કોરાનાને હરાવવા યુવાનો રસી લેવાં ઉત્સુક : નાગોર સરપંચ

કોરાનાથી ગામડાને બચાવવાના રાજય સરકારના મહા જનઅભિયાનમાં કચ્છના ગામડાઓ પણ જોડાયા છે. ગ્રામજનોની ભાગીદારી અને ગ્રામ પંચાયતોના સહયોગથી ગ્રામજનો મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના પોતાના પરિવાર અને ગામની સુરક્ષા માટે સહયોગ આપોની ટહેલને જાણે ઝીલી અને જીવી બતાવી રહયા છે. કોરોના કોવીડ-૧૯ની બીજી લહેરમાં ભુજ તાલુકાના નાગોર ગામે તાજેતરમાં બાર કોવીડ સંક્રમિતો જાહેર થયા હતા. જેથી સરપંચશ્રી અરવિંદભાઇ રામજીભાઇ કતારીયાએ ગ્રામજનોની મદદ અંગે આરોગ્ય તંત્રની મદદથી તત્કાળ નાગોર પ્રાથમિક શાળામાં કોમ્યુનિટી કોવીડ કેર સેન્ટરમાં દસ બેડની સુવિધા ઉભી કરી દીધી હતી. હાલે તેમાં કોવીડના બે મહિલા અને ૩ પુરુષ દર્દી આઇસોલેટ છે. જયારે અન્ય સંક્રમિતો પોતાના ઘરે જેમની પાસે મોટા ઘર છે તેઓ હોમઆઈસોલેટ છે. આ કોમ્યુનિટી કેર સેન્ટરમાં રસોઈયા રસોઈ બનાવી આપે છે. કોવીડના દર્દીને ફળ, ચા-નાસ્તો જમવાનુ સરપંચશ્રી તરફથી અપાય છે. જયારે દાતાઓ દવા હાથ ગ્લોવઝ, પીપીઈ કીટ, ઓકસીમીટર અને કચ્છ વિકાસ ટ્રસ્ટના તબીબને ગામદાતાઓ તરફથી ૫૦ ટકા ફી આપી સારવાર માટે ઉપલબ્ધ કરાવાયા છે. ભુજ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમ ડો.ખુશ્બુબેન ભાનુશાળી સાથે નિયમિત સાંજે આવી દર્દીઓની તપાસ પૃચ્છા કરે છે. માધાપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નર્સ ઉર્મિલાબેન છાડ અને આશાવર્કર બહેનો પણ પોતાની ફબજ બજાવતી રહે છે. ૨૦મી મેથી મારૂ ગામ કોરોના મુકત ગામ અભિયાન હેઠળ ગ્રામજનો અને યુવાનોનો ભરપુર ટેકો રહયો છે. સેનિટાઈઝર, માસ્ક વિતરણ, દાતાઓ દ્વારા બનતી તમામ મદદ અને કોરોના રસીકરણનો ત્રીજો કેમ્પ પણ અમે હાલેજ પુરો કર્યો છે. ૬૦ વર્ષની મોટી અને ૪૫ વર્ષથી મોટી ઉંમરના લોકોનો બે ડોઝ રસી થઇ કુલે ૪૦૦ જણાએ રસી લીધી છે. જયારે ગામના યુવાનો કોરોનાને હરાવવાં ઉત્સુક છે. કોરોના વેકસીનેશન લેવા માટે તેઓ થનગની રહયા છે એમ સરપંચશ્રી અરવિંદભાઇ કહે છે. જયારે ગામના જ એક યુવાન પ્રવિણભાઇ સોરઠીયા કહે છે કોરાનાને હરાવવા અને સંક્રમણને રોકવા અમે યુવાઓ પણ રસી લઇ પોતાનું યોગદાન આપવા માંગીએ છીએ. જયારે ડો.ખુશ્બુબેન ભાનુશાળી જણાવે છે કે, અહીં ગામમાં આર્યુવેદિક ઉકાળા, માસ્ક અને સેનેટાઈઝર વિતરણ કરાયા છે. કોવીડ વેકસીન માટે લોકોનો ઉત્સાહ પ્રશસંનીય છે. કોમ્યુનિટી કોવીડ કેર સેન્ટર અને હોમ આઈસોલેશન દર્દીઓ માટેની ગામે કરેલી વ્યવસ્થાઓ પણ નોંધનીય છે. સરપંચ પોતે ઘેર ઘેર ફરી કોવીડ-૧૯માં સાવચેતી અને સલામતી માટે જનજાગૃતિ ફેલાવી રહયા છે. જેમાં ગામના જાગૃત નાગરિકો પણ સાથે હોય છે. તેઓ ઈચ્છે છે કે, તમામ સંક્રમિત, કોમ્યુનિટી કેર સેન્ટરમાં સારવાર હેઠળ રહે પરંતુ ઘણા લોકો ઘરે જ સારવાર લેવાનું પસંદ કરે છે. જે યોગ્ય નથી હું કહું છું ચિંતા ના કરો તમારા પરિવારની સલામતી માટે અલગ રહો. દરેક વ્યકિતએ સરકારની કોવીડ-૧૯ ગાઇડલાઇનનું પાલન કરવું જોઇએ. જે મારા ગ્રામજનો પણ માને છે એમ તેઓ વધુમાં જણાવે છે.