કોરોનામાં અનાથ બનેલા વિદ્યાર્થીઓની સંપૂર્ણ ફી કચ્છ યુનિ.એ કરી માફ

ભુજ : કોરોનાની ઘાતક લહેરમાં કચ્છમાં અનેક પરિવારોના જીવનદીપ બૂઝાયા છે. કેટલાક પરીવારો સાવ વિખેરાઈ ગયા છે. તો ઘણાના માતા અને પિતાને કોરોના ભરખી ગયો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા આવા બાળકોને આર્થિક મદદ કરવામાં આવી રહી છે. ત્યારે કચ્છ યુનિવર્સિટીએ પણ આ દિશામાં આવકારદાયક નિર્ણય કર્યો છે.
યુનિવર્સિટીના કુલ સચિવ ડો. જી.એમ. બુુટાણીએ જણાવ્યું કે, કુલપતિ પ્રો. ડો. જયરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ હાલમાં ચાલતી કોરોના મહામારીના કારણે જે વિદ્યાર્થીઓના માતા અને પિતા બંનેનું અવસાન થયું હોય તેવા વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે તે માટે કચ્છ યુનિવર્સિટી દ્વારા આવા વિદ્યાર્થીઓની કોલેજ અને યુનિવર્સિટીના ભવનોની સંપૂર્ણ ફી માફ કરવાનો નિર્ણય લેવાયો છે. આ માટે વિદ્યાર્થીએ પોતાની કોલેજ કે ભવનમાં યુનિવર્સિટી દ્વારા મોકલવામાં આવેલ ફોર્મ ભરી જમા કરાવવાનું રહેશે.