• જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માએ માહિતી આપી

ભુજ : જિલ્લામાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. લોકોના મનમાં ભય પ્રસરી રહ્યો છે તે વચ્ચે તંત્ર કઈ કઈ દિશામાં કાર્ય કરી રહ્યું છે, તેની માહિતી જિલ્લા વિકાસ અધિકારીએ આપી હતી.ડીડીઓ ભવ્ય વર્માએ જણાવ્યું કે, ત્રણ પરિબળો પર જિલ્લા તંત્ર કામ કરી રહ્યું છે, જેમાં પ્રથમ ટેસ્ટીંગ વધારવા ભાર મુકાયો છે. ર૪ કલાકમાં જ ટેસ્ટિંગના રિપોર્ટ આવી જાય તે અમારી પ્રાથમિક છે, તેમ છતાં અમુક કિસ્સામાં મોડેથી રિપોર્ટ આવે છે, તેવું પણ કહ્યું હતું. હોસ્પિટલમાં બેડની કેપીસિટી વધારવાની કામગીરી શરૂ કરાઈ છે. સરકારી કોવિડ હોસ્પિટલોમાં બેડ કેપીસીટી વધારવા સાથે કોવિડ કેર સેન્ટરની સવલતો વધારવામાં આવી છે. તેમજ તૃતિય પરિબળમાં રસીકરણ પર ભાર મુકાયો છે, જેમાં હાલમાં રસી ઉત્સવ ચાલી રહ્યો છે. રવિવારે રજા હોવાથી ઓછી કામગીરી થઈ હતી, પરંતુ સોમ, મંગળ અને બુધવારના ત્રણ દિવસોમાં ર૦ હજાર લોકોને રસી અપાશે તેવો લક્ષ્યાંક હોવાનું ડીડીઓએ જણાવ્યું હતું.

હોમ ક્વોરેન્ટાઈનનો આંકડો ડીડીઓ પાસે નથી

ભુજ : કચ્છ જિલ્લા પંચાયતના વડા હોવાના નાતે આરોગ્ય વિભાગ પર ડીડીઓ નેતૃત્વ રહે છે. ત્યારે કોરોના મહામારીમાં હાલમાં કેટલા દર્દીઓ હોમ આઈસોલેશનમાં રહી સારવાર મેળવી રહ્યા છે, તેવો સવાલ પુછતા ડીડીઓએ કહ્યું કે, હોમ ક્વોરેન્ટાઈનનો આંકડો મારી પાસે નથી. તેમજ સરકારી યાદીમાં આ આંકડો સમાવવામાં આવે તેવું સૂચન કરાયું હતું. જે અંગે ડીડીઓ કામગીરી કરાશે તેવું કહ્યું હતું.

  • બેડ કેપીસિટી વધારવા મામલે સીડીએચઓએ આપી માહિતી

અંજાર- ગાંધીધામમાં વધુ ૯૦ બેડ ઉભા કરાશે : વાગડમાં ત્રણ સ્થળોએ હોસ્પિટલ શરૂ કરવા અંતિમ કવાયત : પ્રાઈવેટ હોસ્પિટલમાં સરકારી સારવાર ઉભી કરવા તંત્ર હરકતમાં

ભુજ : જિલ્લામાં બેડ કેપીસિટી વધારવા મામલે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જનક માઢકે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, સેન્ટ જોસેફ હોસ્પિટલ ગાંધીધામ, મીમ્સ હોસ્પિટલ, મસ્કા હોસ્પિટલ, ભચાઉ વાગડ વેલ્ફેર હોસ્પિટલમાં કોરોનાની સારવાર થશે. આ માટે નોટીફીકેશન હવે પ્રસિદ્ધ થશે તેમજ રાતા તળાવ અને નખત્રાણામાં બે કોવિડ કેર સેન્ટર અને લીલાશા કુટીયામાં કોવિડ દર્દીઓને સારવાર આપવાની સેવા કાર્યરત છે. રાપરમાં કસ્તૂરબા ગાંધી વિદ્યાલય તેમજ ભચાઉમાં આઈટીઆઈ અને ગાંધીધામમાં બે તેમજ અંજારમાં વધુ એક કોરોનાની હોસ્પિટલ ઉભી કરવાની પ્રક્રિયા ચાલુમાં છે. ગાંધીધામમાં ૬૦ બેડની અને અંજારમાં ૩૦ બેડની સવલતો વધારવામાં આવશે. આ નિર્ણયો અંગે હાલ વિવિધ પાસાઓ પર ચર્ચા ચાલુ છે. અંતિમ નિર્ણય બે – ત્રણ દિવસમાં આવી જશે. આ હોસ્પિટલો શરૂ થવાથી દર્દીઓને પોતાના ગામમાં જ કોરોનાની સારવાર ઉપલબ્ધ થશે. જે હોસ્પિટલો અગાઉ ખાનગીમાં સારવાર આપતી હતી, જેઓને સરકારી સેન્ટરોમાં પરિવર્તિત કરવામાં આવી રહી છે, જેથી મહતમ લોકોને ઝડપી સારવાર મળશે તેવી આશ બંધાઈ છે.

કચ્છ યુનિવર્સિટીમાં કોવિડ હોસ્પિટલ શરૂ કરવા ક્વાયત

ભુજ : કચ્છનું સૌથી મોટૂં શિક્ષણ સંકૂલ થોડા દિવસો કોવિડ કેર સેન્ટરમાં પરિવર્તિત થાય તે માટેની તજવીજ શરૂ થઈ ગઈ છે. ક્રાંતિ ગુરૂ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીમાં વિશાળ સંકૂલ તેમજ અનેક બિલ્ડિંગો અને ભવનો આવેલા છે. ત્યારે આ ભવનોનો હવે ઉપયોગ કરવામાં આવશે. સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે કચ્છ યુનિવર્સિટીમાં ર૦૦ બેડની સુવિધા ઉપલબ્ધ થાય તે માટેની તજવીજ આરંભી દેવાઈ છે. યુનિવર્સિટીમાં વિશાળ સંકુલ હોવાથી એક વિભાગમાં કોવિડ કેર સેન્ટર કાર્યરત થાય તેમ છે. સરકારે ૩૦મી એપ્રીલ સુધી ઓફલાઈન શિક્ષણ બંધ રાખવાનો આદેશ પણ કર્યો છે. આ અંગે સતાવાર પુષ્ટી મળી નથી, પરંતુ નજીવા દિવસોમાં કોવિડની સારવાર અહીં શરૂ થાય તેવા ઉજ્ળા સંંજોગો જોવા મળી રહ્યા છે. તો કેટલાક રાજકીય નેતાઓ પણ કોવિડની સારવાર માટે સેન્ટર શરૂ કરવા આગળ આવ્યા છે, જેમાં હળવા લક્ષ્ણો ધરાવતા દર્દીઓને સારવાર અપાશે આ માટે એમઓયુ કરવાની પ્રક્રિયા શરૂ હોવાથી વધુ વિગતો મળી શકી નથી.