કોરોનાનાં વધતા કેસનાં કારણે હવે મધ્યપ્રદેશમાં પણ વીકેન્ડ લોકડાઉન

(જી.એન.એસ) ભોપાલ,શુક્રવારે સવારે ૬ થી સાંજનાં ૬ વાગ્યા સુધી મધ્યપ્રદેશનાં તમામ શહેરોમાં લોકડાઉન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યમાં કોરોનાનાં વધતા જતા કેસોને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય રાજ્યનાં શહેરી વિસ્તારોમાં જ લાગુ થશે.મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે, શુક્રવારે સાંજે ૬ થી સોમવારે સવારે ૬ વાગ્યા સુધી રાજ્યનાં તમામ શહેરોમાં લોકડાઉન રહેશે. આ સિવાય ભવિષ્યમાં કેટલીક વધુ કડક કાર્યવાહીનો અમલ પણ થઈ શકે છે. શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે, કટોકટી મેનેજમેન્ટ ગ્રુપની બેઠક બાદ અન્ય શહેરોની સરખામણીમાં કેસોની ગતિ વધારે છે તેવા શહેરો અંગે નિર્ણય લેવામાં આવશે. બુધવારે મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કોવિડ-૧૯ કેસમાં ઝડપી વધારાને કારણે ૮ એપ્રિલથી રાજ્યનાં તમામ શહેરી વિસ્તારોમાં નાઇટ કર્ફ્યુ લાગુ કરવાની ઘોષણા કરી છે. તેમણે એમ પણ કહ્યું કે, રાજ્યની તમામ સરકારી કચેરીઓ આગામી ત્રણ મહિનામાં અઠવાડિયાનાં માત્ર પાંચ દિવસ (સોમવારથી શુક્રવાર) કાર્યરત રહેશે. શિવરાજસિંહ ચૌહાણે ટિ્‌વટ કર્યું હતું, જેમાં લખ્યું છે કે, ‘કોવિડ-૧૯ નાં વધતા જતા સંક્રમણને રોકવા માટે આજે મીટિંગમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. રાજ્યની તમામ સરકારી કચેરીઓ અઠવાડિયાનાં ૫ દિવસ (સોમવારથી શુક્રવાર), આગામી ૩ મહિના માટે સવારે ૧૦ થી સાંજનાં ૬ વાગ્યા સુધી કાર્યરત રહેશે. તે શનિવાર-રવિવારે બંધ રહેશે.મધ્યપ્રદેશમાં બુધવારે કોરોના વાયરસનાં સંક્રમણનાં ૪,૦૪૩ નવા કેસ નોંધાયા છે અને તેની સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં વાયરસથી સંક્રમિત મળી આવેલા કુલ લોકોની સંખ્યા ૩,૧૮,૦૧૪ પર પહોંચી છે. રાજ્યનાં આરોગ્ય વિભાગનાં અધિકારીએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, આ રોગચાળાને કારણે છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૧૩ વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં મૃત્યુઆંક ૪,૦૮૬ પર પહોંચી ગયો છે. તેમણે કહ્યું કે, કોવિડ-૧૯ નાં ૮૬૬ નવા કેસ બુધવારે ઈન્દોરમાં આવ્યા હતા, જ્યારે ભોપાલમાં ૬૧૮ નવા કેસ નોંધાયા હતા.