કોરોનાની વૈચારિક વ્યાધિ દવા અને પરામર્શથી મટતા મહિલાએ લીધો રાહતનો દમ

જી.કે. જનરલ હોસ્પિટલના મનોચિકિત્સા વિભાગે આપી સારવાર

ભુજ : અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં કોરોનાના સતત વિચાર અને જુદા ક્ષેત્રમાંથી આવતા સમાચારો અને સંભળાતી વાતોના કારણે કોવિડના વૈચારિક વંટોળથી ઊભી થયેલી માનસિક વ્યાધિથી પીડિત મહિલાને મનોચિકિત્સક વિભાગ દ્વારા દવા અને કાઉન્સેલિંગના સથવારે રાહત મળતા બહેને રાહતનો શ્વાસ લીધો છે.

ભચાઉ તાલુકાનાં ૫૩ વર્ષીય સૂરજબાને કોરોના વિષે સાંભળીને અવિરત મહેસુસ થવા લાગ્યું કે, તેમને કોરોના છે અને શ્વાસ રૂંધાય છે. જાણે તેમનો જીવ નીકળી જશે. ઠેર ઠેર સારવાર લીધી. તાવ, શરદી કે ઉધરસ જેવુ કઈ જ નહોતું, પરંતુ વિચારોને કારણે શરીરમાં દુઃખાવો રહેતો. જુદા જુદા પરિક્ષણ કરાવ્યા તો પણ ફર્ક ન જણાતા છેવટે તેમણે જી.કે. મનોચિકિત્સા વિભાગની સારવાર લીધી.  હોસ્પિટલના આ વિભાગના વડા અને અધિક મેડી. સુપ્રિ. ડો. મહેશ ટીલવાનીએ તેમને કાઉન્સેલિંગ દ્વારા સમજાવ્યું કે, તેમણે કોઈ શારીરિક તકલીફ નથી, પરંતુ માત્ર મગજની બીમારી છે. જેને કારણે મન અસ્ત-વ્યસ્ત રહે છે તથા લાગણીના તંતુ જાેડાઈ જવાથી આવું થાય છે. તેમણે વધુમાં કહ્યું કે, આવી પરિસ્થિતિમાં ગભરામણ થાય છે તેથી દવા પણ જરૂરી હોતા મેડિસિન આપવી આવશ્યક છે.  તેમણે કહ્યું કે, આવી સ્થિતિનું નિર્માણ થાય ત્યારે બધુ સીધું ન દેખાય પરંતુ મગજમા બંધબેસતી થઈ ગયેલા વિચારને સંપૂર્ણપણે દૂર કરવા દવા તો લેવી જ પડે છે અને આ દર્દીએ દવા સમયસર લીધી તેથી પણ તેમને ફર્ક જણાયો છે.

હોસ્પિટલમાં અન્ય મનોચિકિત્સકો આસી. પ્રો. અને ડો. ચિરાગ કુંડલિયા તથા ડો. રિધ્ધિ ઠક્કરે કહ્યું કે, સહેલાઇથી માનવામાં ન આવે, પરંતુ ઘણી બીમારી માનસિક હોય છે. મનમાંથી ખોટો ભય કાઢી નાખો અને જાતને કહો કે, ‘હું બરાબર છુ, સાજાે-સરવો છું, મને કોઈ બીમારી નથી.’ આમ માનવમનની શક્તિ અગાઢ છે. પોઝિટિવ વિચારોમાંથી મનને ઇચ્છિત દિશામાં વાળી શકાય છે. દ્રઢ મનોબળ અને વિધાયક વિચારો ક્રાંતિકારી પરીવર્તન લાવે છે.