કોરોના કહેર વચ્ચે મૃતકોના દાગીના ચોરતો વોર્ડબોયને ઝડપ્યો

(જી.એન.એસ)અમદાવાદ,એશિયાની સોથી મોટી હોસ્પિટલમાં મોતનો મલાજો ન જાળવનાર આરોપીની ધરપકડ કરવામા આવી છે. આરોપીએ ૧૨૦૦ બેડ કોરોના હોસ્પિટલમાં મૃત્યુ પામેલાં દર્દીનાં મૃતદેહ પરથી દાગીનાની ચોરી કરી હતી. જે બાદ ભારે હોબાળો થયો હતો અને પોલીસ ફરિયાદ થઈ હતી. જો કે પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.શાહીબાગ પોલીસની કસ્ટડીમાં રહેલાં આરોપીનું નામ સાહિલ ઉર્ફે ભુરિયો મકવાણા છે. આરોપી સિવિલ ૧૨૦૦ બેડમાં વોર્ડ બોય તરીકે કામ કરે છે. પરંતુ આરોપીની ધરપકડ ચોરીના ગુનામા કરવામા આવી છે. તે પણ કોરોનામાં મૃત્યુ પામેલ મહિલા દર્દીનાં સોનાની બંગડી ચોરી કરવાના ગુનામા. આરોપી સાહિલે ૧૧ તારીખે દર્દી મોહિનીબેનના મૃત્યુ બાદ ૪ તોલા સોનાની બે બંગડી ચોરી કરી હતી. જેની ફરિયાદ મળતાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે.આ પહેલી વખત નથી કે ૧૨૦૦ બેડમાં કોરોના દર્દીનાં મોત બાદ તેનાં મૃતદેહ પરથી કિંમતી દાગીનાની ચોરી થઈ હોય. આ અગાઉ પણ શાહીબાગ પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી. જેને ૪ ચોરીની કબુલાત કરી હતી. ઝડપાયેલ આરોપી સાહિલ સિવિલ હોસ્પિટલમાં જ કોન્ટ્રાક્ટ પર કામ કરે છે. જે દિવસે તેને ચોરીને અંજામ આપ્યો તે દિવસે સાહિલની ડ્યુટી મૃતદેહ પરિવારને સોંપવાની હતી. માટે તે મૃતદેહ લિફ્ટમાં લઈને ઉતરી રહ્યો હતો. તે સમયે તેને ચોરીને અંજામ આપ્યો હતો. પોલીસે ચોરીનો તમામ ૧.૬૦ લાખના કિંમતની સોનાની બંગડી કબ્જે કરી છે.પોલીસે ચોરીના ગુનામાં આરોપીની ધરપકડ કરી મુદ્દામાલ કબ્જે કર્યો છે. સાથે સાથે પોલીસે અન્ય કોઈ ચોરી હોસ્પિટલમાં થઈ છે કે કેમ. ઉપરાંત આરોપીના ગુનાહિત ઈતિહાસ અને ચોરી કરવા પાછળનો આશય જાણવા માટે તપાસ તેજ કરી છે. ત્યારે જોવું એ રહ્યું કે પોલીસ તપાસમાં શુ નવા ખુલાસા થાય છે.