કોરોનાકાળમાં કચ્છની જનતા વિફરે તે પહેલા નેતાઓ આવે લોકોની વહારે

કચ્છના નેતા જાગે : ઉદ્‌ઘાટનો ઘણા કર્યા પણ તેમનામાંથી કેટલા કામો ચાલુ છે ? તે તપાસો, નહીં તો પ્રજાનો આક્રોસનો ભોગ બનવાના દિવસો બહુ દુર નથી

કચ્છના પડોશી જિલ્લા પાટણમાં ભાજપ નેતાની વાયરલ ક્લિપથી અન્ય નેતાઓ બન્યા હતપ્રભ

હજુ કોરોનાની ત્રીજી લહેર આવવાની ચિંતા વૈજ્ઞાનિકોને કરી રહ્યા છે વ્યક્ત : બીજી લહેરે હંફાવી દીધા છે, ત્યારે વ્યવસ્થાઓ ઉભી કરવા નેતાઓ આવે આગળ

ભુજ : કોરોનાની બીજી લહેરને કારણે કચ્છમાં પરિસ્થિતિ વિકટ છે. એપ્રીલમાં તો બેડ અને ઓક્સિજન માટે રીતસરના વલખા મારવાનો વારો આવ્યો હતો. હાલ સ્થિતિ આંશિક સુધરી છે, તે દરમિયાન નેતાઓ વ્યવસ્થા ઉભી કરવા માઈક્રો પ્લાનિંગ કરે તે અનિવાર્યે છે. અન્યથા હવે કચ્છની જનતાનો સંયમ ખુટીને જો લોકો વિફરશે તો નેતાઓને ઘરમાં રહેવાનું ભારે પડી શકે છે.કચ્છ સહિત ગુજરાત અને દેશમાં સ્થિતિ કફોડી છે. કોરોનાની બીજી લહેરને કારણે લોકો અનેક પરેશાનીઓનો સામનો કરી રહ્યા છે. કોઈને બેડ નથી મળતું, બેડ મળે છે તો ઓક્સિજનના ફાંફા થાય છે, વેન્ટીલેટરની અછત છે. રેમડેસીવીર ઈન્જેકશન સમયસર નથી મળતા આવા અનેકવિધ પ્રશ્નોથી પ્રજા ત્રસ્ત છે. કોરોનાના રીપોર્ટ કરાવે છે તે એ પણ મોડા આવે છે, રેપીડ કીટ પૂરતી નથી હોતી, રસીકરણ મર્યાદિત થાય છે, રાત્રિ કફર્યું શહેરોમાં મિનિ લોકડાઉનના નિયંત્રણો વચ્ચે લોકો ત્રસ્ત બન્યા છે. ગુજરાતના અન્ય મથકોમાં જનતા વિફરી ચુકી છે. પાટણના સાંસદ પર ભાજપની એક મહિલા કાર્યકર ભડકી હતી જેનો પાંચેક મિનિટનો ઓડિયો ક્લીપ વાયરલ થઈ હતી. જેમાં મહિલાએ કહ્યું હતું કે, હવે એવો સમય આવી ગયો છે કે, લોકો આપણને દોડાવી દોડાવીને મારશે, તો થોડા સમય અગાઉ જ રાજયકક્ષાના આરોગ્ય મંત્રીએ કહેલું કે, લોકો હવે તેમને ફોન પર ગાળો આપી રહ્યાં છે. ગુજરાતમાં નેતાઓની આવી હાલત થઈ રહી છે ત્યારે તેમાંથી કચ્છના નેતાઓ બોધપાઠ લે તે જરૂરી છે. જિલ્લામાં ગણ્યા-ગાંઠ્યા નેતાઓ જ કોરોનાની બીજી લહેરમાં લોકો વચ્ચે રહ્યા છે અને તેમની વ્યથા સાંભળી છે ત્યારે અન્ય નેતાઓ બોધપાઠ લે તે જરૂરી છે, કેમ કે વૈજ્ઞાનિકોના મતે હજુ ત્રીજી લહેર પણ આવી શકે છેે. ભગવાન ન કરે એવું કાંઈ બને પરંતુ બીજી લહેર આટલી ખતરનાક છે અને જો ત્રીજી લહેર આવશે તો તે આનાથી પણ કપરી સાબિત સાબિત થશે. ત્યારે જો જનતા વિફરી તો નેતાઓના બુરે દિન આવી શકે છેે માટે હાલથી જ નેતાઓ ચૂંટણીની જેમ માઈક્રો પ્લાનિંગ કરીને વ્યવસ્થાઓ ઉભી કરે તે જરૂરી છે. જો પ્રજા રોષનો ભોગ ન બનવું હોય તો હવે નેતાઓ ખરા અર્થમાં કપરા સમયે કામ કરી દેખાડે બસ એવું જ જનતા ઈચ્છી રહી છે.