કોઠારામાં મહિલાના બેંક ખાતામાંથી પ૦ હજારની ઓનલાઈન ઠગાઈ

નલિયા : અબડાસા તાલુકાના કોઠારા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતી મહિલાના બેંક ખાતામાંથી પ૦ હજાર ઉપાડી લેતા અજાણ્યા શખ્સ સામે કાર્યવાહી થવા પોલીસને જાણ કરાઈ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ કોઠારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતા પારૂલબેન એસ. બારીયાને ગત તા.૯-૯-૧૭ના તેમના મોબાઈલ ફોન ઉપર ફોન આવેલ અને ફોન કરનાર વ્યકિતએ જણાવેલ કે હું એસબીઆઈ અમદાવાદ શાખામાંથી દિપક શર્મા બોલું છું તમારા એટીએમ કાર્ડના નંબર અન્ય વ્યકિતના નંબર સાથે મેચ થઈ જતા તેમજ તમારો એટીએમ કાર્ડ જુના થઈ જતા કાર્ડ લોક કરી નાખવામાં આવ્યો છે હવે પછી મને મેસેજ આવશે તેમાં ઓટીપી નંબર આવશે એ નંબર મને લખાવજા તમારૂ એટીએમ કાર્ડ ફરીથી શરૂ થઈ જશે જેથી પારૂલબેને ઓટીપી નંબર અજાણ્યા ભાઈને લખાવી દેતા એકજ દિવસમાં તેમના એસબીઆઈ નલિયાના બેંક એકાઉન્ટમાંથી ચાર વખત પ૦ હજાર રૂપિયાનો ઉપાડ કરી ઓનલાઈન ઠગાઈ કરી હતી. આ બાબતે કોઠારા પોલીસને જાણ કરતા પીએસઆઈ ડી.એન. પટેલે અરજદારની અરજીની તપાસ થવા માટે ભુજ સાયબર બ્રાન્ચમાં મોકલી આપેલાનું પોલીસે જણાવ્યું હતું.