• કચ્છમાં વેન્ટિલેટરની અછતને પહોંચી વળવા ૮૦ નવા વેન્ટિલેટર અપાશે

કચ્છભરમાં કોવિડની સારવાર માટે વધુ ર હજાર બેડ ઉભા કરવાની તૈયારીઓ શરૂઃ આરટીપીસીઆર ટેસ્ટીંગ વધારવા માટે કચ્છમાં એક નવું મશીન કરાશે ઈન્સ્ટોલેશન

ભુજ : રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી કોરોના સંદર્ભેની સમીક્ષા માટે કચ્છમાં આવ્યા હતા. કોરોનાની બીજી લહેરને કારણે કચ્છ સહિત ગુજરાતમાં ચિંતા પ્રસરી છે અને કોરોનાનું સંક્રમણ પણ ઝડપથી થાય છે, ત્યારે તેને અટકાવવા માટે સરકાર પ્રતિબધ હોવાનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું. વહિવટીતંત્ર અને જનપ્રતિનિધિઓ સાથે બેઠક યોજ્યા બાદ તેમણે પત્રકારો સાથે કોન્ફરન્સ યોજીને માહિતી પુરી પાડી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકારો સાથે કરેલી પરામર્શમાં જણાવ્યું હતું કે, જિલ્લાના અધિકારી અને પદાધિકારીઓ સાથે કોરોના સંદર્ભે સમીક્ષા કરી છે. જેમાં કચ્છમાં આરટીપીઆર ટેસ્ટીંગ વધારવા માટે અને ર૪ કલાકમાં દર્દીઓને પોઝિટીવ અથવા નેગેટીવ રિપોર્ટ આપવા માટેની સ્પષ્ટ સૂચના અપાઈ છે. કોરોના અંગે આરટીપીસીઆર ટેસ્ટીંગ વધારવા નવું મશીન ઈન્સ્ટોલેશન કરવામાં આવશે. કાલથી જ તેની કામગીરી શરૂ કરી દેવામાં આવશે. આ ઉપરાંત કચ્છમાં વેન્ટિલેટર ઓછા હોવાની ફરિયાદો ધારાસભ્યો અને અધિકારીઓ તરફથી મળી હતી. જેને કારણે કચ્છમાં નવા ૮૦ વેન્ટિલેટર આપવામાં આવશે તેવી જાહેરાત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કરી હતી. આ ઉપરાંત કોરોના પોઝિટીવ દર્દીઓ દિન – પ્રતિદિન વધી રહ્યા છે, ત્યારે જિલ્લા મથક ઉપરાંત તમામ તાલુકા મથકોએ નવા ર૦૦૦ બેડની સુવિધા ઉભી કરવાનો નિર્ણય આજની બેઠકમાં કરાયો છે. આ બે હજાર બેડની સાથે આનુસંગીક સુવિધાઓ જેવી કે ઓક્સિજન લાઈન, તમામ બેડની સાથે ત્રણ સીફટમાં ડોકટરો, મેડિકલ સ્ટાફ, નર્સિંગ સ્ટાફની વ્યવસ્થા સહિતની સુવિધાઓ ઉભી કરાશે. સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં હેલ્પ ડેસ્ક બોર્ડની સુવિધા કરવાની તાકીદ કરવામાં આવી છે, જેમાં કોવિડ દર્દીઓના સગાઓને તમામ પ્રકારની માહિતી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવા સૂચના અપાઈ છે. સીએચસી – પીએચસીમાં ડોકટરો અને સ્ટાફની ઘટને ધ્યાને લઈને આજની બેઠકમાં સ્ટાફની ભરતી કરવા સંદર્ભે પણ ચર્ચા વિચારણ કરવામાં આવી છે અને માંગણા પત્રકોને આધારે દરખાસ્ત મોકલવા જણાવાયું છે. અને સત્વરે હ્યુમન રિસોર્સ ઉભો કરવા કામગીરી કરાશે. નવા તૈયાર થયેલા એમબીબીએસ તબીબોની સેવાનો ઉપયોગ લેવામાં આવશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રારંભે દેશ અને ગુજરાતની પરિસ્થિતિથી લોકોને વાકેફ કર્યા હતા. કોરોનાની બીજી લહેર વ્યાપક બની છે. સંક્રમણ ઝડપીથી વધી રહ્યું છે અને પોઝીટીવ કેસોની સંખ્યા પણ વધી રહી છે. માર્ચ પૂર્વે દેશ ભરમાં ૧ર હજારની આસપાસ પોઝિટીવ કેસો નોંધાઈ રહ્યા હતા. જયારે હાલના તબક્કે સવા બે લાખ જેટલા કેસો પ્રતિદિન નોંધાઈ રહ્યા છે. ગુજરાતમાં દૈનિક ૩૦૦ની સામે હવે ૯ હજાર પોઝિટીવ કેસો થઈ ગયા છે. ૧પમી માર્ચ બાદ મહામારીનું સંક્રમણ વધ્યું છે. ત્યારે રાજ્યમાં ૪૧ હજાર બેડની સામે છેલ્લા ૧ માસમાં ૭પ હજાર બેડ કરી દેવાયા છે અને હજુ એકાદ પખવાડિયા વધુ ૧૦ હજાર બેડની સુવિધા ઉભી કરાશે. બેડની સાથે તેની સાથેની આનુસંગીક સુવિધાઓ પણ ઉભી કરવામાં આવી છે. બેઠકમાં સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ તેમજ પ્રવાસન રાજ્યમંત્રી વાસણભાઇ આહિરે, ‘‘વહિવટી તંત્ર સંકલનમાં રહીને કચ્છ જિલ્લામાં વિવિધ સ્થાનો પર કોવીડ હોસ્પિટલ, કોવીડ કેર સેન્ટર, રસીકરણ અભિયાન, કોરોના કેર સેન્ટરની લોક સંસ્થાઓના સહયોગથી ઉભી કરાઇ રહેલી વ્યવસ્થા, જનજાગૃતિ સહિત કોરોના સંક્રમણની બીજી લહેરને નાથવા માટે સફળ થશું’’ તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોનાં કલ્યાણ તેમજ પ્રવાસન રાજ્યમંત્રી વાસણભાઇ આહિર, સાંસદ વિનોદભાઇ ચાવડા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિ, રેન્જ આઇજી જે.આર. મોથલીયા, ધારાસભ્ય ડૉ. નીમાબેન આચાર્ય, વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, પ્રધ્યુમનસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના પ્રમુખ
પારુલબેન કારા, અગ્રણી કેશુભાઇ પટેલ, જિલ્લા કલેક્ટર પ્રવિણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, પશ્ચિમ જિલ્લા પોલીસ વડા સૌરભસિંઘ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જનક માઢક, સિવિલ સર્જન ડૉ. કશ્યપ બુચ, ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામભાઇ ઠક્કર સહિત વહિવટી અને આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા- વિચારણા કરી હતી.

લોકો માસ્ક પહેરે અને વેક્સિન ઝડપથી લે : સીએમ

ભુજ : જિલ્લાની મુલાકાતે આવેલા મુખ્યમંત્રીએ પ્રચાર માધ્યમો મારફતે અપીલ કરી હતી કે, કોરોનાના સંક્રમણ અટકાવવા માટે લોકો માસ્ક અચુક પહેરે. સરકાર દ્વારા સંક્રમણને અટકાવવા માટે બનતા તમામ પ્રયાસ કરાયા છે. ર૦ શહેરોમાં નાઈટ કર્ફ્યુ અમલી બન્યો છે. વહિવટીતંત્ર અને પોલીસને કોરોનાની માર્ગદર્શિકાનું ચૂસ્ત પણે પાલન કરાવવા સૂચના અપાઈ છે. ધાર્મિક, સામાજિક, રાજકીય મેળાવડાઓ પર રોક લગાવાઈ છે અને વેક્સિનેશનની કામગીરી પૂર જોશમાં હાથ ધરાઈ ચુકી છે. ત્યારે સૌ લોકો વેક્સિન અપાવે અને સુરક્ષીત બનતા જાય તેવી અપીલ મુખ્યમંત્રીએ કરી હતી.

સ્મશાનની ચીમનીઓ ઠરતી નથી, ને કલેકટર કચેરીમાં લાલજાજમ પથરાતા કચવાટ

ભુજ : રાજ્યની સાથે કચ્છમાં પણ કોરોના મહામારીનો કાળો કેર છે. સ્મશાનોની ચીમની દિવસ – રાત સળગતી રહે છે. આ દુઃખની ઘડીમાં સૌ કોઈ ચિંતિત છે. રાજ્યના મુખ્ય પ્રધાન પણ કચ્છની ચિંતા કરવા દોડી આવ્યા હતા. જો કે કલેકટર કચેરીમાં સીએમના આગમનને લઈને લાલ જાજમ પાથરવામાં આવી હતી, જેને લઈને કચવાટ ઉભો થયો હતો. આ દુઃખની ઘડીમાં લાલજાજમ પાથરવી હિતાવહ નથી. તંત્રનું આવું આયોજન ટીકાપાત્ર રહ્યું હતું.

કોરોનાના પોઝિટીવ કેસ અને મોતના આંકડાઓ છૂપાવવાનો કોઈ પ્રશ્ન નથી

ભુજ : પત્રકારો સાથે મુખ્યમંત્રીએ કરેલી ચર્ચામાં પોઝીટીવ કેસ અને મૃત્યુનો આંક છૂપાવવાના વેદ્યક સવાલો થયા હતા. જેના પ્રત્યુતરમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કોરોનાના પોઝીટીવ કેસ અને મૃત્યુના આંકડાઓ છૂપાવવાનો કોઈ પ્રશ્ન જ નથી. કેમ કે મૃત્યુ માટે આઈસીએમઆરની ગાઈડલાઈન મુજબ ડેથ ઓડીટ કમિટી દ્વારા ઓડિટ કરીને કોરોનાથી મૃત્યુ અંગેની જાહેરાત કરાય છે. જેમાં કોરોનાની સાથે અન્ય જીવલેણ બિમારીઓ હોય તો તેનું મૃત્યુ કોરોના સાથે સાંકળવામાં આવતું નથી. જેથી આવું બને છે અને તેને લઈને કોઈ ભ્રામક પ્રચારમાં જનતા દોરાય નહીં તેવું મુખ્યમંત્રીએ કહ્યું હતું.

ખાનગી હોસ્પિટલ વધુ બિલ આપશે તો કરાશે કાર્યવાહી

ભુજ : કચ્છમાં કોરોનાની સારવાર માટે ખાનગી હોસ્પિટલો દ્વારા દર્દીઓને લાખોના બિલ આપવામાં આવે છે. આ અંગે મુખ્યમંત્રીને કરાયેલા સવાલના જવાબમાં સરકાર દ્વારા ગાઈડલાઈન નક્કી કરાઈ છે, તે મુજબ જ ખાનગી હોસ્પિટલોમાં કોવિડની સારવાર અંગેની મંજૂરી આપવામાં આવે છે. તેમ છતાં જો કોઈ ખાનગી હોસ્પિટલ દ્વારા દર્દીઓ પાસે વધુ નાણા વસૂલવામાં આવશે અને તે અંગેની કોઈ ફરિયાદ આવશે તો હોસ્પિટલ સામે કડક કાર્યવાહી કરાશે તેવું ખુદ મુખ્યમંત્રીએ ભુજ ખાતે પત્રકારો સાથેની બેઠકમાં જણાવ્યું હતું.

રેમડેસિવિર ઈન્જેકશન અને ઓક્સિજન વિશે સીએમએ શું કહ્યું

ભુજ : રાજ્યમાં કોરોનાની સારવાર માટે વપરાતા રેમડેસિવિર ઈન્જેકશન અને ઓક્સિજન વિશે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, કોરોના કેસો ઘટયા બાદ ઈન્જેકશનના ઉત્પાદનમાં પણ ઘટાડો કરાયો હતો. કેમ કે ઈન્જેકશનની એક્સપાયરી ડેટ ૩ મહિના સુધીની હોય છે. અને બીજી લહેરમાં કેસો ઉચકાતા ઈન્જેકશનની શોર્ટેજ ઉભી થઈ છે, તેમ છતાં પહેલી એપ્રીલથી ૧પમી એપ્રીલ સુધી ગુજરાતના લોકોને ૩.પ૦ લાખ રેમડેસિવિર ઈન્જેકશન અપાયા છે. ઈન્જેકશનનું ઉત્પાદન પુનઃ પુરજોશમાં થઈ રહ્યું છે. હાલની થોડી શોર્ટેજ હોવાના કારણે પ્રાયોરીટી નક્કી કરીને અપાય છે અને હોસ્પિટલ મારફતે જ હાલ રેમડેસિવિર ઈન્જેકશન ઉપલબ્ધ કરાવાઈ રહ્યા છે. તો ઓક્સિજન અંગે જણાવતા તેમણે કહ્યું હતું કે, એકાદ માસ પૂર્વે ઓક્સિજનનો વપરાશ રપ૦ ટન કન્જકશન હતો. જે વધીને ૮૦૦ ટન કન્જકશન થઈ ગયો છે. ઓક્સિજનની ઉત્પાદન વધારવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. એટલે ટૂંક સમયમાં ઓક્સિજનની કોઈ શોર્ટેજ ઉભી થશે નહીં.

વહિવટીતંત્રના બે જવાબદાર વલણ અંગે સીએમએ કહ્યું સૂચના આપું છું

ભુજ : રાજ્યના મુખ્યપ્રધાને કચ્છમાં દોડી આવી પરિસ્થિતિની સમીક્ષા કરી છે, પરંતુ કચ્છના વહિવટીતંત્ર દ્વારા મીડિયા જગતને કોરોના સંદર્ભે પુરતી માહિતી પુરી પાડવામાં આવતી નથી. કલેકટર, ડીડીઓ, આરોગ્ય અધિકારી સહિતના સૌ કોઈ એકબીજાને ખો આપી વાત ટાળવાનો પ્રયાસ કરે છે. તો અમુક સક્રિય અધિકારીઓની બોલતી બંધ કરી દેવાય છે. તંત્રના આવા બેજવાબદાર વલણ અંગે પત્રકારોએ મુખ્યમંત્રીને ફરિયાદ કરી હતી. તેમજ મીડિયા જગતને સાચી માહિતી મળે તે માટે સુચવ્યું હતું. જેથી સીએમએ કહ્યું, તંત્રને સૂચના આપી દઉં છૂ, હવે તમને સમયસર માહિતી મળતી રહેશે.

લોકો ભયભીત ન બને, સામૂહિક પ્રયાસો જંગ જીતાડશે

રેમડસિવિરનો બિનજરૂરી વપરાશ ન થાય તે માટે તાકીદ

ભુજ : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, આ મહામારીની પરિસ્થિતિમાં લોકો ભયભીત ન બનો, બિમારીથી ભયભીત બનશો તો વધુ નુકસાની થશે. સામૂહિક પ્રયત્નો કરીશું તો આ જંગમાં આપણે જીતી શકશું. હાલમાં ર૦ શહેરોમાં રાત્રી કર્ફ્યુ છે. જરર પડે તો અન્ય વિસ્તારોમાં નિયંત્રણો લગાવશું. કુંંભમેળામાંથી ગુજરાત પરત આવતા લોકોના ટેસ્ટ કરાશે, નેગેટીવ હશે તો જ રાજ્યમાં પ્રવશ મળશે. જો કે જનરલ હોસ્પિટલમાં દર્દીઓને રેમડેસિવિર ઈન્જેકશન ન મળતા હોવાની ફરિયાદ અંગે જણાવ્યું હતું કે, કોવિડ દર્દીને ઈન્જેકશન આપવા સંદર્ભે વ્યવસ્થા ગોઠવાયેલી છે. સુચારૂં વ્યવસ્થા માટે તાકીદ કરી છે. ઈન્જેકશનની અછત છે, જેથી બિનજરૂરી વપરાશ ન થાય તે માટે પણ અનુરોધ કર્યો છે. જિલ્લામાં ઓક્સિજનની કમી અંગે પણ તંત્ર કામ કરશે. ગ્રામ્ય સ્તરે પીએચસીમાં સારવાર થશે. ઉપરાંત ગંભીર દર્દીઓને સારવાર મળી રહે એ માટે હોસ્પિટલની પથારીઓ વધારાઈ છે.