કોરોનાના નામે પૈસા પડાવવાનો નવો પેંતરો… ગાંધીધામ બીએસએફના નામે રાજકોટમાં પેથોલોજિસ્ટ સાથે ઓનલાઈન છેતરપિંડી

જવાનોના કોરોના ટેસ્ટ કરાવવા છે તેવું કહી ઓનલાઇન પેમેન્ટના આગ્રહથી રૂપિયા સેરવાયા

ગાંધીધામ : હાલમાં કોરોના કાળમાં ઓનલાઈન ઠગાઈના કિસ્સાઓ વધ્યા છે, ત્યારે હવે ગાંધીધામ બીએસએફના નામે રાજકોટમાં પેથોલાજિસ્ટ સાથે ઠગાઈનો બનાવ બન્યો છે. દેશ વ્યાપી ષડયંત્ર બહાર આવતા ગુજરાત એસોસિયેશન ઓફ પેથોલોજિસ્ટસ એન્ડ માઇક્રોબાયોલોજીસ્ટસ દ્રારા આ અંગે રાજકોટ પોલીસમાં લેખિત ફરિયાદ કરવામાં આવી છે. કોરોનાના આ સમયમાં અમુક ભેજાબાજ તત્વો દ્રારા ગુજરાત સહિત અનેક  પેથોલોજિસ્ટ તબીબોને ફોન કરીને આર્મી હેડકવાર્ટરમાંથી વાત કરું છું, અમારા જવાનોના બ્લડ ટેસ્ટ કરવાના છે, પૈસા આર્મી ફંડમાંથી આવશે..તેમ કહી ટેલિફોનિક પૂછપરછ કર્યા બાદ લેબોરેટરીના સંચાલક કે તેના સ્ટાફ મેમ્બરના એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડી લેવામાં આવે છે. જુદા જુદા નંબર ઉપરથી પેથોલોજીસ્ટ તબીબો પર ફોન આવે છે, જેમાં અમારા ૧૫ થી ૨૦ જવાનોના સી આર પી,ડી ડાયમર,સીબીસી ટેસ્ટ કરવાના છે અને તેમાં અમને કેટલું ડિસ્કાઉન્ટ મળશે તે તમામ વાતચીત ફાઇનલ કરીને તમારો જે માણસ સેમ્પલ લેવા માટે આવવાનો છે તેનું આધારકાર્ડ મોકલો જેથી કેમ્પસમાં અમે તેમનો ગેટ પાસ કરાવી શકીએ. કોલર પોતાના ફોટા,કાર્ડ મોકલતા હોય છે બાદમાં ગુગલ પે અથવા તો અન્ય ઓનલાઈન એપ દ્વારા ફી ચુકાવવા નો આગ્રહ રાખી ને એકાઉન્ટ ચેક કરવા માટે પાંચ દસ રૂપિયાની પરસ્પર આપ–લે પણ કરાવે છે આ દરમ્યાન મોબાઈલ પર લિંક મોકલતા રહી ઝડપ રાખવાનું કહીને પાંચેક વખત લીંક કલીક કરાવી ઓકે કરાવતા રહીને પૈસા આપવાનું તો દૂર ઊલટાનું બેલેન્સ પણ બારોબાર ઉપાડી રહ્યા છે. સિનિયર પેથોલોજિસ્ટસ ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ  વાપરતા ન હોવાથી તે કોઈ સ્ટાફ મેમ્બર ને આ પ્રક્રિયા સોંપી દેતા હોય છે. ગાંધીધામમાં બીએસએફના નામે દોઢ લાખ રૂપિયા ઉપાડી લેવાયા છે. આવી જ રીતે ગુજરાત સહિત અલગ અલગ રાજયોમાં પણ તબીબો સાથે છેતરપિંડીના આવા કિસ્સાઓ બન્યા છે.