કોરોનામાં એક વાલી ગુમાવનાર બાળકોને રુપાણી સરકાર સહાય આપશે

(જી.એન.એસ.)ગાંધીનગર,વિશ્વવ્યાપી કોરોના મહામારીમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે જેમાં કોઈએ પોતાના વહાલ સોયા દીકરા, દીકરીઓ ગુમાવ્યા છે તો કોઈએ ભાઈ, બહેન અથવા પતિ અથવા પત્નીનો સાથ ગુમાવ્યો છે. આ મહામારીના કારણે ઘણાં બાળકો નિરાધાર થયા છે. જેમાં કેટલાક બાળકોએ માતા પિતા એમ બન્ને વાલીની છત્રછાયા ગુમાવી છે. જ્યારે કેટલાક બાળકોએ માતા અથવા પિતા એમ કોઈપણ એક વાલીની છત્રછાયા ગુમાવી છે આવા બાળકો માટે રાજ્ય સરકારે સહાયની જાહેરાત પણ કરી છે.માતા કે પિતા, બેમાંથી એકને ગુમાવનાર બાળકો આકસ્મિક નિરાધાર થવાથી તેમના ભવિષ્ય અને શિક્ષણના પ્રશ્નો ઉભા થયા છે. તેને ધ્યાનમાં રાખીને રાજ્યસરકાર દ્વારા આવા કપરાકાળમાં નિરાધાર થયેલા અને માતા પિતા બન્ને ગુમાવ્યા હોય તેવા બાળકોની કાળજી, રક્ષણ, શિક્ષણ અને આરોગ્યની ચિંતા કરીને રાજ્યસરકાર દ્વારા માતા પિતા ગુમાવ્યા હોય અને નિરાધાર થયેલા બાળકો માટે ’મુખ્ય મંત્રી બાળ સેવા યોજના’ ની જાહેરાત કરી છે.પરંતુ જે બાળકોએ એક વાલી ગુમાવ્યા હોય તેવા બાળકોને પણ સહાય આપવાની બાબત રાજ્ય સરકારની વિચારણા હેઠળ છે. તેથી આવા એક વાલીવાળા બાળકોને માસિક રૂ. ૨,૦૦૦ની સહાય આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ સહાયની રકમ ઓનલાઈન ડી.બી.ટી. દ્વારા ચૂકવવાની યોજના સીએમ રુપાણી દ્વારા આગામી બીજી ઓગસ્ટે લોન્ચ થશે.આથી આવા એક વાલીવાળા બાળકોના બેક એકાઉન્ટ ખાતા તાત્કાલિક ખોલવા જરૂરી છે. આ માટે જે- તે જિલ્લાના એક વાલી ધરાવતા જે બાળકો છે તેમના બેંક એકાઉન્ટ દિન – ૩માં ખોલાવવાના રહેશે.આ માટે જિલ્લામાં જુદા જુદા અધિકારીઓને જવાબદારી સોંપી દિન – ૩માં બાળકોના ખાતા ખોલાવવા વ્યવસ્થા ગોઠવવા સામાજિક ન્યાય અને અધિકારીના વિભાગના એસીએસ સુનયના તોમરે તમામ જિલ્લા કલેક્ટરોને પત્ર પાઠવ્યો છે.