કોડાયમાં માતાના મોતનો વિયોગ સહન ન થતાં પુત્રનો આપઘાત

માંડવી : તાલુકાના કોડાય ગામે મહાવીરનગરમાં રહેતા તરૂણે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. પોલીસ સુત્રોમાંથી મળી વિગતો મુજબ કોડાય ગામે મહાવીરનગરમાં રહેતા ભીમશી મણિલાલ જોષી (ઉ.વ. ૧૭) જે માનસિક રીતે સંતુલન જાળવતો ન હોઈ અને તેની માતા મરણ ગયેલ હોઈ તથા પિતા ઘરે હાજર ન હોવાના કારણે ગત રાત્રીના ત્રણેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. બનાવ અંગે બાબા વાડી માંડવી રહેતા મુકેશભાઈ હંસરાજભાઈ જોષીએ માંડવી પોલીસને જાણ કરતાં પોલીસે સીઆરપીસી કલમ ૧૭૪ મુજબ અકસ્માત મોતનો બનાવ દર્જ કરી યશવંતદાન ગઢવીએ તપાસ હાથ ધરેલાનું પીએસઓ ભુરાભાઈ વલવાઈએ જણાવ્યું હતું. તરૂણના આત્મઘાતી પગલાથી પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.