કોમ્પ્યુટર યુગમાં લેપટોપ બન્યો ભૂતકાળ, મોબાઈલ એપમાં ખેલાય છે કરોડોના દાવકચ્છમાં આઈપીએલ ક્રિકેટ સટ્ટાની ધૂમ

એપથી ક્રિકેટ સટ્ટો રમાતો હોવાથી કચ્છ જિલ્લાનાં ૧૦૦થી વધુ બુકીઓ બજારમાં : પોલીસના ઉચ્ચાધિકારીઓની લાલઆંખ હોઈ કચ્છના બુકીઓની મોરબી-રાજકોટના ચક્કર

કોઈપણ સ્થળેથી એક જ મોબાઈલથી ક્રિકેટ સટ્ટો રમાતો હોવાથી બુકીઓ ગેલમાં : પોલીસના નામીચા કર્મચારીઓને પણ ઠેંગો બતાવતા ધૂઆંપૂઆં

ભુજના જ્યુબીલીના રઝાકે કેટલાકના ખેલ પાડી દીધા : રઝાકના મોઢે એક જ વાત છે પોલીસને હપ્તા આપ્યા પછી શેની ચિંતા?

 

મોબાઈલ એપમાં કેવી રીતે રમાય છે સટ્ટો? જાણીએ
આંગડિયા પેઢી મહત્વની ભૂમિકા ભજવે છે
એપની લીન્ક ખુલતાં જ તેમાં મેચ અને ટીમો પ્રમાણે ભાવ આપવામાં આવેલા હોય છે. જે ટીમ ગમે તેનાં પર ક્લીક કરતાંની સાથે જ જે રકમનો સોદો કરવો હોય તે રકમનો કોઠો તૈયાર હોય છે. ૫ હજાર, ૧૦ હજાર, ૨૦ હજાર જેવી રકમનાં કોઠા પર ક્લીક કર્યા બાદ પ્લેસ બેટ્‌સ લખેલું હોય તેનાં પર ક્લીક કરવાથી સોદો કન્ફર્મ થઈ જાય છે. જો તમે સટ્ટામાં જીતી જાવ તો જે તે શહેરનાં બુકીઓ બીજા દિવસે રોકડમાં વલણ આપી દે છે. જ્યારે મોટા સોદાઓમાં આંગડીયામાં હવાલો પાડી દેવામાં આવે છે. આઈપીએલની મેચ પર સટ્ટો રમતાં દરેક પંટરોનાં મોબાઈલમાં અત્યારે બેટ ફોર ફન, ડાયમન્ડ, મલ્ટી, બી ફોર બ્રો, બેટ નાઈન અને મારૂતિ એક્સચેન્જ જેની એપ જોવા મળી રહી છે.

 

સેશનમાં કેવી રીતે ભાવ મળે છે ?
ક્રિકેટ સટ્ટાની એપમાં મેચ અગાઉથી જ ભાવ આપી દેવામાં આવે છે. જેમાં જે તે ટીમની મજબૂતાઈ પ્રમાણેનાં ભાવ આપવામાં આવે છે. જેમાં ૬ ઓવરનું પ્રથમ સેશન, ૧૦ ઓવરનું બીજું સેશન, ૧૫ ઓવરનું ત્રીજું સેશન અને ૨૦ ઓવરની લંબી એટલે કે લંબી સેશન કહેવામાં આવે છે.

 

કેવી રીતે મેળવાય છે એપ ?
કોઈપણ ગ્રાહક ક્રિકેટ સટ્ટો રમવા માટે બુકીનો સંપર્ક કરે છે. બુકી ગ્રાહકને એપની લીન્ક મોકલી આપે છે.આ લીન્કમાં તે પાસવર્ડ તેમજ ગ્રાહકને કહે તે પ્રમાણેની ક્રેડીટ આપે છે. ગ્રાહકનાં આધારે ૫૦ હજારથી લઈને કરોડો રૂપિયાની ક્રેડીટ આપવામાં આવે છે. આ ક્રેડીટનાં આધારે ગ્રાહક એપ પર ભાવ મેળવીને ક્રિકેટ સટ્ટો રમી લે છે.

 

મોબાઈલ એપ શરૂ થતાં પોલીસના નામીચા કર્મચારીઓને ઠેંગો
કચ્છમાં વરિષ્ઠ કડક અધિકારીઓ આવવાના કારણે ક્રિકેટ સટ્ટોડિયા અને બુકીઓ પોતાનો ખેલ પાડવા અન્યત્ર પગ કરી ગયા છે. જો કે, અગાઉનાં વર્ષોમાં બુકીઓને ક્રિકેટ સટ્ટો રમાડવા માટે પોલીસને મોટો હપ્તો આપવો પડતો હતો. હપ્તો મળતો હોવાના કારણે પોલીસ પણ બુકીઓને સાચવતી હતી. પરંતુ મોબાઈલમાં એપ શરૂ થતાં બુકી એક જ મોબાઈલ લઈને સટ્ટો રમાડતો થતાં ધીમે ધીમે હપ્તો બંધ થવા લાગ્યો છે. કચ્છમાં ક્રિકેટ રમાડતા જૂના જોગીઓ પોલીસના નામીચા કર્મચારીઓને પણ ઠેંગો બતાવતા લાલચોળ થઈ ગયા છે. આ બુકીઓ પર વોચ ગોઠવ્યા છતાં બિન્દાસ પોતાનો ખેલ પાડી રહ્યા છે. અમુક જણ તો કચ્છ બહાર વેકેશન ટુર મનાવી આઈપીએલની મજા માણી રહ્યા છે.

 

બુકી જોડે માસ્ટર આઈડી હોય છે
મોટા ગજાનો બુકી કોમ્પ્યુટર નિષ્ણાંતો પાસે એપ બનાવીને તેની માસ્ટર આઈડી રાખી નાના બુકીઓને એપ આપે છે. નાના બુકી મોટા બુકી પાસેથી એપની આઈડી મેળવી પંટરો પાસેથી
ડીપોઝીટ મેળવી ક્રેડીટ આપે છે. જેમાં એપ મેળવનાર બુકીને સેશનમાં ૩ ટકા અને એપમાં એક ટકો કમીશન મળે છે.

 

કચ્છ જિલ્લામાં ૧૦૦ કરોડથી વધુનો સટ્ટો ખેલાશે
જિલ્લામાં ૫૦ જેટલાં મુખ્ય અને નાના મોટા થઈને ૧૦૦ જેટલાં બુકીઓ ક્રિકેટ સટ્ટો રમાડે છે. આ તમામ બુકીઓ આઈપીએલની મેચો દરમિયાન એપ દ્વારા દરરોજ કરોડો રૂપિયાનો સટ્ટો રમાડે છે. તેથી દોઢ મહિના સમયગાળામાં અંદાજે ૧૦૦ કરોડ કરતાં પણ વધારે રૂપિયાનો સટ્ટો ખેલાય તેવી શક્યતા છે.

 

 

ભુજ : હાલમાં ક્રિકેટનો આઈપીએલ ફીવર સર્વત્ર છવાયો છે. આઈપીએલ ક્રિકેટ શરૂ થાય તે પહેલા જ સટ્ટોડિયા પોતાના ચોગઠા ગોઠવી લેતા હોય છે. હાલ આધુનિક યુગમાં બુકીઓને તો જલ્સા જ થઈ ગયા છે. આઈપીએલનો ખેલ પાડવા કચ્છના ૧૦૦થી વધુ બુકીઓ પોતાના સટ્ટોડિયા સાથે લીંકઅપ થઈ ગયા છે. બુકીઓ કોમ્પ્યુટર યુગમાં લેપટોપને બાયબાય કરી મોબાઈલ એપ પર કરોડોના ખેલ ખેલી રહ્યા છે. નવા એપના કારણે હાલ કચ્છમાં આઈપીએલ ક્રિકેટનો કરોડો જુગાર ખેલાઈ રહ્યો છે. ઉચ્ચાધિકારીઓની કડકાઈના કારણે કચ્છના બુકીઓ મોરબી – રાજકોટના ચક્કર ખાઈ રહ્યા છે. તો અમુક બુકીઓ પોલીસના જુનાજોગીઓને નવી એપના કારણે ઠેંગો બતાવી દેતા નામીચા કર્મચારીઓ લાલચોળ થઈ ગયા છે. ભુજના પ્રમુખ સ્વામીનગરમાંથી સુમિત કૈલાસ ઠક્કરને આઈપીએલનો સટ્ટો રમતા પકડીને પોલીસે બોણી તો કરી છે પણ આ તો માત્ર પાશેરામાં પુણી સમાન જ છે. ક્રિકેટનો સટ્ટો રમનારા ખેલીઓ જાહેરમાં દેખાય છે પણ પોલીસની નજરથી દૂર લાગી રહ્યા છે. હાલમાં એ ડીવીઝન પી.આઈ. તરીકે કડક અધિકારીની છાપ ધરાવતા એમ. જે. જલુએ કાર્યભાર સંભાળ્યા બાદ ભૂગર્ભમાં ઉતરી જનાર સટ્ટોડિયાઓ ફરી વરસાદી મેંડકની જેમ દેખાવા લાગ્યા છે.
આઈપીએલની ક્રિકેટ મેચો શરૂ થતાની સાથે જ જિલ્લામાં ક્રિકેટ સટ્ટો રમવાની શરૂઆત થઈ છે. દર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે બુકીઓ અને પંટરો ક્રિકેટ સટ્ટો રમવા મામલે વધારે સલામત થઈ ગયા છે. અગાઉનાં બુકીને કોઈ અજાણ્યા સ્થળે લેપટોપ તેમજ ટીવીની સાથે ૨૦ કરતાં વધારે મોબાઈલની લાઈનો ગોઠવીને બોબડી તેમજ કટીંગ લાઈનોનાં આધારે ક્રિકેટ સટ્ટો રમાડવો પડતો હતો. પરંતુ ચાલુ વર્ષે ક્રિકેટ સટ્ટાનાં ભાવ લેતી મોબાઈલ એપ આવી જતાં બુકીઓ તેમજ પંટરો બિન્દાસપણે ક્રિકેટ સટ્ટો ખેલી રહ્યાં છે.
કોઈપણ ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ થાય ત્યારે ક્રિકેટ મેચ દરમિયાન પોલીસ દ્વારા ક્રિકેટ સટ્ટો રમતાં ઝડપાવાનાં અનેક સમાચારો જોવા અને વાંચવા મળતા હતા. પરંતુ ચાલુ વર્ષે આઈપીએલની ક્રિકેટ ટુર્નામન્ટ શરૂ થયાને અઠવાડિયો વિત્યા છતાં પોલીસ દ્વારા માત્ર ભુજના પ્રમુખસ્વામીનગરમાં સુમિત ઠક્કરને પકડીને કામગીરીનો ઓડકાર ખાધો છે. પરંતુ આ સિવાય જિલ્લામાં કયાંય ક્રિકેટ સટ્ટો રમતાં કે રમાડતાં લોકોને ઝડપવાની એકપણ ફરીયાદ થઈ નથી. તેનું કારણ છે કે લોકો હવે મોબાઈલ એપનાં આધારે ક્રિકેટ સટ્ટો ખેલતાં થઈ ગયા છે. બુકીઓ જોડેથી લીન્ક તેમજ પાસવર્ડ મેળવીને પંટરો હવે પોતાનાં મોબાઈલમાં બિન્દાસ્તપણે ક્રિકેટ સટ્ટો રમી રહ્યાં છે.એન્ડ્રોઈડ મોબાઈલનાં પ્લે સ્ટોરમાંથી એપ ડાઉનલોડ કરી, બુકી પાસેથી લીન્ક મેળવી, બુકી પાસેથી ક્રેડીટ મેળવીને હવે પંટરો ગમે તે સ્થળેથી સલામત રીતે ક્રિકેટ સટ્ટો રમી રહ્યાં છે. ક્રિકેટ સટ્ટો રમાડતી એપ દુબઈથી ઓપરેટ થતી હોવાના કારણે સ્થાનીક પોલીસ પણ નિસહાય બની ગઈ છે.
જો કે ક્રિકેટ સટ્ટાનાં દૂષણને ડામવાનાં બદલે પોલીસના નામીચા કર્મચારીઓને સટ્ટાનો હપ્તો ખોવાનો વારો આવતાં ધૂઆં પૂઆં થઈ ગયા છે.