કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળવા કચ્છનું સિવિલ તંત્ર સજ્જ

Coronavirus Disease, Hospital, Healthcare and Medical

  • મહામારીની બીજી લહેરમાં પડેલી દવાની તંગીને જોતા આગોતરી તૈયારી

બીજી લહેરમાં જેટલી દવાઓનો ઉપયોગ થયો તેનાથી બે ગણી દવાઓ માટે અપાયો ઓર્ડર : શુક્રવારે યોજાયેલી વીડિયો કોન્ફરન્સમાં ઈન્ચાર્જ સિવિલ સર્જન સહિતનાઓએ ગાંધીનગરના ઉચ્ચાધિકારીઓને પુરી પાડી વિગતો : ઈન્જેક્શનની પણ કોઈ ઘટ ન રહે તે માટે અત્યારથી દાખવાતી સતર્કતા

(બ્યુરો દ્વારા)ભુજ : વૈશ્વિક મહામારી કોરોના દોઢ વર્ષથી હાહાકાર મચાવી રહી છે. વિશ્વભરના દેશો મહામારી સામે જજૂમી રહ્યા છે. ભારતમાં કોરોનાની બીજી લહેરમાં ભયાનક દ્રશ્યો સર્જાયા હતા. કોરોનાની જરૂરી બેડની તંગી સામે વહીવટી તંત્ર વામણું પુરવાર થયું હતું ત્યારે હવે કોરોનાની ત્રીજી લહેરની સંભાવના સેવાઈ રહી છે ત્યારે બીજી લહેરમાંથી બોધપાઠ લઈને સરકાર દ્વારા આગોતરી તૈયારી કરી દેવામાં આવી છે. કચ્છની સિવિલ હોસ્પિટલમાં પણ ત્રીજી લહેરને પહોંચી વળવા તંત્ર સજ્જ થઈ ચૂકયું છે અને દવાનો પુરતો સ્ટોક કરવા માટે ઓર્ડર આપી દેવામાં આવ્યો છે.
આ અંગેની વિગતો મુજબ કોરોનાની બીજી લહેર દરમિયાન જિલ્લાની તમામ હોસ્પિટલોમાં બેડ ફૂલ થઈ ગયા હતા. જ્યારે જરૂરી દવાનો પણ પુરતો સ્ટોક ન હોવાથી દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી. સિવિલ હોસ્પિટલમાં પણ તમામ બેડ ફૂલ થઈ જતા નવા બેડ વધારવામાં આવ્યા હતા, પરંતુ તેની સામે દર્દીઓની સંખ્યા ખુબ વધારે હોવાથી એમ્બ્યુલન્સની કતારો જોવા મળી હતી. જ્યારે બીજી તરફ કોરોના માટે જરૂરી દવા અને ઈન્જેકશનો માટે પણ દર્દીઓના સગા વ્હાલા રઝળપાટ કરતા જોવા મળ્યા હતા. જેની સામે તંત્ર લાચાર બની ગયું હતું. જોકે, બીજી લહેર હવે શાંત પડી છે પરંતુ વિશ્વના અન્ય દેશોમાં શરૂ થયેલી ત્રીજી લહેર ઉપરથી ભારતમાં પણ ત્રીજી લહેરની સંભાવના સેવાઈ રહી છે. ત્યારે સરકાર દ્વારા બીજી લહેરમાં રહી ગયેલી તૈયારીઓની ઉણપમાંથી બોધપાઠ લઈ ત્રીજી લહેરમાં આવી સ્થિતિ ન ઉદભવે તે માટે આગોતરી તૈયારી આરંભી દેવામાં આવી છે.કચ્છના ઈન્ચાર્જ સિવિલ સર્જન ડો. દામાણીએ જણાવ્યું કે, ગાંધીનગરના ઉચ્ચાધિકારીઓ સાથે શુક્રવારે વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં બીજી લહેરમાં જેટલી દવાઓનો ઉપયોગ થયો તેના કરતા બે ગણી દવાઓ માટેનો ઓર્ડર આપવામાં આવ્યો છે. આ માટેનું લીસ્ટ પણ સોંપી દેવામાં આવ્યું છે. જેમાં એન્ટી વાયલ સહિત ઓડ દવાઓનો બફર સ્ટોક તેમજ રેમડેસીવીર, એન્ટીબાયોટીકસ, ટીસીલી અને ઈન્ફોટેરિસીન-બી, એનોકસાફેટીન સહિતની દવા અને ઈન્જેકશનનો જથ્થો એકત્રીત કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. ત્રીજી લહેરમાં લોકોને દવા માટે હેરાન ન થવું પડે તે માટે કચ્છનું સિવિલ તંત્રે તૈયારી કરી લીધી છે. વધુમાં તેમણે કહ્યું કે, જી.કે.માં ઓક્સિજનના પાંચ યુનિટ ચાલુ છે. તો અંજાર, ગાંધીધામ સહિતના વિસ્તારોમાં પણ ઓક્સિજનની નવી સવલતો ઉભી થઈ ગઈ હોઈ જો ત્રીજી લહેર ત્રાટકે તો દર્દીઓને કોઈપણ પ્રકારની હાલાકી ભોગવવી ન પડે તે માટે આગોતરું આયોજન ગોઠવી દેવાયું છે.