કોરોનાને કારણે કચ્છમાં મોતનો તાંડવ : તંત્રના ચોપડે નહિવત મૃત્યુ

કોવિડના વોર્ડોમાંથી આજે 7 મૃતદેહોની કોવિડ ગાઈડલાઈન પ્રમાણે અંતિમવિધિની પ્રક્રિયા : મૃતકોના પરિવારજનોને કલાકો બાદ અંતિમવિધિના સમય માટે રખાયા વેટિંગમાં

ભુજ : કચ્છમાં કોરોનાના કારણે મોતનો તાંડવ ખેલાતો હોય તેવુ લાગી રહ્યુ છે. ભુજની જી.કે જનરલ હોસ્પિટલમાં દરરોજ 8થી 10 દર્દીઓ મોતને ભેટી રહ્યા છે. જેઓની કોવિડ ગાઈડલાઈન મુજબ અતિમ વિધિ થઈ રહી છે. પરંતુ રોજ સાંજે તંત્ર દ્વારા જારી કરાતી વિગતોમાં કોરોનાને કારણે મોતની સંખ્યા શૂન્ય જ દર્શાવવામાં આવે છે. ભાગ્યે જ ક્યારેક એકાદ-બે મોત દર્શાવાય છે. તો કોવિડ વોર્ડમાં દર્દીનું મોત નીપજ્યા બાદ કલાકો સુધી દર્દીના સગાઓને જાણ પણ કરવામાં આવતી નથી.

તો આજે સુત્રો મારફતે જાણવા મળ્યુ હતુ કે, જી.કે હોસ્પિટલમાં કોવિડ વોર્ડમાં 7 દર્દીઓના મોત થયા હતા. અને તબક્કાવાર ડેડ બોડીઓની કોવિડ ગાઈડલાઈન મુજબ અંતિમ વિધિ કરાઈ હતી. એક દર્દીના સગા સાથે સાંજે વાતચીત થતા તેમને ખારી નદી સ્થિત સ્મશાનગૃહમાં રાત્રે 10 વાગ્યે અંતિમવિધિ માટેનો સમય અપાયો હતો. તો ગાંધીધામ-આદિપુરમાં પણ કોરોનાના કારણે કફોડી પરિસ્થિતિ છે. ઓદ્યોગિક મથકમાં પણ મૃત્યુઆંક ઉચકાયેલો છે. અને ત્યા પણ ભુજ જેવી જ પરિસ્થિતિ છે. ગાંધીધામમાં પણ આરોગ્ય તંત્રની સેવાઓ ખાડે ગઈ છે. એટલે કહી શકાય કે મહાનગરોની જેમ જ ભુજ અને ગાંધીધામમાં પણ સ્મશાન ગૃહ માટે વેઈટીંગ શરૂ થઈ ગયુ છે.

આજે મૃત્યુનો આંક ઉચકાતા ભુજની જી.કે હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની કતારો લાગી હતી. ડેડ બોડીઓ લઈ જવામાં તેમજ નવા નોંધાતા દર્દીઓને હોસ્પિટલમાં એડમીટ કરવામાં એમ્બ્યુલન્સોની દોડધામ જોવા મળી હતી. કોવિડને કાણે લોકો મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. પરંતુ તંત્રના ચોપડે અન્ય કોઈ પણ બીમારી દર્શાવીને મોત નોંધાય છે. ત્યારે કોરોનાના કારણે મૃત્યુની વાસ્તવિકતા સામે આવતી નથી. પરંતુ જી.કે હોસ્પિટલના ગેટ પાસે એમ્બ્યુલન્સના સતત આવાગમનના દૃશ્યો બિહામણા છે. માટે લોકો કોરોનાને હળવાશથી ન લે તે જરૂરી છે. સાથે જ ભુજની જી.કે હોસ્પિટલમાં પણ માનવતા દાખવીને દરેક દર્દીઓની સારવાર થયા તે પણ જરૂરી છે. અનેક વખત જી.કે હોસ્પિટલમાં યોગ્ય સારવાર ન થવાને કારણે દર્દીઓના મોતના આક્ષેપો થાય છે. ત્યારે હોસ્પિટલનું મેનેજમેન્ટ અને આરોગ્ય તંત્રના જવાબદારો સાથે જિલ્લાનું વહીવટી તંત્ર પણ જાગૃત બને તે જરૂરી છે.