કોઠારામાં યુવાનની આત્મહત્યા

ઘરની આડી સાથે સાડી બાંધી ફાંસી લગાવી લીધીઃ પરિવારજનોમાં ગમગીનીઃ અસ્થિર મગજના કારણે આપઘાત કર્યાનું ખુલ્યું

 

નલિયા : અબડાસા તાલુકાના કોઠારા ગામે રહેતા યુવાને ફાંસો ખાઈ ફાની દુનિયાને અલવિદા કરી દેતા પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.
કોઠારા પોલીસ મથકના પ્રવકતા કાનજીભાઈ ગઢવીએ વિગતો આપતા જણાવેલ કે આત્મહત્યાનો બનાવ ગતરાત્રીના સાડા નવ વાગ્યાના અરસામાં બનવા પામ્યો હતો. માનપુરા વિસ્તારમાં રહેતા મયુરભાઈ શિવજીભાઈ પરગડુ (ઉ.વ.૧૯)એ પોતાના ઘરે લાકડાની આડી સાથે સાડી બાંધી ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. બનાવ અંગેની જાણ હતભાગીના પિતરાઈ ભાઈ જીતેન્દ્ર દેવજીભાઈ પરગડુએ પોલીસને કરતા સીઆરપીસી કલમ ૧૭૪ હેઠળ અકસ્માત મોતનો બનાવ દર્જ કરી તપાસ હાથ ધરી હતી. આ બાબતે તપાસનીશ હેડ કોન્સટેબલ ધર્મેન્દ્રસિંહનો સંપર્ક સાધતા પરિવારજનોની પૂછપરછમાં નાનપણથી જ અસ્થિર મગજનો હતો વાતવાતમાં મન ઉપર લઈ લેતો અને ધુની મગજનો હતો. મગજની અસ્થિરતાના કારણે આત્મહત્યા કરી લીધાનું પરિવારજનોની પૂછતાછમાં સપાટી ઉપર આવેલ હોવાનું જણાવ્યું હતું. હતભાગીના આત્મઘાતીથી પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.