કોઠારામાં પુરવઠાના ઘઉં ખરીદ કેન્દ્રમાં માંડ પ૦ ટકા ખરીદી

ગોકળગતિએ ચાલી રહેલી કામગીરીના લીધે ખુલ્લા બજારમાં ખેડુતોને પાક મગફળીની માફક વેંચવો પડે તેવી સ્થિતિ હોવાનો માજી ધારાસભ્યનો આક્ષેપ

નલીયા : કોઠારા ખાતે પુરવઠા ખાતા દ્વારા ૧પ માર્ચથી ટેકાના ભાવે ઘઉં ખરીદ કેન્દ્ર ચાલુ કરવામાં આવેલ છે પરંતુ ગોકળગાયની ગતિએ ચાલતી કામગીરીના લીધે ખેડુતોને મગફળીની માફક ખુલ્લા બજારમાં પાક વેંચવો પડે તેવી સ્થિતિ સર્જાઈ હોવાનો માજી ધારાસભ્ય ઈબ્રાહીમભાઈ મંધરાએ આક્ષેપ કર્યો હતો.
માજી ધારાસભ્ય ઈબ્રાહીમભાઈ મંધરાએ જાણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા અબડાસાના ખેડુતોના ઘઉંનો પાક લેવા માટે ગત તા.૧પ માર્ચથી કોઠારા ખાતે ઘઉં ખરીદ કેન્દ્ર ચાલુ કરવામાં આવેલ હતું.હાલ કોઠારા ખાતે કામગીર ગોકળગતિએ ચાલી રહી છે.
છેલ્લી તારીખ નજીક છે છતા માંડ રજીસ્ટ્રેશન થયેલ પ૦ ટકા ખેડુતોના ઘઉંની જ કોઠારા ખાતે ખરીદી શક્ય બની છે.જેના લીધે અંતિમ તારીખ સુધી નોંધાયેલા ખેડુતોનો પાક લેવાશે કે કેમ ? તે પણ એક સવાલ છે.ઉપરાંત હાલ માલનો ખડકલો કોઠારા ખાતે થઈ ગયો છે, પણ ગાંધીધામ માલ પરિવહન થતો નથી અને કોન્ટ્રાક્ટર માલ ઉપાડતા ન હોઈ સંગ્રહ કરવા માટે પણ તકલીફ ઉભી થતી હોઈ વધુ માલ લેવમાં પણ પુરવઠા ખાતાને હાલ તકલીફ થતી હોઈ કોઠારા કેન્દ્રમાં ઝડપી કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ શ્રી મંધરાએ કરી છે.
જો ઝડપી કામગીરી નહીં કરાય તો મગફળીની માફક ઘઉંમાં પણ અબડાસાના ખેડુતોને ખુલ્લા બજારમાં નીચા ભાવે પાક ખાનગી વેપારીઓને ખોટ ખાઈને વહેંચવો પડે તેવી હાલત થશે તેવો આક્ષેપ ઈબ્રાહીમભાઈ મંધરાએ
કર્યો હતો.