સલાહ સૂચનાથી કોરોનાને ભગાડવા નાટક કરતા નેતાઓ, તંત્ર પણ દિશા વિહોણું

રાપર : વાગડના મુખ્ય રાપર શહેર તેમજ તાલુકામાં વધતા જતા કોરોનાના કેસોને નાથવામાં તંત્ર અને અમલદારો નિષ્ફળ નિવડતા ભયાવહ સ્થિતિમાં રાપર પંથક ધણીધોરી વગરનું બન્યું છે. રાપરના બની બેઠેલા અમલદારોએ કોરોનાથી ક્યા ઉપાયો કરવાથી મુક્તિ મળે એ દિશામાં દોડ આદરવાને બદલે માત્ર સલાહ-સૂચનો આપતા ફરે છે. દુકાનો બંધ રાખી અને વેપારીઓને લાચાર કરવાથી કોરોના ખતમ થઈ શકે તેમ નથી. જેને-જેને સત્તા અને શક્તિ મળેલ છે. તેવા લોકો હોસ્પિટલમાં કોરોનાને નાથી સકાય તેવી દવાઓનો સ્ટોક ઉપલબ્ધ કરાવે તેમજ કોવિડ કેર સેન્ટરમાં સવલતો ઊભી કરાવે તો જ અહીંના લોકોને કોરોનાની સારી સારવાર મળી શકશે. રાપર નગરપાલિકા દ્વારા આજે યોજાનારી બેઠકમાં લોકડાઉન વિશે ચર્ચા કરાશે. આવી ખોટી અને દેખાવ પુરતી મીટિંગ કરવાને બદલે. શહેરની સુખાકારી માટે આરોગ્ય, પાણી, સ્વચ્છતા, રેમડેસીવીરની અછત, ઓક્સિજન જેવા પ્રશ્નો માટે જાગૃત્ત થઈ નિરાકરણ માટે પ્રયત્નો આદરવા જોઈએ. કોરોના અટકાવવા બંધ કોઈ ઉકેલ નથી તેના બદલે લોકોની મુશ્કેલી વધી રહી છે. ગત વર્ષે લોકડાઉનમાં પ્રજાના ખિસ્સા ખાલી થયા હતા. ફરીથી એ જ પરિસ્થિતિ ઊભી થશે તો લોકો આર્થિક સંકટમાં મુકાઈ જશે. બંધના બદલે નેતાઓ-અધિકારીઓએ કોરોના કંટ્રોલમાં લેવા સલાહને બદલે નક્કર કામગીરી કરવી જોઈએ.

રાપરમાં છેલ્લા બે દિવસથી પોલીસની આડેધડ કામગીરીથી કચવાટ

રાપર : કોરોનાને ડામવા આ શહેર અને તાલુકામાં પોલીસને સુરાતન ચડ્યું હોય તેમ આડેધડ કામગીરી લોકોને દંડવામાં આવી રહ્યા છે. જેની સામે કચવાટ જોવા મળી રહ્યો છે. ગઈકાલે રાપરમાં મેડિકલ સ્ટોર સંચાલકને ખોટી રીતે કનડગત કરવામાં આવી હતી. આવા તો અનેક વેપારીઓ સામે ૧૮૮ કલમનું શસ્ત્ર ઉગામ્યું છેે તે હાલના સમયમાં વ્યાજબી નથી. મેડિકલમાં દવા લેવા લાઈનમાં પણ ઊભવું પડે ધસારો પણ જોવા મળે છે. આ સમયે તાકીદના બદલે પોલીસ જાહેરનામા ભંગના ગુના દાખલ કરે તે યોગ્ય નથી. પોલીસે જ્યાં કડક થવું જોઈએ ત્યા નરમ થઈ રહી છે. છેલ્લા બે દિવસથી રાપરમાં ઈમરજન્સી લાગુ હોય તેવી રીતે સાયરન વગાડી કોરોના પર કંટ્રોલ માટે પ્રયાસો થઈ રહ્યા છે. પરતુ ક્યાંકને ક્યાંક માસ્કના નામે અને ભીડ ભેગી થવાના નામે ખોટી રીતે કનગડત કરાય છે.