કોઠારામાં ટ્રાફિકને અડચણરૂપ લારી ગલ્લાવાળા ઉપર પોલીસે બોલાવ્યો સપાટો

આઠ લારી ગલ્લા વિરૂદ્ધ કરી દંડનીય કાર્યવાહી : ગેરકાયદેસર તમાકુનું વેચાણ કરતા ચાર દુકાનદારોને અપાયા મેમા

 

નલિયા : અબડાસા તાલુકાના કોઠારા ગામના બસ સ્ટેશન પાસે મનફાવે તેમ આડેધડ લારી ગલ્લા પાર્ક કરી ટ્રાફિકને અડચણ રૂપ થતા માલિકો સામે પોલીસે લાલ આંખ કરી હતી. પોલીસની કામગીરીથી કોઠારા બસ સ્ટેશનને ખુલ્લું કરી દેવાયું હતું.પ્રાપ્ત વિગતો મુજબ પશ્ચિમ કચ્છ એસપી એમ.એસ. ભરાડાના માર્ગદર્શન હેઠળ કોઠારાના પીએસઆઈ પી.કે. નાઈ તથા સ્ટાફે કોઠારા બસ સ્ટેશન વિસ્તારમાં લાલ આંખ કરી હતી. કોઠારા બસ સ્ટેશનની આજુબાજુમાં આવેલ જગ્યાઓએ લારી તથા ગલ્લાવાળાઓએ પોતાના અંગત સ્વાર્થ ખાતર અને વેપાર કરવાના આશયથી મનફાવે તેમ પોતાની મનસ્વી રીતે લારી ગલ્લા મુકતા જાહેર જનતાને તેમજ આવતા જતા વાહન ચાલકોને અડચણરૂપ થતા આજરોજ અમો પી.કે. નાઈ પીએસઆઈ કોઠારા તેમજ સ્ટાફના માણસોએ ઝુંબેશ રાખતા કુલ્લ ૮ લારી-ગલ્લાવાળા વિરૂદ્ધ જીપીએકટ કલમ ૧૦ર મુજબ એનસી મેમા આપવામાં આવેલ છે અને તેમને દંડકીય કાર્યવાહી થવા સારૂ આપવામાં આવેલ એનસી મેમા નામદાર નલિયા કોર્ટમાં મોકલવા તજવીજ કરવામાં આવેલ છે તેમજ તાજેતરમાં એસપી એમ.એસ. ભરાડા પશ્ચિમ કચ્છ ભુજના કચેરીના હુકમ આધારે કોઠારા ટાઉનમાં આવેલ પાન ગલ્લાવાળાઓ પોતાની દુકાનમાં આમપ્રજાના સ્વસ્થને હાનિકારક થાય અને તમાકુનું સેવન કરવાથી કેન્સર પણ થઈ શકે છે તેવું જાણતા હોવા છતા પોતાની માલિકીની દુકાનમાં પોતાના અંગત સ્વાર્થ અને કમાણી કરવાના આશયથી ખાવાની તમાકુનું વેચાણ કરવા સારૂ મોટા પ્રમાણમાં જથ્થો રાખતા ઠક્કર મહેન્દ્રભાઈ ટોકરશી (રહે. કોઠારા), સોતા અસગર અલી કાસમ (રહે. કોઠારા), દિલીપસિંહ ખાનુભા જાડેજા (રહે. વાકું), કિશોર મીઠુભાઈ આમર (રહે. કોઠારા) ઈસમો વિરૂદ્ધ તમાકુ નિયંત્રણ ધારા અધિનિયમ ર૦૦૩ અર્થે કાર્યવાહી એનસી મેમા આપવામાં આવેલ છે અને હવે પછી વેચાણ નહી કરવા સારૂ રૂબરૂમાં વોનીંગ પણ આપવામાં આવેલ.