કોરોનાની સંભવિત ત્રીજી લહેરના સામના માટે સજ્જ થતી જી.કે. જનરલ હોસ્પિટલ

બાળકોને અસર કરી શકે છે એવા વિશેષજ્ઞોના મંતવ્યને પગલે હોસ્પિટલના બાળ વિભાગ તૈયારીમાં પરોવાયો

ભુજ : કોરોનાની બીજી લહેર અત્યારે શાંત છે. કોરોનાના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે, પરંતુ ૩જી લહેર વિષે તબીબો, વિશેષજ્ઞો અને વૈજ્ઞાનિકો સંભાવના દર્શાવી રહ્યા છે ત્યારે થર્ડ વેવની સંભવિત પરિસ્થિતિ મુજબ તૈયાર રહેવા માટે સૂચવેલા દિશા-નિર્દેશ મુજબ અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલ પણ તૈયારીમાં પરોવાઈ ગઈ છે.
ત્રીજી લહેરમાં ખાસ કરીને બાળકોને અસર કરી શકે છે. એવી શક્યતાને પગલે જી.કે. જનરલ હોસ્પિટલ આ બાબતને ટોચ અગ્રતા આપી પગલાં ભરવાનું નક્કી કર્યું છે. તો બીજી તરફ જિલ્લા કલેક્ટર વહીવટીતંત્રે પણ હોસ્પિટલને સહાયભૂત થવા દર્શાવેલી તત્પરતાને કારણે ૩જી લહેરના સામના માટે સજ્જ થઈ હોવાનું જી.કે.ના ચીફ મેડી. સુપ્રિ. ડો. નરેન્દ્ર હીરાણીએ જણાવ્યુ હતું. તેમણે કહ્યું કે, અત્યારે બાળક અને નવજાત શિશુ ત્રીજી લહેર માટે સંવેદનશીલ મુદ્દો હોવાથી બાળવિભાગ સુસજ્જ થાય તે માટે હાલ તુરંત ૧૦૨ બેડની તૈયારી કરવામાં આવી છે. જેમાં ૨૦ એનઆઈસીયુ, ૨૦ પીઆઈસીયુ, ૪૨ બાળકના વોર્ડ અને ૨૦ પથારી શંકાસ્પદ કેસ માટેની તૈયારી ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. એવી જ રીતે વહીવટી તંત્રના પાસેથી સી.પેપ, વેંટીલેટર તથા મોનીટર (પીડિયા) તેમજ આનુષંગિક ઉપકરણો મળે એ દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.
જી.કે. જનરલ હોસ્પિટલમાં બીજી લહેર દરમિયાન ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓ વધુ હોવાથી એ મુજબ વ્યવસ્થા ગોઠવાઈ હતી. અત્યારે ઓકસિજનના ૪ પ્લાન્ટ અને એક લિક્વિડ ટેન્ક ઉપલબ્ધ છે, તો બીજી તરફ નવો સ્ટાફ વધારવા તેમજ નર્સિંગ સ્ટાફને ત્રીજી વેવ માટે ખાસ કરીને પીડિયા વિભાગમાં કામ કરવા માસ તાલીમ પણ અપાશે. એમ ડો. હીરાણીએ જણાવ્યું હતું.