કોરોનાના દર્દીઓની માનવતાના મલમપટ્ટા સાથે નિઃશુલ્ક સારવાર કરતી મસ્કાની એંકરવાલા હોસ્પિટલ

ભુજ : સમગ્ર વિશ્વમાં જયારે કોરોના મહા બિમારીએ કહેર વર્તાવ્યો છે ત્યારે કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના મસ્કા મુકામે આવેલ એંકરવાલા જનરલ હોસ્પિટલ ખાત સરકાર, વહીવટીતંત્ર અને દાતાઓના સહકારથી ૧૫૦ બેડની નિઃશુલ્ક ઓકિસજન, વેન્ટીલેટર સાથેની વિનામૂલ્યેે કોવીડ હોસ્પિટલ કાર્યરત છે, જેમાં અત્યારે ૧૧૨ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. સંસ્થાના અધ્યક્ષ અને પૂર્વ રાજયમંત્રી તારાચંદભાઈ છેડાના માર્ગદર્શન હેઠળ ડોક્ટરો અને ૧૫થી વધુ નર્સ્િંાગ સ્ટાફ સાથે ૧૫૦ બેડની આ હોસ્પિટલ કોરોના દર્દીઓની સેવા માટે સમર્પિત છે. શ્રી છેડાએ જણાવ્યું હતું કે, હોસ્પિટલ ખાતે સેવા આપતા તબીબો ડૉ. કૌશિક શાહ અને ડૉ.મૃગેશ બારડના મેનેજમેન્ટ સાથે ડૉ. કુલદીપ વેલાણી, ડૉ. સન્ની રાજપુત, ડૉ. દીપ રાજપુત, ડૉ. કનકસિંહ મોરીની દેખરેખ હેઠળ ૫૮ જેટલા ઓક્સિજન બેડ, વેન્ટીલેટર અને બાયપેપ સાથેના ૯ બેડ અને જનરલ વોર્ડમાં ૪પ બેડ એમ કુલ્લ ૧૧૨ કોરોનાગ્રસ્ત દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. હોસ્પિટલના વ્યવસ્થાપન સંભાળતા સંસ્થાના ટ્રસ્ટી જીગરભાઈ છેડાએ જણાવ્યું હતું કે, અત્યારે કોરોના બિમારીના વધતા કેસને પહોંચી વળવા ઓકિસજન બેડની સંખ્યા વધારવાનું આયોજન પણ કરવામાં આવેલ છે તથા કોરોનાગ્રસ્ત દર્દીઓની નિઃશુલ્ક સારવાર માટે રાજય સરકાર, જિલ્લા કલેક્ટર પ્રવીણ ડી.કે., અધિક કલેકટર કુલદીપસિંહ ઝાલા, મુંદરા પ્રાંત શ્રી ચૌધરી, જિલ્લા આરોગ્ય અધિકારી ડો. માઢક, સિવીલ સર્જન ડૉ.બુચ, ડીઝાસ્ટર મામલતદાર શ્રી પ્રજાપતિ, માંડવી તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. પાસવાન, માંડવીના ઈન્ચાર્જ પીઆઈ શ્રી ગોહિલ, મસ્કા ગામના યુવા સરપંચ કીર્તીભાઈ ગોર તથા તેમની ટીમ તેમજ દાતાઓ પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી. આ અગાઉ એંકરવાલા જનરલ હોસ્પિટલ ખાતે ૬૦૦થી વધુ કોરોનાગ્રસ્ત દર્દીઓ નિઃશુલ્ક સારવાર લઈ કોરોના મુકત બન્યા હતા.