષા એજન્સીને કરો જાણ : બનતી મદદ કરી આવા બાળકોને માતા-પિતાની ખોટ મહેસૂસ ન થવા દઈએ : અનાથ બાળકોના વાલીની ભૂમિકા ભજવશે સરકાર

ભુજ : કોરોના મહામારીએ માનસપટ પર ગંભીર અસરો ઊભી કરી છે. આ જીવલેણ બીમારીથી લોકોને આર્થિક નુકસાન તો થયું જ છે સાથે માનસિક રીતે પણ ઘણા લોકો ભાંગી પડ્યા છે. કોરોનાની પ્રથમ લહેર કરતા બીજી લહેર ઘણી ઘાતક હતી. કારણ કે આ લહેરમાં બીમારીનો વ્યાપ ઝડપથી વધ્યો, એક તરફ આરોગ્ય સેવાઓની કટોકટી, બીજી તરફ જિંદગી અને મરણ વચ્ચે દર્દીઓ ઝોલા ખાઈ રહ્યા હતા. આ દરમિયાન ઘણા બાળકોના માતા-પિતા સંક્રમીત થયા, આખો પરિવાર કોરોનાની ઝપેટમાં આવી ગયો તે સહિતના કિસ્સાઓ પણ બન્યા હતા. દુઃખ સાથે કહેવું પડે કે નાની વયે ઘણા બાળકોના માતા-પિતાને કોરોનાએ છીનવી લીધા છે.મા-બાપ વગર બાળકની જિંદગી ઘણી કઠીન બને છે. પરિવારનો સાથ હોય તો ઠીક છે પણ જો કોઈ હુંફ આપનારું ન હોય તો બાળકની જિંદગી નર્ક જેવી થઈ જાય છે. માતા-પિતાની ખોટ કોઈ પણ પૂરી કરી શકે નહીં. જે બાળકોએ કોરોનામાં તેમના માતા-પિતા કે માતા અથવા પિતાને ગુમાવ્યા છે. તેમની વેદના અને વ્યથા શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી.ઘણા બાળકો આજે પણ તસવીર સામે રડતી આંખે જોઈ કહે છે મારી મમ્મી પરત આવશે, મારા પપ્પ મારા માટે કંઈક ભેટ લઈ આવશે. આ કરુણતા અને ગમગીની વચ્ચે સરકારે આવા બાળકોને હુંફ આપવાનો નાનકડો પ્રયાસ કર્યો છે.જિલ્લા બાળ સુરક્ષા અધિકારી વિપુલ ડોડીયાએ
વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું કે, કોરોના કાળમાં જે બાળકોના માતા-પિતા અવસાન પામ્યા હોય અથવા બાળકના એક વાલી કોરોના સમયગાળામાં અગાઉ અવસાન પામ્યા હોય અને બીજા વાલી પણ કોવિડની બિમારીથી અવસાન થયા હોય તેવા બાળકોને સહાય આપવા માટે સરકારે મુખ્યમંત્રી બાળ સેવા યોજના અમલમાં મુકી છે જે અંતર્ગત માતા-પિતા ગુમાવનારા બાળકોને દર મહિને ૪ હજારની સહાય મળશે. બાળક ૧૮ વર્ષ પૂર્ણ કરે ત્યાં સુધી સહાય મળશે. કચ્છમાં આ માટે સર્વે કરાયો છે જેમાં અત્યાર સુધીની વિગતો પ્રમાણે જિલ્લામાં ર૬ બાળકોને યોજનાનો લાભ મળશે. માર્ચ ર૦ર૦ પછી જેણે માતા-પિતા ગુમાવ્યા હોય તેવા રર બાળકોને પાલક માતા-પિતાનો લાભ અપાયો છે. તેમજ બીજી લહેરમાં ૪ બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે તો કુલ ૬૦ બાળકો એવા છે જેઓએ માતા અથવા પિતાની છત્રછાયા ગુમાવી છે. હાલના તબક્કે ર૬ બાળકોને બાળ સેવા યોજનાનો લાભ મળશે. બાકી ૬૦ બાળકોની નોંધ થઈ છે. સરકારની કોઈ યોજના આવશે તો તેવા બાળકોને પણ લાભ મળશે.આસિસ્ટન્ટ કલેક્ટર મનીષ ગુરવાનીએ જણાવ્યું કે, કોરોના કાળમાં જિલ્લામાં ર૬ બાળકોએ માતા-પિતા ગુમાવ્યા છે. જેઓને મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો લાભ અપાશે. જેમાં મુન્દ્રામાં ૭, ભુજમાં ૪, ભચાઉમાં ૩, રાપરમાં ર, ગાંધીધામમાં ૧, માંડવીમાં ૧, નખત્રાણામાં ૧, અંજારમાં ૪ અને અબડાસામાં ર બાળકોનો સમાવેશ થાય છે. જિલ્લામાં તાલુકા વિકાસ અધિકારી, ચીફ ઓફિસર, મામલતદાર, આઈસીડીએસ સહિતના વિભાગોને આવા બાળકો શોધવા માટે સૂચના આપવામાં આવી હોવાનું ઉમેર્યું હતું.
આ બાળકોને આર્થિક સહાય ઉપરાંત શિક્ષણ માટે હોસ્ટેલ, શાળાઓમાં પ્રથમ અગ્રતા મળશે. લગ્ન માટે કન્યાઓને કુંવરબાઈનું મામેરૂં યોજનાનું આવક મર્યાદાના બાધ સિવાય મળશે,શિષ્યવૃત્તિનો લાભ પણ અગ્રતાના ધોરણે મળશે, ઉચ્ચ શિક્ષણ માટે મુખ્યમંત્રી સ્વાવલંબન યોજનાનું લાભ, રોજગારી માટે સ્કિલ ડેવલોપમેન્ટ, મહાકાર્ડનો લાભ, અનાજ વિતરણ સહિતની અન્ય સરકારી યોજનાઓનો લાભ અગ્રતાના ધોરણે અપાશે. બાળ સુરક્ષા વિભાગ ઉપરાંત શિક્ષણ વિભાગ દ્વારા પણ બાળકોનું શિક્ષણ બગડે નહીં અને ભવિષ્ય ઉજ્જવળ થાય તે માટે મહેનત કરવામાં આવે છે. હજી તો શરૂઆત છે આવા અસરગ્રસ્ત બાળકોની વિગતો આવી રહી છે. આ યોજના અંગે જિલ્લા બાળક સુરક્ષા એકમ, ૪૦ર, બહુમાળી ભવન ત્રીજો માળ, ભુજ ખાતે રૂબરૂ અથવા ફોન પર નં.૦ર૮૩ર રપર૬૧૩ અને ૮ર૦૦પ ૪પ૧૮૩નો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે. કચ્છી જનો ક્યારે સેવા અને મદદમાં પાછા પડ્યા નથી ત્યારે આપણી આસપાસ આવું કોઈ બાળક નજરે પડે તો તરત જ સરકારની યોજનાનો લાભ અપાવીએ તેમજ બનતી મદદ કરી હુંફ આપવાનો પ્રયાસ કરીએ.