કોરોનાની સમીક્ષા માટે પ્રભારી સચિવ જે.પી.ગુપ્તા આજથી ફરી કચ્છમાં

હોસ્પિટલોમાં ઓક્સિજનની કમી, ઈન્જેકશનનું સુચારૂ વિતરણ સહિતના બાબતે બેઠકોનો દોર આરંભાયો

ભુજ : કચ્છ જિલ્લામાં કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે. સાથે મૃત્યુઆંકમાં પણ ઉછાળો આવ્યો છે. એક્ટિવ કેસોનો આંકડો પણ સતત વધી રહ્યો છે. આવા સમયે જિલ્લામાં સંશાધનોની અછત પણ જોવા મળી રહી છે. જેથી પ્રભારી સચિવ જે.પી. ગુપ્તા આજે ફરી કચ્છમાં દોડી આવ્યા છે. સિનિયર અધિકારી દ્વારા આજે સવારથી જ બેઠકોનો દોર આરંભી દેવાયો હતો. જેમાં મુખ્ય મુદ્દાઓની જો વાત કરીએ તો કોવિડ હોસ્પિટલોમાં પુરતો ઓક્સિજન મળતો નથી. સરકારી હોસ્પિટલમાં જથ્થો પહોંચે છે પણ પ્રાઈવેટ હોસ્પિટલોમાં ઓછો ઓક્સિજન મળે છે. જેથી તમામ હોસ્પિટલોને પ્રાણવાયું મળી રહે માટે ચર્ચા કરાઈ હતી. ઓક્સિજનના અભાવે અમુક ખાનગી હોસ્પિટલોએ નવા દર્દીઓ લેવાનું પણ નનૈયો ભણ્યો છે.આ ઉપરાંત રેમડેસીવીરના વિતરણ માટે કોર્ટે સરકારને ફટકાર આપી છે ત્યારે આ સરહદી જિલ્લામાં બે કેન્દ્રની જાહેરાત બાદ ઈન્જેકશનનું સુચારૂ વિતરણ થાય તે માટે પણ ચર્ચાઈ થઈ હતી.
એક્ટિવ કેસ બે હજારને પાર થઈ ગયા છે. જેથી હોસ્પિટલો પણ કુલ થઈ રહી છે ત્યારે બેડ કેપીસીટી વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આજે સવારથી ડીડીઓ ભવ્ય વર્મા, આસીસ્ટન્ટ કલેક્ટર મનીષ ગુરવાની સહિતનાઓ સાથે મેરેથોન બેઠકો શરૂ કરી દેવાઈ હતી. અગાઉ પ્રભારી સચિવની મુલાકાત દરમિયાન આજ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.