કોઠારામાં શંકાસ્પદ બિયારણનું વેચાણ થતું હોવાના પગલે તંત્ર હરકતમાં

ચાર દુકાનોમાં ખેતીવાડી ખાતાની ટીમોએ ચકાસણી કરી ત્રણ સેમ્પલો મેળવ્યા : અગાઉ પણ કચ્છમાં અનેક વખત ઝડપાઈ ચુક્યું છે બોગસ બિયારણ : ફરી તંત્રની ટીમ હરકતમાં આવતા કાળાબજારીઓમાં ફફડાટ : ખેતીવાડી ખાતાની ટીમો દ્વારા બિયારણ વિક્રેતાઓ પર હાથ ધરાઈ તપાસ

કોઠારા : અબડાસા તાલુકાના કોઠારામાં શંકાસ્પદ બિયારણનું વેંચાણ થતું હોવાનું ધ્યાને આવતા ખેતીવાડી ખાતાના અધિકારીઓની ટીમ સ્થાનીકે દોડી ગઈ હતી અને શંકાસ્પદ બિયારણ મામલે તપાસ આદરી છે, તેવામાં બિયારણમાં ઘાલમેલ અને કાળાબજારી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

જગતનો તાત એક તરફ કમોસમી વરસાદ, વાવાઝોડા સહિતની કુદરતી આફતોનો સામનો કરી રહ્યો છે તો ખેડૂતોને તેમની ઉપજનું પુરતું વળતર પણ મળતું નથી, તેવામાં બજારમાં ઘૂસાડવામાં આવતા નકલી બિયારણોને પગલે જગતના તાતને કૃત્રિમ ફટકો પડી રહ્યો છે. અગાઉ અનેક વખત કચ્છમાં નકલી બિયારણોનો પર્દાફાશ થઈ ચુકયો છે, તેવામાં અબડાસા તાલુકામાં ખેતી માટે પ્રખ્યાત એવા કોઠારા પંથકમાં શંકાસ્પદ બિયારણનું વેંચાણ થતું હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આ અંગે ખેતીવાડી ખાતાના અધિકારી શ્રી મેણાંતનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, કોઠારામાં શંકાસ્પદ બિયારણોનું ગેરકાયદેસર રીતે વેંચાણ થતું હોવાનું ધ્યાને આવતા ખેતીવાડી ખાતાના ઈન્સ્પેકટર બિપીન પટેલ સહિતની ટીમોને સ્થળ તપાસ માટે મોકલાઈ છે. કોઠારામાં જુદા જુદા બિયારણ વિક્રેતાને ત્યાં ખેતીવાડી ખાતાની ટીમો દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરાઈ છે.

ખેતીવાડી અધિકારી શ્રી મેણાતના જણાવ્યા પ્રમાણે કોઠારામાં ૪ દુકાનોમાં તંત્રની ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ર બિયારણના અને એક ખાતરનું સેમ્પલ લેવામાં આવ્યું છે. આ ચકાસણીમાં લેવાયેલા કુલ સેમ્પલ લેબોરેટરી તપાસ અર્થે મોકલવામાં આવશે. જેના રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું તેમણે ઉમેર્યું હતું. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ અનેકવખત કચ્છમાં લેભાગુ તત્ત્વો દ્વારા નકલી બિયારણો ખેડૂતોને પધરાવીને તેઓને રાતા પાણીએ રોવડાવ્યા છે, ત્યારે કચ્છભરમાં ચાલતી આવી ગેરકાયદેસર પ્રવૃતિ પર અંકુશ લગાવવા માટે ખેતીવાડી ખાતા દ્વારા બિયારણોના સેમ્પલો લઈને સઘન તપાસ કરવામાં આવે તો કચ્છમાં બોગસ બિયારણના મોટા ભોપાળા સામે આવે તેમ જાણકાર વર્ગ કઈ રહ્યો છે.