કોઠારામાં ખાદી કેન્દ્રના વિકાસમાં કચાશ નહીં રખાય : ગિરીરાજસિંહ

કોઠારા ખાતેના વર્કશેડનું ભારત સરકારના સુક્ષ્મ લઘુ અને મધ્યમ સાહસના રાજ્યમંત્રીએ કર્યું ઉદ્દઘાટન :  ભારત સરકારના ખાદી અને ગ્રામ ઉદ્યોગ આયોગના અધ્યક્ષ વિનયકુમાર સકસેના રહ્યા ઉપસ્થિત

 

નલિયા : ગુજરાત એ ગાંધીની જન્મભૂમિ છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ ગુજરાત જયારે કર્મભૂમિ તરીકે બિહાર રહ્યું હતું. મહાત્મા ગાંધીએ ખાદીને પ્રોત્સાહન આપવા જીવનભર પ્રયત્નો કર્યા હતા. ત્યારે કોઠારામાં પણ ખાદી કેન્દ્રના વિકાસમાં કોઈ કચાસ નહીં રખાય તેવું ભારત સરકારના સુક્ષ્મ લઘુ અને મધ્યમ સાહસના રાજ્યમંત્રી ગિરિરાજસિંહે જણાવ્યું હતું.
કોઠારા ખાતે પશ્ચિમ કચ્છ ગ્રામ ઉદ્યોગ સંઘ પ્રયોજીત કેઆરડીપી યોજના અંતર્ગત નિર્માણ પામેલ વર્કશેડનું ઉદ્દઘાટન કરતા કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદીના વિકાસ મંત્રને વર્તમાને દેશના તમામ રાજ્યોએ સ્વીકાર્યો છે. નરેન્દ્રભાઈ મોદીની દિર્ઘદ્રષ્ટિના લીધે ગુજરાતમાં ફુંકાયેલ વિકાસની આંધી વર્તમાને પણ અવિરત જારી છે. સરહદી એવા કચ્છ જિલ્લા પ્રત્યે નરેન્દ્રભાઈ મોદીના અપાર પ્રેમના લીધે વર્તમાને આ છેવાડાનો જિલ્લો ઔધોગીક તેમજ પ્રવાસન ક્ષેત્રના હબ તરીકે વિકસી આવ્યો છે. અને વૈશ્વિક નકશે પણ આ જિલ્લો ઉભરી આવ્યો છે. વધુમાં તેમણે જણાવ્યું હતુ કે, કોઠારા ખાતેના ખાદી કેન્દ્રમાં ૧રથી ૧૬ કાઉન્ટના મશીનની સગવડ સાથો સાથ બેંક લોનની સુવિધા પણ વિકસાવાશે. મહિલાઓ ઘર બેઠા કમાઈ શકે તેવી રીતે કેન્દ્રને વિકસાવાની નેમ પણ તેમણે વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતુ કે, નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદે આરૂઢ થયા ત્યારે દેશનું વિદેશી ભંડોળ ર૯૦ મિલિયન ડોલર હતું જે વર્તમાને વધીનુ ૪૦ર મિલિયન ડોલર પર પહોચ્યું છે. તો કોંગ્રેસને આડે હાથે લઈ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા તેમણે જણાવ્યું કે, રાહુલ ગાંધીને અનુભવ ન હોઈ વાસ્તવિકતાની તેઓને ખબર નથી. કોંગ્રેસના રાજમાં માત્રને માત્ર ભ્રષ્ટાચાર જ થયો છે. જયારે ભાજપ સરકારમાં ચોતરફા વિકાસ વિકાસ જ જાવા મળી રહ્યો છે.
ભારત સરકારના ખાદી અને ગ્રામોધોગ આયોગના અધ્યક્ષ વિનયકુમાર સકસેનાએ જણાવ્યું હતુ કે, કેઆરડીપી દ્વારા ૭૬ લાખની રકમ મંજૂર કરાઈ છે. જેમાંથી પ૦ લાખ ફાળવી પણ દેવાયા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે કે, ખાદીના માધ્યમથી ગામડાઓમાં રોજગારી વધે જે વર્તમાને પૂર્ણ થયું છે. કાર્યક્રમના પ્રારંભે મહાત્મા ગાંધીની છબીને પુષ્પાંજલિ અર્પી વંદન કરાયું હતું. શાબ્દિક સ્વાગત નારણભાઈ પાતરિયાએ કર્યું હતું. કેન્દ્રીય મંત્રી ગિરીરાજસિંહનું સન્માન સંસ્થાના પ્રમુખ ચૂનીભાઈએ કર્યું હતું.
આ વેળાએ તાલુકા પંચાયત પ્રમુખ ઉષાબા જાડેજા, જિલ્લા પંચાયત સદ્દસ્ય ભાવનાબા જાડેજા, પ્રાંત અધિકારી શ્રી ઝાલા, મહેશોજી સોઢા, તાલુકા ભાજપ પ્રમુખ ઉમરશી ભાનુશાલી, મામલતદાર શ્રી પૂજારા, ક્ષત્રિય અગ્રણી છત્રસિંહ જાડેજા, હકુમતસિંહ જુવાનસિંહ જાડેજા, પરેશસિંહ બનુભા જાડેજા, અરજણભાઈ, હાલેમામદ મંધરા, અલાના ભંગર, મહેશ ભાનુશાલી, વાડીલાલ પોકાર, ચેતન રાવલ, વિક્રમસિંહ જાડેજા (કોઠારા), ભરતસિંહ (નલિયા), પ્રાણજીવન ઠક્કર, પૃથ્વીરાજસિંહ જાડેજા, સુમરાબેન રાવલ, નરેન્દ્રસિંહ (ભાનાડા), કોઠારા સરપંચ હેમુભા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન પ્રતાપસિંહ સોઢાએ કર્યું હતું. વ્યવસ્થા પશ્ચિમ કચ્છ ખાદી ગ્રામોધોગના મંત્રી ખોડુભા જાડેજા, ઉર્મિલાબેન, દિવાંગીબેન સહિતનાઓએ કર્યું હતું.