કોરોનાની સંભવતઃ ત્રીજી લહેર સામે બાથ ભીડવા કચ્છમાં કોઈ નક્કર આયોજન નહીં

ગુજરાત સરકારે સક્ષમ આયોજન જાહેર કર્યું જો કે કચ્છનું તંત્ર હજુ પણ બીજી લહેરના થાકમાંથી બહાર ન આવ્યું હોવાનો તાલ : મેડિકલ ઓક્સિજન પુરતો હોવાના દાવા વચ્ચે બેડ અને વેન્ટીલેટરની ઉપલબ્ધતા બાબતે કોઈ નથી પાડતું ફોડ

ભુજ : કોરોના મહામારી આપણો કેડો મુકતી નથી તેમ હવે સંભવતઃ ત્રીજી લહેરની આશંકાઓ થતા લોકોમાં બીમારી પ્રત્યેનો ફફડાટ દૂર થયો નથી. ત્યારે રાજય સરકાર તાજેતરમાં દાવો કર્યો છે કે, રાજયમાં સંભવતઃ ત્રીજી લહેર સામે લડવા તમામ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. આ માટે વિવિધ કમિટીઓ બનાવી ર૦ આઈએએસને જવાબદારી પણ સોંપી દેવાઈ છે. રાજય સરકાર ત્રીજી લહેર સામે બાથ ભીડવા સક્ષમ છે પરંતુ કચ્છનું તંત્ર બીજી લહેરની ભાગાદોડીના થાકમાંથી બહાર આવ્યું ન હોવાથી ત્રીજી લહેરની આગોતરી તૈયારીઓમાં કોષો દૂર હોવાનું લાગી રહ્યું છે.
આ અંગેની વિગતો મુજબ કોવિડની પ્રથમ લહેર બાદ જિલ્લાના તંત્રએ માની લીધું કે, કોરોના ચાલ્યો ગયો જેથી અમુક કોવિડ હોસ્પિટલો બંધ કરી દેવાઈ હતી. પરિણામે માર્ચ અને એપ્રીલ મહિનામા કોરોનાની બીજી લહેરમાં લોકોને આરોગ્ય સેવા મેળવવા માટે રઝળપાટ કરવાનો વારો આવ્યો હતો. હોસ્પિટલમાં બેડ ન મળે, ઓક્સિજનની કમી, સ્વજનનો કલ્પાંત, એમ્બ્યુલન્સની સાયરનોમાંથી આપણે બહાર તો આવ્યા પરંતુ તંત્ર હજુ બહાર આવ્યું નથી. તંત્ર દ્વારા ત્રીજી લહેર સામે લડવા એવો દાવો કરાયો છે કે, જિલ્લામાં મેડિકલ ઓક્સિજનની કોઈ કમી નથી. જી.કે.માં અલાયદા મેડિકલ ઓક્સિજનના પ્લાન્ટ કાર્યરત કરી દેવાયા છે. તો રામબાગમાં પણ મેડિકલ ઓક્સિજનનો પ્લાન્ટ બની રહ્યો છે. અન્ય સરકારી દવાખાનાઓમાં પણ મેડિકલ ઓક્સિજનના પ્લાન્ટ ઉભા કરવા માટે ગ્રાન્ટોની ફાળવણી થઈ ચુકી છે. જો કે, માત્ર ઓક્સિજનથી તો કોરોનાની સારવાર નહીં થાય. સારવાર માટે બેડ, વેન્ટીલેટર સહિતના મેડિકલ સાધનો પણ જોઈશે ત્યારે તે દિશામાં તંત્રનું કેવું આયોજન છે ? તે બાબતે સત્તાવાળાઓ દ્વારા કોઈ ફોડ પાડવામાં આવતો નથી. બીજી લહેરમાં રાજયમંત્રી, સાંસદ, ધારાસભ્યો, જિલ્લા પંચાયતના પ્રમુખ વિગેરે નેતાઓ સરકારી કચેરીઓમાં મિટીંગ કરી તૈયારીઓ અને સુવિધાઓ બાબતે મિટીંગો કરતા હતા. જો કે કોરોના ગયો, નેતાઓની જવાબદારી ભુલાઈ હોય તેમ ત્રીજી લહેરની તૈયારીઓમાં ફોટોસેશન માટે પણ આ કોઈ નેતાઓ દેખાયા નથી. ર૦રરની વિધાનસભા ચૂંટણીનો રાજકીય ગરમાવો આવતા નેતાઓ પણ પ્રજાને કોરાણે મુકી રાજકીય રોટલા શેકવા દોડતા થયા છે.